ચકા ચકી ની વાર્તા

આ એક નજરે જોયેલી અને દિલથી અનુભવેલી સત્ય ઘટના છે .

મેં મારા ઘરમાં તેલના ડબ્બા માંથી ચકલીને રહેવા માટે ઘર બનાવેલું વર્ષો પહેલા . એને બાલ્કની ની ગ્રીલમાં ઊંચે ફિટ કરી દીધું જેથી અમારી અવરજવરને કારણે ચકલી ડરે નહીં .રોજ બે ચકલા અને એક ચકલી અચૂક આવે જ . એમના માટે દાણા પાણી મુકું . ચીં ચીં કરી ઘર ભરી દે .પણ મોટા કદ ના કબૂતરો એમની ચણ ખાઈ જાય . એમના ઘરમાં ઘૂસીને આરામ ફરમાવે . નાના ચકલા ચકલી બેબસ બની ઉડી જાય . મેં એ ઘર નો દરવાજો બંધ કરી દીધો .

વર્ષો બાદ એમણે એ ઘરમાં માળો બાંધ્યો . માળો બનાવવા એ તેલ કાઢવાનું કાણું હોય એનો પ્રવેશદ્વાર તરીકે ઉપયોગ કરતા . એમ 5 ઈંડા મુક્યા . બાલ સુલભ કુતુહલ થી મેં એના ફોટા પાડ્યા . દરવાજો ખોલી નાખ્યો જેથી ચકલા ચકલી આસાની થી આવી જઈ શકે . એ જ દિવસે બપોરે કબૂતર ઘુસ્યું અને ઈંડા ફોડી નાખ્યા બીજા કબૂતર સાથે લડતાં લડતાં . મને એવું લાગ્યું કે મેં કોઈ ગુનો કર્યો હોય . થોડા દિવસ ઉદાસ પણ રહી . પણ જોયું ચકલી ચકલો નોર્મલ છે તો હું પણ નોર્મલ થઈ ગયી .

મહિના પછી ફરી એ બેઉ સાવરણીની સળીઓ , પીંછા એવું બધું લાવી કાણા વાળા રસ્તે માળો બનાવવા મંડ્યા . મેં એનું બરાબર ધ્યાન રાખ્યું . સળીઓ ભેગી કરવી બંદ કરી એટલે સમજી ગઈ કે ઈંડા મૂકી દીધા છે . એકાદ અઠવાડિયા થી વધારે સમય થયો હશે . ચકલો અને ચકલી બહુ અવાજ કરતા હતા . મને લાગ્યું કદાચ બચ્ચું બહાર આવી ગયું હશે . મેં બહાર એક ડીશમાં વધેલા ભાતના દાણા નાખ્યા અને ચકલીએ તરત આવીને માળા માં જઈને બચ્ચાંના મોમાં મુક્યા ત્યારે બચ્ચાનો મીઠો અવાજ સાંભળ્યો . પછી તો આંખ ખુલે સવારે એટલે દાણા પાણી નાખવાના . ખૂટી જાય તો બીજા નાખી દઉં . અને એમનો કલરવ ચક ચક કે કચ કચ સાંભળીને ખુશ રહું .

એક દિવસ બહાર જવાનું થયું અને ત્રણ કલાક પછી પરત ફરી ત્યારે બાલ્કની માંથી બચ્ચું રસોડામાં ઘૂસી ગયું. મારી ખુશી ની કોઈ સીમા ન રહી . ફોટો પાડ્યો . એને માળા માં પાછું મૂક્યું તોય ઉડીને નીચે આવ્યું .

પછી હું બારણું બંધ કરી મારા કામમાં પરોવાઈ ગયી . એ બચ્ચું જાતે ઉડીને ત્યાર પછી કશે જતું રહ્યું અને કાલના ચકલા ચકલી કશું ખાધા વગર એને શોધ્યા જ કરે છે . એમનું દુઃખ અનુભવી શકું છું .

એમના બચ્ચાને પાંખો આવી એટલે એ માં બાપને જાણ કર્યા વગર ઉડી ગયું ત્યારે એ મા બાપ ની વ્યથા પણ આપણા જેવી જ ને !!!

એમના બચ્ચા એ પણ આપણા મનુષ્યો જેવું જ કર્યું ને ???!!!!

Advertisements

સાસુ માં

આપણાં સમાજનું બહુ જાણીતું પાત્ર .હાલમાં એક સુખદ ઘટના બની . મારા પડોસ માં રહેતી એક નાની ઉંમર ની વહુએ એના દીકરા ને રોજની જેમ સાંજે ફરવા લઈ જતા સાસુ માં માટે એમના ગયા બાદ એમને અંગારિકા ચોથ નો ઉપવાસ હતો તેથી ઝટપટ ગોળના લાડુ બનાવ્યા . પહેલી વાર બનાવેલા પણ મને ચાખવા મોકલ્યા એટલે કહું ખરેખર 100 ટકા સરસ બનેલા . એથી પણ વધારે એની ભાવના સ્પર્શી ગઈ .whatsapp પર એને વખાણ નો સંદેશ આપ્યો અને સાસુમા શબ્દનો પ્રયોગ કર્યો એટલે એણે સહજતા થી કહ્યું સાસુ માં નહીં પણ માં . ખરેખર મને એ સાસુવહુ લાગતા જ નથી .ત્યારે એ સાચી હતી તોય મને સાસુમાં શબ્દ વધારે યોગ્ય લાગ્યો .

માં ને ત્યાં દીકરી કુટુંબનો એક હિસ્સો છે જ્યારે અહીં તો એનું કુટુંબ છે . ત્યાં કામ કરવું ના કરવું એની મુનસફી પર છે અને અહીં જવાબદારી નો અહમ ભાગ છે . ત્યાં એને મહેમાન ગણાય છે અહીં ઘરની સભ્ય . ત્યાં રસોડા પર કે અન્ય નિર્ણયો માં તે પોતાનો મત વ્યક્ત કરી શકે પણ આખરી નિર્ણય માં કે ભાભીનો હોય .અલ્લડપણું ત્યાં અદા છે અને અહીં જવાબદારીનો અભાવ .

ક્યારેય આપણે એ વિચારીએ કે પોતાના દીકરાનું જતન કરીને સાચવીને મોટો થાય અને કમાતો થાય પછી એક વહુ ના હાથમાં એને સોંપવાની વાત પણ હિંમત માંગે છે .પોતાના અધિકારને દીકરા વહુ ના સુખ ખાતર જતા કરે એ વહુ ને પછી સમજાય છે . એટલે જ એને શરૂઆતમાં વ્હાલ વહેંચતા થોડો ગુસ્સો થોડી ઈર્ષ્યા આવે છે . પણ જ્યારે મૂળ રકમનું વ્યાજ સમું નાના બાળકનું આગમન થાય એટલે એ સાસુમા એમાં ઢળી જાય છે . પોતાની જુવાની મકાનને ઘર બનાવવાની જહેમત પછી સંતાનો ને સેટ કરતા એ સ્ત્રી પણ થાકતી જ હશે ને આપણી માં ની જેમ . એના શરીરમાં પણ છાને પગે ઘડપણ , કમજોરી પ્રવેશતી જ હશે ને !! પણ તોય એની જવાબદારી ઓછી કેમ નથી થતી ?? અહીં જવાબદારી લેવી કે આપવી ની સમજ ભાગ ભજવે છે .

સાસુને માં નો દરજ્જો આપતી વખતે વહુ ઘરની મોટાભાગની જવાબદારી માં સાસુમા નું ભારણ ઓછું કરે તો માં કહેવું વધારે શોભી ઉઠે . પોતાના પતિ ને એનો દીકરો બનવા માટેનો ભાગ આપે તો સાસુ પણ માં બને . આ ઘરમાં એક જવાબદાર નિર્ણાયક ભૂમિકા મળે છે જે પિયર કરતા ક્યાંય ઊંચી હોય છે

આપણે વ્હાલના દરિયા જેવી ગણાતી દીકરી ના ઘરમાં વહુ ભાભી તરીકે આવે ત્યારે આપણી માં ની અંદર સૂક્ષ્મ ફરક આવે છે તે લગભગ બધાએ અનુભવ્યું હશે . આપણી વિદાય પહેલાં જ આપણો ઓરડો કે પલંગ કે કબાટ પર બીજાની ઉમેદવારી નોંધાઇ જાય અને પછી આપણી બાળપણની છીપલા , કટિંગ કે એવો સામાન ભંગારમાં અપાઈ જાય અને એ આપણું પિયર બને અને આ ઘર .

એટલે જ સાસુને માં ની જેમ પ્રેમ કરો પણ એને સાસુમા કહીને એની ગરિમા ચોક્કસ વધારો .

રત્નકણિકા : 14

આપણું મન એ આપણો સૌથી મોટો ગુરુ છે .ડગલે અને પગલે એ આપણને સચોટ માર્ગદર્શન આપે છે . એ આપણને સૌથી વધારે જાણે પણ છે અને આપણો સાચો દોસ્ત પણ છે . અને આપણે સૌથી વધારે વાર આપણા મનના અવાજને અવગણ્યો છે .
થેન્કયુ મન મારી સાથે રહેવા માટે .

~~ પ્રીતિ

રત્નકણિકા : 13

આપણે સ્વ અનુભવ અને આત્મવિશ્વાસ કરતાં અનુકરણમાં વધારે વિશ્વાસ કરીએ છીએ એટલે જ મહત્વના નિર્ણયોમાં ખોટા પડીએ છીએ .

~~પ્રીતિ