સમયના જતા રહ્યા બાદ …


સમય એક હવા છે ..મુઠ્ઠીમાં બંધ કરો તો એમાં રહે છે …ગમે તેટલી મુઠ્ઠી ભીંસી લો …એક અણુ તો રહી જ જાય છે ..અને રેતીને સમય સમજીને પકડો તો મુઠ્ઠીમાંથી સરી જાય …એક આખી ૩૬૫ દિવસની શ્રેણી પૂરી થવામાં પાંચ દિવસ બાકી રહ્યા …૩૬૦ દિવસને અંતે ….તો એક વિચાર આ વર્ષની શરૂઆત વિષે આવે અને હવે આખા વર્ષની મુખ્ય સંચીકાઓ યાદ આવે ..સ્મૃતિના સુખદ અને દુખદ બેઉ સંભારણા …..
કોઈક એવું વર્ષ પણ હોય જ્યાં બસ ખાલી સુખદ સંભારણાની માત્રા વધુ હોય તેથી દુઃખદાયક ઘટના સહેલાઇથી વિસારે પાડી દેવાય ..અને આનાથી ઉલટું પણ હોય ….દિવસના આંખ ખુલ્યા પછીનો પહેલો વિચાર તમારો દિવસ જ નહીં પણ તમારું વર્ષ પણ નક્કી કરે છે ….દરેક તારીખ આવતા વર્ષની એ તારીખ સુધી એક વર્ષ જ હોય છે પણ આપણે ફક્ત પહેલી જાન્યુઆરી અને એકત્રીસ ડીસેમ્બર યાદ રાખી લઈએ છીએ …એમાં નજદીકની વ્યક્તિઓના જન્મદિવસ ,લગ્નતિથી કે કોઈ વાર મરણતિથી પણ ….
મને મારા દાદી કહેતા નવા વર્ષે જે કરો એ આખું વર્ષ થાય …..નાની હતી ત્યારે ના કહેતી પણ પછી સૌ પિતરાઈ ભાઈ બહેનોને કહેતી ..આપણે આખા વર્ષમાં સવારે પાંચ વાગ્યે ઉઠી નહાતા નથી ..આખું વર્ષ સ્કુલમાં રજા ના હોય ..નવા કપડા ના મળે ..પગે લાગીએ તો પૈસા ના મળે …ફટાકડા પણ ક્યાં ફૂટે ??? દાદી સાચું નથી કહેતા …બાળસુલભ દલીલો હતી અને કૈક અંશે તથ્ય પણ હતું ….દાદી ચાર આના આપતા ,બે મોટા કાકા રૂપિયો , અને બીજા સગાવહાલા ચાર આનાથી માંડી સૌથી વધુ રૂપિયા સુધી ..બપોરે ભાઈ બહેનો સિલક મેળવતા …મારા નાના ભાઈને ક્રિકેટના સ્ટમ્પ જોઈતા હતા …ટોટલ મારી પાસે અને એના થઈને અઢાર રૂપિયા થયા …એને કહ્યું હવે આમાંથી સ્ટમ્પ આવી જશે …કાકાની દીકરીઓ ફિલ્મ જોવા જાય …..આ તો આપણા વર્ષની અદ્ભુત સ્મૃતિઓ હતી …..
હવે તો સાંજે સૌથી પહેલા ન્યુઝીલેન્ડમાં આતશબાઝી થાય અને પછી ઓસ્ટ્રેલીયામાં થાય ..બાર વાગ્યે મારા શહેરમાં પછી આકાશમાં પ્રભુને એક મુક પ્રાર્થના કરીને સુઈ જવાનો નિયમ …પહેલા બહુ માંગતી ..એક લાંબુ લીસ્ટ રહેતું …હવે માત્ર મનની શાંતિ માંગું છું …અને કહું છું પ્રભુ મારી સાથે તું હજો …….ઘેર બેસીને કુટુંબ સાથે ટી વી જોવાનું ….એકરસ એક ઢાળમાં જીવાતી જિંદગી….
બહુ અલગ રીતે આખું વર્ષ ગયું …૨૯ જાન્યુઆરીને દિવસે મારા કુટુંબમાં મારા કાકી સાસુમાનું મૃત્યુ થયું એ પછીના ત્રણ મહિનામાં નજીકના કુટુંબીઓ માં એક પછી એક આઠ મૃત્યુ થયા …એક પછી એક લગભગ દરેક અઠવાડિયે …સફેદ સાડી અને મૃત્યુના પરિચયે મને માનસિક રીતે શૂન્ય મનસ્ક બનાવી દીધી ….પછી એક પછી એક કેટલાક નજીકના લોકો સાથે નાનકડી વાતે ગેરસમજો થઇ …સંબંધ થોડા રોકાઈ ગયા …ના તૂટ્યા નહિ પણ આત્મીયતામાં થોડીક ઉણપ વર્તાઈ ગયી …મારી માંદગીને કારણે ઓગસ્ટ માસ માં મેં સવા મહિના પછી ખાટલો છોડ્યો …કદાચ એવું કશું નહોતું જે મેં ના જોયું હોય …તો પણ આ વર્ષ વીતી ગયું ..થોડું હસતા થોડું રડતા ….
સૌથી સરસ ભેટ મને મળી કે હું લાગણીશીલતા થી થોડી દૂર થઇ અને સ્થિતપ્રજ્ઞ થઇ …અને સ્વીકારતા શીખી એ આ જ દુનિયા છે …ખુબ ભાંગી જતી ત્યારે મારા નજીકના મારો સાથ છોડી દેતા હોય એવી પણ ઘટના યાદ છે ….પણ જયારે મને કોઈક એવી પળો મળતી જે આનંદપ્રેરક હોય તેને મન ભરીને માણી લેતી હતી ..ખુબ !!! હવે ફરિયાદો ખુબ ઓછી થઇ ગયી છે ..પણ હા પહેલા જે અન્યાય સામે મૂંગી થઇ જતી એની સામે થોડી તર્કસંગત દલીલો પણ કરતી થઇ છું …અને એમાં પણ જે વખતે હું કદાચ એને ડીપ્રેશન કહી શકાય એવી દશામાં હતી એ જુલાઈ મહિના પછી મારા બ્લોગ પર સૌથી વધારે પોસ્ટ મૂકી છે …કદાચ મારા આ એકાંતે મારા મનમાં રહેલું ઘણું મોટું વિચારોનું આકાશ દુનિયાના ફલક પર ખોલી નાખ્યું …જે આ વગર કદાચ શક્ય બન્યું ન હોત ….લોકોને સમજતા શીખી …જલ્દી હાર ના માની લેવાય એ શીખી …જિંદગી સાથે હારવાની ખબર હોય તો પણ સંઘર્ષ કરતા શીખી જેને કારણે કોઈ કોઈ વાર હારેલી બાજી પણ જીતી શકી …
આ વર્ષને જ્યોતિષની ભાષામાં બહુ હસતા હસતા કહું છું કે મારી રાશી સિંહ છે …અને ૧૫/૧૧/૨૦૧૧ સુધી શનિદેવની સાડા સાતીનો છેલ્લો તબક્કો હતો અને આગાહી હતી કે એ ઘણો જ કષ્ટદાયક રહેશે …..અને કદાચ એ સાચું પણ ઠર્યું કહેવાય આ જોતા …..પણ કદાચ હું પણ શનિદેવને નડી હોઉં એ શક્યતા નકારી ના શકાય ….
અંતમાં એટલું જ કહીશ …કે જે સારા સમયમાં આપણે નથી સમજી શકતા એ ખરાબ સમય થોડા કષ્ટ સાથે સમજાવી શકે છે …એ આપણી અંદરની દર્દ અને દુખ સહન કરવાની શક્તિ સાથે આપણો પરિચય કરાવે છે …ગમે તેટલા ખરાબ સમયમાં પણ આપણે એ દિવસો જીવી જઈએ છીએ …અને દરેક રાત્રી આખરી રાત્રી નથી હોતી પણ એના પછી દિવસનું આગમન નક્કી જ છે …તમારો જે સમય ગુજરી ગયો છે એ તમને ખુબ ખુબ શીખવાડી ગયો છે ……એટલે સમય ખરાબ નથી હોતો એ સમયના જતા રહ્યા બાદ આપણને સમજાય છે ..ખરું ને ???

Advertisements

2 thoughts on “સમયના જતા રહ્યા બાદ …

  1. જીવનમાંથી દરેક સરતી જતી પળ કંઈક ને કંઈક શીખવાડી જાય છે. ઘણા સંબંધો ક્યારેક અચાનક જ જોડાઈ જાય તો ક્યારેક મજબુત લગતા સંબંધો પણ તૂટી જાય છે. અને એનું નામ જ જીંદગી છે.

    વ્યક્તિગત રીતે ક્યાંક વાંચેલી લાઈન યાદ રાખું છું — કોઈ પણ સમય હોય, સારો કે ખરાબ વીતી જશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s