સપના જોતા રહીએ …..કેમ ???


આ સપનાઓનો સમુદ્ર હશે ?? કે આ સપનાઓ આકાશને પેલે પર રહેતા હશે ??? સપનાઓ તારા જેવા હશે કે સમુદ્રના મોતી જેવા ??? સપના કેવા ઘરમાં રહેતા હશે ??? સપનાઓની મમ્મી પરી હશે ??? સપનાનો રથ સોનેરી હશે ?? એના પર શ્વેત વસ્ત્ર વાળી પરી બેસીને આવશે ??? ત્યાં આઈસક્રીમના પહાડો હશે ??? દૂધની નદીઓ હશે ????
હા ,આ કલ્પના છે જે આપણા બાળમાનસની કલ્પનાઓ જેને આપણે પરાણે આપણા મનમાં જીવતેજીવત દફનાવી દીધી છે …બે જાતના હોય છે એક દિવસે જોઈએ છે તે અને જે રાતે જોઈએ તે …એક સપના એવા જેને પુરા કરવા મચી પડીએ અને એક સપના એવા જે ફક્ત જોવા માટે હોય છે …રાતે જોઈએ એ કદાચ ભૂલી જવાય પણ દિવસે જોઈએ તે યાદ રાખીએ ..હકીકતોની સરહદ જ્યાં પૂરી થાય ત્યાંથી સપનાઓનો દેશ શરુ થાય ..જે વાસ્તવિક જગતમાં તમે ના કરી શકો તે સપનામાં કરવું શક્ય છે …અહીં તમે ફરી બાળક બની શકો અને ઘરડા પણ બની શકો …અહીં તમારી સાત પેઢી સાથેનો ફોટો મૂકી શકાય અને એકલા પણ રહી શકાય …અહીં પાસપોર્ટ વિઝાની ઝંઝટ પણ ક્યાં હોય ??? મનના માલિક આપણે ….અને હા સપના આપણને ક્યારેક ડરાવી ભલે જાય પણ એ આપણને ખુશ જ રાખે છે …એ ખુશીને આપણે સભાન હોઈએ ત્યાં સુધી લઇ જઈએ તો કદાચ થોડી તાણ ઓછી થઇ શકે ખરી …
આ સપના આપણી પાંપણો પર હિંચકા ખાધા કરે છે …તેઓ પડી જતા નથી અને પડી જાય તો પણ એ તરત પાછા લટકીને ઝૂલ્યા કરે છે …એ આપણી આંખો જેવા નાજુક હોય છે પણ એને પુરા કરવા હોય તો પોલાદ જેવા મજબુત ઈરાદાની જરૂર પડે છે …સપના જોવાની કોઈ ઉંમર નથી હોતી પણ હકીકતની દુનિયામાં જીવતા જીવતા એને આપણાથી દૂર જાણીજોઇને ધકેલી દઈએ છીએ ..સપના હકીકત સાથે તાલ ના મેળવી શકે તો પણ એને આપણી ભીતરમાં જીવવાનો અધિકાર છે જ …નવરાશની પળોમાં એ મોજીલા સપના આપણને પણ મોજ કરાવે છે ….એ આપણા સ્મિતનું કારણ બને છે …
ક્યારેક કોઈ ફિલ્મ જોતા હોય કે કોઈ નવી જગ્યા એ તમે જાવ ત્યારે કોઈક વાર એવું પણ લાગે કે અહીં આપણે આવી ગયા છીએ ભલે પહેલી વાર ગયા હોઈએ તો પણ …એનું કારણ આપણા અર્ધજાગ્રત મનમાં કેદ થયેલું કોઈ સપનું પણ હોઈ શકે ….
આ સપના પોતીકા પણ હોય તો ક્યારેક ઉછીના પણ લીધેલા હોય ..એ પોતાના માટે પણ હોય કે પોતાનાઓ માટે પણ હોઈ શકે …અને આ પોતાનાઓનું ફલક કેટલું વિશાળ હોય એ વ્યક્તિના પોતાના પર નિર્ભર કરે છે ….
એક વાર વિચાર્યું કે આપણે આપણા સંતાન માટે સપનું જોઈએ કે તે સચિન બને કે મોટો ડોક્ટર બને કે દીકરી લતા મંગેશકર બને કે શ્રેયા ઘોષાલ બને …પણ ક્યારેય કોઈ એવું નથી વિચારતું કે આપણા માં બાપ અમિતાભ બચ્ચન જયા બચ્ચન જેવા હોય કે ગાંધીજી કસ્તુરબા જેવા હોય …..મતલબ કે સપના હમેશા ભવિષ્ય માટે હોય છે ભૂતકાળ માટે નહીં …કેમકે ભૂતકાળ ક્યારેય બદલાતો નથી પણ ભવિષ્ય બનાવવું એ આપણા હાથમાં હોય છે .. અને એની રૂપરેખા આપણા સપનાઓ બ્લ્યુ પ્રિન્ટ તરીકે આંખમાં છોડી જાય છે ….
ચાલો તમે બધા તો મારા પોતાના કુટુંબીજનો છો તો હું તમારી સાથે મારું એક સપનું વહેંચી લઉં ???
બિલકુલ એકલી ખભા પર થેલો લઇ એમાં બે જોડ કપડા લઇ ..એક સાયકલ પર નાના નાના ગામે જઈને રહું .ત્યાની રહેણીકરણી,રોજિંદુ જીવન ,પ્રાકૃતિક વન્યસંપદા ..આ બધું એક કેમેરામાં કેદ કરું અને અનુભૂતિઓને એક ડાયરી માં આલેખતી જાઉં …આવી રીતે આખું ભારત ખુંદી વળું અને ખાસ તો પગપાળા હિમાલયની કંદરાઓ …જાણું છું આ સપનું અશક્ય નથી પણ જીવનની જવાબદારીઓ વહેતા વહેતા હકીકતમાં કદાચ હું આ નહીં કરી શકું ..પણ જયારે બસમાં બેસીને હું બારીમાંથી ચાલ્યું જતું જગત જોઉં છું ત્યારે એ બધું જાણે મારા સપનાનો એક ભાગ જ લાગે છે અને ટુકડા ટુકડા માં વહેંચાઇને એ સપનું મને મળવા આવી જાય એવું લાગતું જાય છે ….એ પળો નો રોમાંચ અને એની સાથે નો રોમાન્સ માત્ર હું જ અનુભવી શકું છું ….ખાલી સમયમાં વિચાર બારી માંથી ડોકાઈને મળવા આવતું આપણું આવું સપનું આપણા હકીકતના જીવનની વિષમતા ભૂલાવવાની તાકાત રાખે છે ….અંતરમન હર્યું ભર્યું રાખે છે ….
તો ચાલોને સપના જોતા રહીએ …..કેમ ???

Advertisements

4 thoughts on “સપના જોતા રહીએ …..કેમ ???

 1. ખબર નહિ કેમ પણ મને સપના ઓ બહુ ઓછા આવતા હોઈ છે અને આવે તો પણ થોડા વિચિત્ર અને આડા અવળા હોઈ છે … પરંતુ હું ચોક્કસ પણે કલ્પના ઓ કરતી રહું છું … એ પણ ભર જાગૃત અવસ્થા માં દિવસ દરમિયાન …. 😉 કેવું સરસ … કલ્પના ઓને કોઈ સીમા ઓ નથી હોતી 😉

  Like

 2. સંસાર સ્વપ્નતુલ્યો હી
  રાગદ્વેષાદિ સંકુલ:
  સ્વકાલે સત્યવત ભાતિ
  પ્રબોધે સતિ અસત ભવત – શંકરાચાર્ય

  જેવી રીતે સ્વપ્ન જોતા હોઈએ ત્યારે તે સંપુર્ણ સાચા લાગે છે. સ્વપ્ન સાથે એકાકાર થઈ ગયાં હોઈએ છીએ. જાગ્રત અવસ્થા અને જાગ્રતના સ્મરણો તથા સંબધો ત્યાં હોતા નથી.

  આપણાં શરીરમાં હિતા નામની એક સુક્ષ્મ નાડી હોય છે. ઉંઘમાં જીવની સ્થિતિ જ્યારે હિતા નાડીમાં પ્રવેશે ત્યારે સ્વપ્નો શરુ થાય. સ્વપ્નમાં શું બને તે નક્કી ન હોય. ચિત્તમાં સંગ્રહાયેલા અનેક સંસ્કારોના ટુકડા એક બીજા સાથે જોડાઈને સ્વપ્ન બને. આ જન્મમાં ન જોયા હોય કે જેની કલ્પનાએ ન કરી હોય તેવા તેવા દૃષ્યો ત્યાં. સર્જાઈ જાય.

  સ્વપ્નની સત્તા સુક્ષ્મ જગતની છે અને તેના અભીમાનીને હિરણ્યગર્ભ કહેવાય છે. કેટલાક લોકો જે ઈચ્છા જાગ્રતમાં પુરી નથી કરી શકતાં તે સ્વપ્ન દ્વારા પુરી થઈ જતી હોય છે.

  અનેક પ્રકારના સ્વપ્નોમાં પૂર્વ જન્મના સંસ્કારો પણ ભાગ ભજવતાં હોય છે.

  જેવા જાગીએ કે બધું અદૃશ્ય.

  સ્વપ્ન વખતે જાગ્રત કે કારણ અવસ્થા સાચી લાગતી નથી.

  તેવી રીતે જાગ્રત વખતે સ્વપ્ન કે કારણ અવસ્થા સાચી લાગતી નથી.

  તેવી રીતે જ્યારે ગાઢ નિંદ્રામાં હોઈએ કે જ્યાં સ્વપ્ન પણ ન હોય ત્યારે જીવની સ્થિતિ કારણ અવસ્થામાં હોય છે. કારણ જગતના અભીમાનીને ઈશ્વર કહેવામાં આવે છે.

  સુષુપ્તિ વખતે જાગ્રત કે સ્વપ્ન હોતા નથી.

  આ ત્રણેય અવસ્થાને જાણનારો સાક્ષી દરેક વખતે હાજર હોય છે.

  આ ઉપરાંત ધ્યાનની ઉચ્ચ અવસ્થાએ ચતુર્થ એટલે કે તુરિય અવસ્થા વખતે કેવળ ચૈતન્ય રહે છે અને કશું જ દ્વૈત રહેતું નથી.

  આમ જાગ્રત અને સંસાર પણ સ્વપ્ન સમાન જ છે. જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાં રાગ દ્વેષ હાજર હોય છે અને પરીણામે સુખ દુ:ખ પણ રહે છે.

  જીવની સ્થિતિ જ્યારે પરમાત્માને બદલે પ્રકૃતિમાં હોય ત્યારે આ બધું સાચું લાગે છે જ્યારે સારી રીતે બોધ પામેલ સાધકની બુદ્ધિ પરમાત્મામાં સ્થિત થઈ જાય છે ત્યારે સંસાર અસત એટલે કે મિથ્યા એટલે કે જેવો દેખાય છે તેવો નથી લાગતો અને સર્વ કાઈ અખંડ / અનંત અને અદ્વિતિય બ્રહ્મરુપે અનુભવાય છે.

  જેવી રીતે અગ્નિ અને તેની દાહક શક્તિ બંનેને અલગ ન પાડી શકાય તેવી રીતે પરમાત્માં અને તેની અનિર્વચનિય શક્તિ પ્રકૃતિને જુદા ન પાડી શકાય. શક્તિને પ્રકૃતિ અથવા તો માયા કહે છે અને શક્તિમાનને પરમાત્મા કહે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s