અને અમે સામસામે મળી ગયા…….


નાની નાની કરચોમાં ફૂલોના ઘાથી વિખરાયેલું મારું ભીતર …..શરીરની આકર્ષક પોલીબેગમાં વીંટીને ઝીપથી બંદ કરેલું ….એ મારા માનવા પ્રમાણે તો પોલાદનું બનેલું હતું છતાંય એ કાચની કરચમાં તૂટી શેં ગયું ????? આ એક એક કરચ કાચની હતી અને એ એક એક કરચ એક આયનો બનીને મારા અસ્તિત્વના અનેક પ્રતિબિંબોમાં હસવા લાગી …મારું દરેક ટુકડામાં દેખાતું એક એક અસ્તિત્વ એક સરખું …આ તૂટી જવું શું શ્રેષ્ઠ હતું ??? એકમાંથી અનેકમાં રૂપાંતરિત થયેલા મારા અસ્તિત્વને બાંધતું એક મન …અને એમાંથી ઉઠતો એક માત્ર સવાલ ……હું ક્યા ખોવાઈ ગયી ??? ક્યાં છુપાયા છે મારા શબ્દો ???

 ???દસે દિશાઓ માં દોડવું મારા મગજના એ જાસુસ તરંગોને અને  મોકલું પેલા શાહુકાર પાસે જેણે આ દુનિયાદારીની અવેજ માં મારા શબ્દો લખાવી લીધેલી ગીરો પેટે ……..મારા શ્વાસ તો ચાલતા હતા પણ મારું ભીતર મૃતપ્રાય થઇ ગયું હતું ……..લે શાહુકાર મારી આ મોરલીને અને   ગીરવે મુકેલા મારા શબ્દો મને પાછા આપી દો અને મારી મોરલી બાના પેટે રાખી લો …….

આ શબ્દોની જરૂર છે મારે …કારણકે હમણાં ચાંદો સુરજ તારા વારાફરતી વાદળોની રજાઈમાં ઢબુરાઈને સુઈ રહે છે …હા એમનું હવે વેકેશન શરુ થઇ ગયું ને ??? આમ પણ જયારે વરસાદ સાથે આપણો રોમાન્સ ચાલતો હોય ત્યારે એકાંત સારું ……..
કાલે એક એવી જ રાત હતી ………મારા ઘરની ખુલ્લી અગાસીમાં હિંચકા પર બેસીને મોબાઈલ પર ગીતો સાંભળતી ઝૂલ્યા કરતી હતી …વાદળની શિફોનની સાડી પહેરીને ઘૂંઘટમાંથી ચંદ્ર પણ ડોકાતો હતો ….જયારે ઠંડી હવા વાદળોને કેડે બેસાડી દોડાદોડ કરતી ત્યારે વાદળોની ગાગરમાંથી થોડી થોડી બુંદો ભૂલ થી છલકાઈ જતી ….અને ચંદ્ર એ જોઇને ખડખડાટ હસતો હોય …. વીજળી પણ રમુજ કરવાની ચૂકતી નહોતી ….બે વાદળોના માથા જોર થી અથડાવે અને પછી ઉભી ઉભી બેટરી લઈને નૃત્ય કરે ….કાનમાં ઇઅર ફોન પર વાગતા ગીતો પણ મતલબ ખોઈ નાખતા હતા …અરે હું તો આ કુદરતની કવ્વાલી માણવામાં મશગુલ હતી અને ઘરમાંથી એક મિસકોલ આવ્યો કેમકે હું ખોવાઈ ગઈ હતી ઘરમાંથી આખેઆખી ….મારી ભાળ મેળવવી હતી ………
રાત્રે એક વાગ્યા સુધીની એ રાત્રી હતી ……જ્યાં હું કોઈ ગમને ભૂલવા માટે કુદરતનો નઝારો પી રહી હતી એકલી એકલી ………મને મારું એકાંત ગમે છે કેમ કે હું ત્યાં મને મળું છું …કોઈ પણ બંધનથી મુક્ત ……હા આ એકાંતને શોધવા બહુ કોશિશ કરવી પડી અને એ પણ મારી શોધમાં હતું …અને અમે સામસામે મળી ગયા એ મેઘાડંબર અને ચંદ્રની સાક્ષીએ …….

1 thoughts on “અને અમે સામસામે મળી ગયા…….

Leave a reply to પ્રીતિ જવાબ રદ કરો