રેતઘડી


મારી આ વાર્તા કૃતિ આ પહેલા પાંચેક વર્ષ ઉપરાંત દિવ્યભાસ્કર દૈનિક માં અને માર્ચ ૨૦૦૭ રીડગુજરાતી .કોમ પર પ્રસ્તુત થઇ ચુકી છે ….. આજે પ્રથમ વાર મારા આ બ્લોગ પર ……..

હાશ !!!‘અરે વિપુલ જરા સાંભળ હું જરા બે દિવસ કિલનિક પર નહીં આવું। મારા પેશન્ટ્સને પ્લીઝ એટેન્ડ કરી લેજે !!’‘કેમ ?’‘ખૂબ થાકી ગઈ છું અને થોડો રેસ્ટ કરવો છે। આ ઘર પણ ફરી પાછું થોડું વ્યવસ્થિત કરી દઉં !’‘ઓ। કે. હું જાઉં છું

પોતાના પતિ ડૉ. વિપુલ દેસાઈ (એમ.ડી – પિડિયાટ્રીશ્યન) ને ડૉ. મેઘા દેસાઈ (એમ.ડી. – પિડિયાટ્રીશ્યન) મુખ્ય દ્વાર સુધી વળાવી આવ્યાં. પાછાં આવી સોફા પર બેસી મેગેઝિનનાં પાન પલટાવતાં રાજુ પાસે ઢેબરાં અને કોફી પણ ત્યાં જ ટીપોઈ પર મંગાવી લીધાં.
અર્ધો એક કલાક પછી હળવેકથી ઊભાં થઈ અનાયાસે તેમના કદમ શાશ્વતીના રૂમ તરફ જવા લાગ્યા. શાશ્વતી ! તેમની લાડકવાયી દીકરી !! હજી ગઈ કાલે જ પરણીને સાસરે બૅંગલોર ગઈ. દીકરો તન્મય બેનનાં લગ્ન પતાવી આજે સવારે કર્ણાવતીમાં બોમ્બે અને ત્યાંથી યુ.એસ. જવા નીકળી ગયો છે. હજી માત્ર છ મહિના અગાઉ જ ખરીદેલ આ ‘શાંતિવન’ બંગલાનું ઝડપભેર નવીનીકરણ અને રાચરચીલાનું કામ નીપટાવી બે માસ અગાઉ જ તેઓ અહીં રહેવા આવી ગયાં હતાં. શહેરના છેક છેવાડે પણ કુદરતી સાંનિધ્યમાં આવેલું આ ઘર સુંદર છે. વળી વિપુલ ઈચ્છતો હતો કે શાશ્વતીનાં લગ્ન અહીં આ ઘરમાંથી જ કરવાં….
ઓરડામાં પગ મૂકતાં જ ડૉ. મેઘા માતા બની ગયાં. તેમનું મન રૂમની તમામ નાની મોટી વસ્તુઓને સ્પર્શી તેમાં શાશ્વતીને શોધવા લાગ્યું. હળવેકથી એક કબાટ ખોલતાં જોયું તો તેમાં શાશ્વતીના પહેલા જન્મદિનથી આજદિન સુધી તેને મળેલી તમામ ભેટો આકર્ષક રીતે ગોઠવાયેલી હતી. જાણે હમણાં જ બજારમાંથી લાવ્યા હોય એમ !! બીજા કબાટમાં હારબંધ લટકતાં કપડાં !! શાશ્વતી એક સાદગીપરસ્ત છોકરી હતી. આછા રંગના સુંદર સાદા પંજાબી ડ્રેસ તેને વિશેષ ગમતા હતા. તેના રાઈટિંગ ટેબલ પરથી અચાનક તેમના હાથમાં એક ડાયરી આવી ગઈ. શાશ્વતીએ એમ. એ. કર્યું હતું; અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં. કુતૂહલવશ એમણે એ ડાયરી ઉઘાડી તો એ શાશ્વતીના અક્ષરે લખાયેલી હતી. શીર્ષક હતું : ‘કંઈક અણકહી વાત.’ ઉત્સુકતાપૂર્વક ડૉ. મેઘા એ પલટાવી રહ્યાં. લગભગ 11-12 વર્ષની ઉંમરથી તેણે પોતાના અનુભવો લખ્યા હોય એમ લાગ્યું. ગુજરાતી સાહિત્યમાં વિશેષ રૂચિ ધરાવતી શાશ્વતીની કલમ ખૂબ બોલકી હતી. ડૉ. મેઘા બારી પાસેની ખુરશીમાં બેસી નિરાંતે વાંચવા લાગ્યાં….
‘આજે મને બહુ તાવ હતો. મમ્માએ મને ઈન્જેકશન આપ્યું. તન્વીઆન્ટીને દવાના બે ડોઝ સમજાવી ત્રણ કલાક પછી ફરી ફ્રુટ જ્યુસ માટે સૂચના આપી મારું માથું ચૂમ્યું. અને પછી ડાર્લિંગ, સી યુ એટ ઈવનિંગ !! કહી તું હાથ હલાવતી ચાલી ગઈ… તું મારી પાસે આખો દિવસ બેસે, મારા વાળમાં હાથ પસરાવતી મને ઊંઘાડી દે એ આશા ખોટી પડી…. – આવું થાય ત્યારે હું તન્વીઆન્ટીને પૂછતી કે “મારી બધી ફ્રેન્ડસની મમ્મી તેમની આવા વખતે કેટલી સંભાળ રાખે છે, મારી મમ્મી કેમ નહીં ?’તન્વીઆન્ટી કહેતાં, ‘જો બેટા, તારી સંભાળ હું તો રાખું છું ને ? તારી મમ્મી દવાખાને જઈ ત્યાં આવતાં બીજાં કેટલાંય બીમાર બચ્ચાઓને સાજાં કરે છે. જો તે ઘેર રહે તો તેમને દવા કોણ આપે ?’ આ જવાબથી મને સંતોષ તો ન થયો પણ પછી હું સૂઈ જતી.’
ડો. મેઘાના હાથ ઝડપભેર પાનાં ફેરવવા માંડ્યા. ‘સામેવાળાં આન્ટીને ઘેર એકવાર એક છોકરી ચણીબોર ખાઈને ઠળિયા ફેંકતી હતી. મને પણ એવું કરવાની બહુ ઈચ્છા થઈ. બીજે દિવસે મમ્મીના પર્સમાંથી મેં છાનામાના એક રૂપિયાનો સિક્કો લીધો. તન્વી આન્ટી એ જોઈ ગયાં. એ સિક્કાનાં મેં ચણીબોર લીધાં. તે દિવસે તન્વીઆન્ટીએ મેં કેટલું ખોટું કામ કર્યું છે એ ખૂબ શાંતિથી સમજાવ્યું. મેં તેમને આવું કદી નહીં કરું એ પ્રોમિસ કર્યું, સાચું પ્રોમિસ !! પછી તો ક્યારેક આન્ટી જ અમારા માટે બિલકુલ થોડી પણ અમને ઈચ્છા થતી એ વસ્તુઓ લાવતાં.’
આ તન્વીઆન્ટી એટલે શ્રીમતી તન્વીબેન હસમુખરાય મિસ્ત્રી. અમારા જૂના ઘર પાસે રહેતા અમારી હોસ્પિટલના પહેલાંના મુખ્ય હિસાબનીશનાં વિધવા પત્ની. સંતાનમાં એમને કંઈ ન હતું અને એ વખતે ડૉ. મેઘા અને ડૉ. વિપુલને એક વિશ્વાસુબેનની બાળકો માટે જરૂર. પરસ્પરની જરૂરિયાત પૂરી થઈ અને પછી તો તન્વીબેન આ ઘરનું અભિન્ન અંગ બની ગયાં. બાળકોનું સંપૂર્ણ જીવન તેમના પર જ અવલંબિત હતું. ચાર વર્ષનો તન્મય અને બે વર્ષની શાશ્વતીનો ઉછેર તેમના હાથે જ થયો. સવારે સાડા આઠે આ ડોકટર દંપતિ હોસ્પિટલ જવા નીકળી જતું તે સાંજે આઠ વાગ્યે પરત આવે. હોસ્પિટલ-દર્દીઓ-ઓપરેશન-દવાઓ – જાણે ઘર તો તેમને માત્ર રાત્રિવિસામાનું સ્થાન હતું. માત્ર રવિવારની સાંજ તેઓ બાળકો સાથે રહેતાં, જો કોઈ પાર્ટી કે ફંકશનમાં જવાનું ન હોય તો ! પૈસાની પારદર્શક દીવાલની આ પાર તેઓ હતાં તો પેલી પાર બાળકો ! તેઓ એકબીજાને માત્ર જોઈ શકતા, અનુભવી ન શકતા. દુનિયાનો તમામ વૈભવ, વિદેશી ટૂર, મોંઘીદાટ જવેલરી, લકઝરી કાર, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ! આ બધું બલિદાન તો માંગે જ ને વળી !!
ડૉ. મેઘા આતુરતાપૂર્વક આગળ વાંચવા માંડ્યા….
‘આજે પ્રથમવાર મને મારામાં કંઈક અજીબ ફેરફાર લાગતો હતો. મેં યૌવનમાં પ્રવેશ કર્યો. આમ તો મમ્માએ મને માનસિક રીતે સમજાવી હતી પણ તોય મેં તેને હોસ્પિટલ પર ફોન કર્યો. ‘બેટુ ! મારે હવે ઓપરેશન થિયેટરમાં એક ક્રિટિકલ ઓપરેશન છે. પ્લીઝ ! ડોન્ટ ડિસ્ટર્બ મી !’ મારી કોઈ પણ વાત સાંભળ્યા વગર તેં ફોન કટ કરી દીધો. હું એકદમ હેબતાઈ જ ગઈ. તન્વી આન્ટીએ મને ક્યાંય સુધી તેમના ખોળામાં સૂવડાવી અને અલકમલકની વાતો કર્યા કરી. મમ્મી મેં તને તે દિવસે કેટલી મિસ કરી એ તને કેવી રીતે સમજાવું ?’
ડૉ. મેઘાને લાગ્યું કે, ભલે તેમને લોકો સુંદર અને સંસ્કારી બાળકો માટે અભિનંદન આપતાં પણ તેમની આ સુંદર કેળવણી તો તન્વીબહેનને આભારી હતી. પોતે તો આવી કેટલીય વસ્તુઓથી આજ સુધી તદ્દન અસ્પૃશ્ય રહી હતી !!! તન્મય બે વર્ષ અગાઉ મેડિસીનમાં એડવાન્સ સ્ટડિઝ માટે યુ.એસ.એ ગયો ત્યારે પોતે અને વિપુલ પોતાની જાતને ધન્ય માનતાં હતાં. પણ રાતે ઊંઘી ગયેલા તન્મયને સરખું સુવાડી ઓઢાડતાં તન્વીબહેનની તપસ્યા એમાં ઓછી ન હતી. અર્ધી રાતે તન્મયને કંપની આપવા તેની રૂમમાં રામાયણ વાંચતા રહેતાં એ કેટલીય વાર તેણે જોયેલું. તન્મયના ગયા બાદ શાશ્વતી તદ્દન ઓછાબોલી અને અને એકાકી બની ગયેલી. તન્વીબહેન ઘણી વાર કહેતાં આ શાશ્વતી સાસરિયે જતી રહેશે પછી તો હંમેશ માટે હું હરિદ્વાર ‘શાંતિકુંજ’ માં જતી રહીશ.
એક એક પાનાં જેમ જેમ ડૉ. મેઘા પલટાવતાં ગયાં તેમ તેમ તેઓ હવે ચોંકવા માંડ્યાં.
‘આજે મને જોવા માટે પપ્પાના યુ.એસ.એ. વાળા મિત્ર અને તેમનો દીકરો ધ્રુવ આવવાના છે. મમ્મી અને પપ્પના, મતે મારે માટે આ એક પરફેક્ટ મેચ છે. ધ્રુવ અમેરિકાની હોસ્પિટલમાં સર્જન તરીકે પ્રેક્ટિસ કરે છે. શાંત અને સમજદાર છે. હું ધ્રુવને મળી. તેના વિચારો જાણ્યા. તેના મત મુજબ સ્ટેટ્સમાં જો બંને જણાં જોબ કરીએ તો જીવન ખૂબ સુખી બની રહે. બહુ મોટા માણસ બનવાની તેની મહાત્વાકાંક્ષા હતી….. મમ્મીએ મારી ઈચ્છા પૂછી. મેં વિચારવા માટે સમય માગ્યો. તે દિવસ ડૉ. રવિકાંત જોષીની પાર્ટીમાં મારી મુલાકાત નિલય સાથે થઈ. તે ધ્રુવ સાથે આવ્યો હતો. નિલય માલવ અભ્યંકર. બૅંગલોરની એક સોફટવેર કંપનીમાં સી.ઈ.ઓ હતો. આ વર્ષે પ્રમોશન મળવાનું હતું. માતા-પિતા બચપણમાં જ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ. ખૂબ તેજસ્વી તેથી સ્કોલરશિપ પર સમગ્ર અભ્યાસ કર્યો. તેનું ગુજરાતી ખૂબ સારું હતું.
અમને બેઉને ડાન્સમાં રસ નહોતો. એક ખૂણામાં સોફટડ્રિંક પીતાં અમે કલા-સાહિત્ય-સંસ્કૃતિ-આધુનિક સમાજનો પરિવેશ વગેરે. ચર્ચામાં ગૂંથાયાં. મને એક અજબ આનંદ અને સંતોષ થયો. સામાજિક પરિવેશમાં લગ્નને એક અતૂટ બંધન ગણાવતાં એણે કહ્યું કે ‘મેં મા-બાપ તો જોયાં જ નથી. ભણ્યો અને મોટો થયો હોસ્ટેલમાં. લગ્ન પછી હું ઈચ્છીશ કે એક નાનાશા ફલેટમાં હું મારી પત્ની-બાળકો આનંદથી રહીએ. સાંજે જ્યારે હું જમીને ટીવી જોતો હોઉં. ત્યારે અંદરના રૂમમાં બાળકોની ઘીંગામસ્તી પણ સાંભળી લઉં. મારી પત્ની મારા નાનકડા સંસારબાગની દેખભાળ કરે. હા… જો જોબ શોખ માટે કરવી હોય તો ના નહીં કહું પણ જો એ ઘેર રહે તો મને ખૂબ ગમશે.’… નિલય મને ગમી ગયો. રાત્રે મને ઊંઘ ન આવી. સાચું કહું તો મમ્મીનો સાથ આજ દિન સુધી હું ઝંખતી રહી હતી. મેકડોનાલ્ડના પિત્ઝા ખાવા કરતાં મને તેની સાથે રહેવાની ભૂખ વધારે રહેતી. મેડિકલના કોમન એન્ટ્રેન્સ ટેસ્ટના મેં અર્ધા જવાબો જાણી જોઈને ખોટા આપ્યા હતા. કેમ કે, જો હું પાસ થાત તો મારે ડૉ. શાશ્વતી જ બનવું પડત. મોટા ભાઈની જેમ !! નિલય સાથે મને ફાવ્યું. તેના બૅંગલોર જવાના આગળના દિવસે મેં હિંમત કરી તેને પૂછ્યું, ‘નિલય ! તને જિંદગી મારી સાથે ગુજારવી ગમશે ?’ નિલય અવાક્ થઈ ગયો ! હું જાણતી હતી તે પણ મનોમન મને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ સામાજિક સ્ટેટ્સ આડે આવતું હતું. તેણે હા કહી. ‘તે દિવસે રાત્રે ડાઈનિંગ ટેબલ પર જ્યારે તેમને સૌને મારી પસંદગી જણાવી ત્યારે તન્વી આન્ટી સિવાય સૌ ખળભળી ગયાં હતાં. પણ, હું મક્કમ જ રહી. મારા સુખદ ભવિષ્ય માટે મને સમજાવવા તમે બેઉ બે દિવસ ઘેર રહ્યાં પણ હું એકની બે ન જ થઈ’
‘આખરે તમે મારા નિર્ણય પર કમને સંમતિની મહોર મારી. પણ હું તમને કેવી રીતે સમજાવું ? મમ્મી, એક દીકરી તરીકે તારી પાસે જે હું હંમેશા ઝંખતી-રહી પણ તું મને આપી ન શકી તે એક માતા તરીકે મારાં સંતાનોને હું આપવા માગતી હતી…. ‘સમય !’ અને નિલય તેથી જ મને ગમ્યો હતો !’
અંધકારના ઓળા ભૂમિ પર પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા હતા. ડૉ. મહંમદ ખાનને લઈ ડો. વિપુલ નીચે દીવાનખંડમાં આવી પહોંચ્યા હતા. ડૉ. ખાન કહી રહ્યા હતા, ‘ડૉ. દેસાઈ, આ ઘર ખૂબ સુંદર છે. તેની દીવાલો ખૂબ મજબૂત છે…’ આ દીવાલોમાં ડૉ. મેઘાને પોલાણ અનુભવાઈ રહ્યું હતું. તેમના હૃદયમાં ઉઠેલી એક વેદનામય ચીસ. આ પોલાણમાં થઈ ડાયરીનાં પાનાં પર અશ્રુઓનો અભિષેક થઈ રહ્યો હતો. રેતઘડીનો ઉપલો ભાગ હવે ખાલી થયો હતો.
ચાર માસ બાદ…..
‘વિપુલ ! સવારે શાશ્વતીનો ફોન હતો. તે અને નિલય ચૌદમીએ અહીં આવી રહ્યાં છે. જુઓ ! એ લોકો અહીં રહેશે ત્યાં સુધી હું હોસ્લિટલ નહીં આવું હોં !! માતા મેઘાની આ વાત સાંભળી ડૉ. વિપુલ મનોમન મલકી ઊઠ્યા.
નિરંતર વહેતી રહેતી નદીના, સ્થિર કિનારાની હું રેતી,સૌને ભીંજવતા નીરથી હું જ તદ્દન કોરી રહી ?

Advertisements

2 thoughts on “રેતઘડી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s