તૈયાર થઇ જાવ હાસ્યરસના હુમલા માટે


કાર્તિક માસની વદ ચૌદસના મંગળદિને શ્રી હસમુખલાલ અને સુશ્રી હસુમતીબેનના પરિણય સુત્રે બંધાવાનું મુહુર્ત છે તો સૌએ પધારવાનું હાર્દિક આમંત્રણ છે …આ હસમુખલાલનું કે હસુમતીબેનનું આયુષ્ય ક્યારેક એક ક્ષણભરનું તો ક્યારેક મીનીટોનું તો ક્યારેક જયારે પણ યાદ આવે ત્યારનું છે …તે લોકોની હાજરી અનુભવાય છે તેઓ દેખાતા નથી …તો આ નવતર લગ્નનું મંડપ મુહુર્ત કરીએ ……
તો આજે સૌ તૈયાર થઇ જાવ હાસ્યરસના હુમલા માટે તેમાંથી હુલ્લડ થવાની શક્યતાઓ નકારી શકાય નહિ ….હાસ્ય શબ્દમાં સૌથી પહેલું વ્યંજન હ કેમ છે ??? જાણો છો ??? કેમકે હસતી વખતે મોંમાંથી હા હા હા નીકળે છે …નાનું મોટું લાંબુ પાતળું એ તમારી કેપેસીટી પર આધાર છે …..
જેને જેને આ રમુજ નામનું કુતરું કરડે છે તેમને હાસ્યનો હડકવા ઉપડે છે .તમારા ઘરમાં એવી કોઈ વ્યક્તિ છે જેને દીવેલ સાથે ડાયરેક્ટ કનેક્શન હોય ??? અને જેના ગૃહપ્રવેશ કરવાથી સ્વયંભુ કર્ફ્યું સર્જાઈ જાય …હશે જરૂર હશે ..અને એમાં પિતાજી કે દાદાજીનું નામ પચાસ ટકા લોકોના મનમાં આવી ગયું હશે …
માત્ર સોળ સ્નાયુના હલનચલન દ્વારા સર્જાતી કસરતનું નામ એટલે હાસ્ય …પણ આપણા સમાજના નિયમ પ્રમાણે હસવા માટે કોઈ એક તાર્કિક કારણ હોવું જરૂરી છે …કોઈ કારણ વગર હાસ્ય કરતા લોકો માટે એમણે જુદી વ્યવસ્થા કરેલી હોય છે ….
હવે નીચેથી વાંચવા માટે તમારે અતિ ગંભીર રહેવું જરૂરી છે ….
===હસવા માટે સૌ પ્રથમ એક અનિવાર્ય શરત છે કે તમારી પાસે મોં હોવું ફરજીયાત છે …પણ તેમાં દાંત હોવા ફરજીયાત નથી .
===હસવા માટે મગજ હોય કે ના હોય ઝાઝો ફરક નહિ પડે પણ જેની પાસે એની ગેરહાજરી હોય એ વ્યક્તિ પર લોકોને હસવાનો મોકો અવારનવાર મળતો જ રહે છે …
=એમતો હાસ્યના પ્રકાંડ જાણકારો એ એના મુખ્ય બે પ્રકાર કહ્યા છે ૧. સ્થૂળ હાસ્ય …૨. સુક્ષ્મ હાસ્ય ….લંબાણથી સમજાવ્યા છે …પણ મારું હમણાં જ કરેલું રીસર્ચ કહે છે કે સ્થૂળ હાસ્ય એટલે કે જયારે જાડા વ્યક્તિઓ હસે ત્યારે તેને સ્થૂળ હાસ્ય કહેવાય અને જયારે પાતળા લોકો હસે તેને સુક્ષ્મ હાસ્ય કહેવાય …
=ઘણા લોકો કહે છે કે જે બળતણ સ્વભાવના હોય એ લોકો પાતળા હોય અને હસમુખા હોય અને મસ્તરામ હોય તે જાડા હોય ….ના મારા આધુનિક રીસર્ચ પ્રમાણે આ પણ ખોટું છે …..જે લોકોને હસતી વખતે શરીરની અંદરની હવા મો વાટે બહાર પ્રસ્થાન કરી જતી હોય તે લોકો પાતળા હોય છે અને જે લોકોને હસતી વખતે અંદરની હવા બહાર ના નીકળે પણ બહારથી વધારાની હવા મો વાટે અંદર જતી રહે એ લોકો જાડા હોય છે …
તમારા ઘર પાસ બગીચામાં લાફીંગ ક્લબ ચાલે છે ??? એક દિવસની સવારની ઊંઘની કુરબાની આપી અવશ્ય જાવ ….મરચું હાસ્ય થી ઠહાકા હાસ્યની કસરત શીખવાડાય છે ….એ બધા રંગો જોઇને તમે અટ્ટહાસ્ય તમારા ખર્ચે ને જોખમે કરી નાખો વાંધો નહિ …..
હસવું એ એક કળા છે …અને લુચ્ચા લોકો ગૃમીંગ ક્લાસ માં એક વિષય અને એટીકેટ તરીકે શીખવાડે છે …હસવું આવે તો કેટલા પ્રમાણમાં દાબવું ,દંતપંક્તિનું પ્રદર્શન કેટલા પ્રમાણમાં અને કેટલા સમય માટે કરવું એ પણ શીખવાડે બોલો !!!!આ તો હાસ્યરસ પર થતો સૌથી મોટો જુલમ !!!
ક્યારે હસવું કેટલું હસવું કેવું હસવું એ તમારી સમજશક્તિ પર આધારિત છે પણ મુક્ત મને હસવાની કળા તો બહુ ઓછા લોકોને વરેલી છે ….જોક્સ કહી કોઈને હસાવવા એની ગણતરી પરમાર્થના કાર્યમાં થવી જોઈએ …એમાય પોતાની જાત પર હસવું એ તો સન્યાસીની કક્ષા ગણાવી જોઈએ ….
મારા માટે સૌથી અઘરું કામ છે મારું હાસ્ય રોકવું ….ઘણા અતિ નાજુક પ્રસંગે બાથરૂમમાં જઈએ મો દાબીને હસી લેવા જેવું કોઈ સુખ લાગ્યું નથી …ઘણી વાર આંખ અને નાકમાંથી એક પ્રવાહ પોતાની હાજરી પુરાવીને એની સાબિતી આપવા આવી જાય …ખાંસીનો છાપામાર હુમલો પણ થાય …અને હસતા હસતા તાલિયો પણ આપ્યા કરવાની અને પેટ પકડીને બેવડ થઇ જવાની મજા જેવું સ્વર્ગ ક્યાંય નથી …આ મામલો “અતિ ગંભીર ” આઈ સી યુ કક્ષાનો થયો …
હસવાના આધારભૂત સાધનો માં કોમેડી ફિલ્મ ,કાર્ટુન ફિલ્મ્સ , ટી વી શો પુસ્તકો નાટકો ઘણું બધું છે ..જે માત્ર તારક મેહતા નહીં પણ હમેશા ઉંધા ચશ્માં પહેરી વાંચવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે …આપણા ગુજરાતી સાહિત્યના ધુરંધરો જેટલું તો નહીં પણ આજે એક પ્રમાણિક પ્રયત્ન કર્યો છે ….મારું મનપસંદ હાસ્ય તો ગબ્બરસિંઘ શોલેવાળા નું ..!!!
મોઢું ખુલ્લું રાખી બાકી બચેલા ,વાંકા ચુકા ,સોનાનું પડ ચડાવેલા કે ચાંદી પૂરેલા દાંત કોઈ ગણી લેશે એ ભય રાખ્યા વગર હસી લેવું એ હૃદયરોગને જાકારો આપવા માટેનું ઉત્તમ ઔષધ છે જે મફત મળે છે …તો હવે સ્ટ્રેસને પુછડે ફટાકડા બાંધીને હસતા શીખો ….
ઘણા લોકોને હસવા માટે કારણ શોધવા પડે અને ઘણા લોકોને કારણ સામે ચાલીને મળવા આવે ….કોઈ વાર મોર્નિંગ વોક પર એક દ્રશ્ય જોયું જ હશે …કોઈ પાલતું કુતરાને સાંકળે બાંધીને નીકળે એની આગળ પાછળ શેરીના કુતરા કેવા લટુડા પટુડા કરતા ચાલે ..અને એની પોતાની શેરીની કે સોસાયટીની હદ સુધી વળાવતા ચાલે જાણે એમની જાનમાં આવ્યા હોય ….
એક સત્ય છે કે મીંઢા લોકો ખુબ ઓછું અને ખંધુ હસે છે …માણસની લુચ્ચાઈ એનું હાસ્ય વ્યક્ત કરી દે છે …હાસ્યરસ હૃદયબેંકજો નેગેટીવ વ્યાજ વસુલવા માંડે તો ય ફિક્ષ ડીપોઝીટની જેમ સાચવતા લોકો પોતાના જ મોટા દુશ્મન બની જાય છે ….અને નિર્મળ હસતા લોકો નિખાલસ હોય છે ……
સૌથી સુંદર હાસ્ય બોખલા મોમાંથી નીકળે છે …ચાહે એ નાનકડા બાળકનું હોય કે આખી જિંદગીની તડકી છાંયડી જોયા બાદ પણ જે કરચલી વાળા ચેહરા પર હજી ય સુરક્ષિત રહી શક્યું હોય …..
હાસ્યની આ ગંભીર વાતો પછી એક સોનેરી વાત : શક્ય હોય તો તમારું જીવન કોઈના સ્મિતનું કારણ બને તેવો પ્રયત્ન કરજો …કોઈના આંસુ નું નહિ …

Advertisements

4 thoughts on “તૈયાર થઇ જાવ હાસ્યરસના હુમલા માટે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s