આજે બે અઠવાડિયા થયા ..એક વિષયને લગતી પોસ્ટ લખવા વિચારું છું પણ લખી બીજો વિષય નાખું છું …ક્યારેક મન અને મગજ વચ્ચે દ્વંદ્વ થાય ત્યારે આવું થાય છે …પહેલા વિચાર્યું તો થયું ના …પ્રજાસત્તાક દિવસ છે તો એના પર લખવું જોઈએ …બીજી વખત વસંત પંચમી હતી તો ઋતુરાજને વધામણા આપી દીધા ..કેમકે ઘણી વસ્તુ એવી હોય છે જેના માટે બીજા કોઈ દિવસ પણ મળે પણ કોઈક ખાસ વસ્તુ માટે એક મુકરર દિવસ હોય છે અને એની ઉજવણી માટે એ દિવસ પછી મજા નથી રહેતી …..
જેના માટે મારે લખવું હતું એ વિષય હતો “મતભેદ “…અને લખતા પહેલા જ દિલ અને દિમાગના મતભેદ આડે આવ્યા …બેઉ બાજુ દિમાગ વિજયી થયું અને મન હારી ગયું …આ દ્વંદ્વ પોતાની ભીતર હોય છે અને મતભેદ પોતાની ભીતર પણ ઉદ્ભવે છે …જો બીજા વ્યક્તિ સાથે હોય તોય કારણ આપણા મનમાં પણ હોય છે જે બીજી વ્યક્તિ સાથે સહમત નથી થતું અને એની સાથે મતભેદ ઉદ્ભવે છે ….ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે તેમને બધા સાથે મનમેળ હોય અને કેટલીક એવી હોય કે જેને બધા સાથે મતભેદ હોય છે …
જયારે તમે કોઈ વ્યક્તિ સાથે સહમત ના હો તો તમે ખુલ્લા દિલે તમારો મત વ્યક્ત કરો …એ એક પારદર્શક સ્વસ્થ વ્યક્તિની નિશાની છે ..પણ એનો અર્થ એ પણ નથી કે તમે કાયમ કોઈ વ્યક્તિના વિચારમાં ખોડખાંપણ કાઢ્યા કરો અને વિચાર સ્વીકાર્ય હોય તો પણ તેની સાથે અસંમત થઇ પોતાનો અલગ વિચાર સ્વીકાર કરવાનો દુરાગ્રહ રાખો ….સામે વાળો પણ સાચો હોઈ શકે છે એ વિચાર સાથે એક ઊંડો વિચાર કરવો પણ જરૂરી છે ..પણ એ ખાલી એના માટે જે ખરેખર કોઈ ગંભીર અને મોટી અને પ્રેરણાત્મક વાતો હોય …નાની બિનજરૂરી વાતો માટે સમય અને વિચારશક્તિ નો વ્યય કરવો જરૂરી નથી ..સિવાય કે તમે ખરેખર ખુબ જ નવરા હો અને તમારી પાસે સમય સિવાય કશું ના હોય …દરેક વસ્તુની પ્રાથમિકતા નક્કી કરતા આવડે તે વ્યક્તિને સફળ થતા કોઈ રોકી શકે નહિ …
તમે સાચા હો પણ આજે તમારો વિચાર કોઈ સમજી ના શકે અને એ સ્વીકાર ના કરે તો પણ નાસીપાસ ના થાવ કેમ કે તમે એ માટે ખુબ બધા પાસા થી વિચાર્યું હોય છે …અને એ વસ્તુ બીજા ને લાંબે ગાળે સમજાય એ શક્ય છે અથવા ના પણ સમજાય ….એ વખતે તમારે તમારા મતભેદ અને વિચાર પર અટલ રહેવું ઘટે ..દુનિયા શું કહેશે એ બીકે વિચાર બદલી નાખવો એ યોગ્ય નથી …આમાં નુકસાન આપણું પોતાનું જ હોય છે ને !!! બીજાને કોઈ ફર્ક નથી પડતો ….
જયારે મતભેદ થાય ત્યારે એની સીધી અસર સંબંધો પર પડતી હોય છે …એક વિચારને લીધે જેની સાથે એક લાંબો સ્વસ્થ સંબંધ વર્ષો સુધી રાખ્યો એ પળભર તૂટી જાય એ યોગ્ય નથી …એ વિચાર છોડીને પણ બીજી વસ્તુઓ માટે તમે હજીય સમાન જ છો …આપણી વિચારશક્તિ પર ફક્ત એક વિચાર સવાર થાય અને એક જિંદગીભરનું નુકસાન પોસાઈ ના શકે ….બીજાને પોતાના વિચાર પરાણે સ્વીકાર કરવા મજબુર કરવા પણ યોગ્ય નથી જ !!! સમય પોતે જ એ સ્વીકાર કરવા મજબૂર કરે ભલે એ લોકો જાહેરમાં સ્વીકાર કરે કે ના કરે …..એક સારા વિચારને સ્વીકાર કે અસ્વીકારની ક્યારેય પરવાહ હોઈ શકે નહીં …અને સાચી વાત સમયના એક બિંદુ પર પોતાની મહત્તા તો સિદ્ધ કરે જ છે ….
કોઈ પણ સંબંધ મતભેદ વગર સ્વસ્થ ના કહી શકાય અને એ એટલા આદર્શ હોવા ઘટે કે મતભેદને વ્યક્ત કરવા પણ આઝાદી હોવી જોઈએને !!! બહુ અઘરું છે પણ અશક્ય નથી જ …….બહુ મોટા નહીં પણ સામાન્ય માણસ માટે આ સહજ છે …..
શક્ય છે કે મારા આ વિષય માટે વાચકને મતભેદ હોઈ શકે તો ખુલ્લા દિલે એ મને જણાવી શકે છે ….