આજે બારીને પ્રેમપત્ર લખીએ ……


પ્રિય બારી ,
હું મારા ઘરને પ્રેમ કરું છું ..પણ હું માણસ છું એટલે મારી પ્રેમ કરવાની સીમા માણસો સુધી સીમિત રહે છે …પણ દીવાલોની વચ્ચે આકાશને જગ્યા આપતી તું …તને હું અવગણું છું …તું મારા માટે સ્થાન છે પરદા રાખવાનું ..એટલે મારી અને આકાશ વચ્ચે સલામત અંતર જળવાઈ રહે …આમ પણ મારા મનની ક્ષમતા અનંત આકાશ જેટલી નથી અને નજર પણ ખાલી મેદાન હોય તો ક્ષિતિજ સુધી જ પહોંચે ….જીવનની ભાગદોડમાં મારી કલ્પનાની પાંખો ઉગે તે પહેલા કાપી લેવાઈ છે …આમ પણ વિમાન તો બન્યું છે ઉડવા પછી હું શા માટે તકલીફ કરું હેં ભાઈ !!!
આમતો જેમ પતિ પત્ની હોય તેમ તારી અને બારણાંની જોડી …તું તેનાથી નાની જ રહેવાની …બારણાં અને તારા વચ્ચે એક ફરક ખરો કે બારણું અંદર બહાર બેઉ બાજુ થી બંધ કરી શકાય …હું ઘરમાં તો અંદર થી અને બહાર જાઉં તો બહારથી તાળું …પણ તું તો કાયમ અંદરથી જ બંધ થાય ….બારણાં મજબુત જોઈએ અને એની આગળ જાળી ઇચ્છનીય …પણ તું તો કાચની પણ હોય તો ચાલે …હા વચ્ચે લોખંડની મજબુત ગ્રીલ હોય ખરી …લાકડા અને કાચના કોમ્બીનેશનમાં પણ તું મળે અને એકલી લાકડા કે કાચની પણ ….હવે તો એલ્યુમિનિઅમની ફ્રેમમાં અને બહાર પણ ખુલતી નથી ..તારા બાહુપાશની જેમ ખુલતા બે કમાડની જગ્યા એ ચેનલ વાળી બારી આવી ગયી છે અને એમાં વન વે ટ્રાફિક જેવી …આમ તો મને પરદેશમાં જે ઘરો હોય એમાંથી સામે પ્રકૃતિ દેખાય એવી બારી ગમે પણ માંડ માંડ પોતાનું ઘર બની શકતું હોય ત્યાં તો તું માત્ર કલ્પના જ હોઈ શકે ને !!!! અને હા મહાનગરની ઝુંપડપટ્ટી માં તો તને બારણાં સાથે એકાકાર કરી દેવાય ….અને હોય તોય તને કમાડ ના વૈભવથી વંચિત રાખી હોય અને કોઈ ફાટેલી ગુણ કે એવા કોઈ કાપડથી સંતાડાઈ હોય !!!
લોકો કહે છે કે આકાશ તો ઉપર હોય ..આકાશ એટલે ખાલી જગ્યા જે અનંત સુધી ઉપર જાય અને જ્યાં હવા કે શૂન્યાવકાશ વસી શકે …..પણ બારી !! તેં મને સમજાવ્યું કે જમીનથી અધ્ધર જ તરત જ આકાશ શરુ થાય છે …ખાલી રહેતી તમામ જગ્યા આકાશ જ છે ..અરે બંદ મુઠ્ઠીમાં પણ આકાશ છે ….તું બંધ બારણાં છતાય બહારની દુનિયા સાથેનો મારો સંપર્ક છે . તારામાં થઇ બહારના અવાજો એ સંદેશ આપે છે કે હા હું મારી દુનિયામાં જીવંત છું …તારામાંથી દેખાતું આકાશ મને પંખી સાથે જોડે છે …
તું પ્રેમીઓ માટે છુપા પ્રેમ વખતનું પ્રવેશદ્વાર છે ..તારામાંથી સુગંધ દુર્ગંધ ,પવન ,પંખી અને ક્યારેક કુતરા પણ આવાગમન કરી શકે ….ગેસ પર પડેલું દૂધ પીવા માટે બિલ્લીમાસી બારણેથી આવતા શરમાય …પોળ કે સોસાયટીની તમામ બારીઓની ભૂગોળ અને આંકડાશાસ્ત્ર એમને મોઢે રાખવા પડે ..અને હા પેલી ગરોળીઓ માખી પકડવા તમારો ઉપયોગ કરે …ચકલીઓની માળો બનાવવા તાળું ખોલતા ના આવડે એટલે બારી ખુલવાની પ્રતીક્ષા એમને રહે …કબુતર પોતાના માળો શમિતાના માળીયે બાંધે તો તું બહુ કામ આવે …અને આ અવરજવરથી કંટાળી તને બંધ કરી દેવાય ….પેલી કડકડતી ઠંડીને દેશવટો આપવા માટે તને બંધ કરી દેવાય અને તડકામાં સળગતી ગરમી માટે પણ તારા દરવાજા સાથે વાત કરવાનું નસીબ લખી આપ્યું છે …પણ પેલો અળવીતરો વરસાદ ક્યારેક ત્રાંસી ચાલે ઘુસી જાય છે તારા માંથી …અને હું મનુષ્ય પોતાની જાતને કૂપમંડૂકની જેમ તમામ દુનિયાથી સંપર્ક કાપીને પોતાની જાતને વગર ગુનાની કેદ આપી દુ છું …અને હા સામેના ઘરમાં રહેતી પ્રેરણા સાથે નયન અને ઈશારાની ભાષામાં વાર્તાલાપ કરવા માટે તું જ ખપમાં આવે છે …પથ્થરમાં વીંટીને કાગળમાં લખેલા સંદેશ તારા મારફતે મળતા એ દિવસો તો મધુર સ્મૃતિમાં જતા રહ્યા …મુઆ આ મોબાઈલ અને એસ એમ એસ …દિવાળી વખતે ઘુસી જતી અટકચાળી હવાઈ અને રોકેટને તું મને પરેશાન કરવા આમંત્રણ આપતી ક્યારેક …પણ મને પુસ્તક સાથે પ્રેમ કરતી વખતે તારી પાસે ખુરશી મૂકી બેસવું વધારે ગમે …ચાલી ના શકે કે બીમાર માણસ માટે તું એક માત્ર દુનિયા સાથેનું સંપર્ક સ્થાન …અરે હવે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગના યુગ માં એક દોરી થી થેલી કે ડોલચું બાંધીને નીચે ઉતારી દૂધ કે શાક કે નીચે પડેલી વસ્તુ લાવવાનું સ્થાન ..અને હા કપડા સૂકવવા પણ બાલ્કનીમાં તને બનાવી દેવાય છે …અને હા પડોસીની જાસુસી પણ બારી તારા થકી થઇ શકે જો કરતા આવડે તો ….સડક પર થતો તમાશો જોવા તારો ઉપયોગ યાદ છે …
પણ મારા માટે તો તું વરસાદમાં આવતી વાછટને હથેળી માં ઝીલી એ બુંદોથી હથેળીમાં લખાતી ગઝલ માટેનો કાગળ ….તારા થકી તો ઊંઘ અને સપનાને મારું ઠેકાણું મળે છે ….તું મારા ઘરમાં મારું પ્રિય સ્થાન છે …એટલે આટલા વર્ષે પહેલી વાર કહી દઉં છું ..આઈ લવ યુ બારી …….
એ જ તારા વગર જેનું જીવન શક્ય નથી …

તારો કે તારી જ …….
તા . ક. :સાચું કહું તો તમારા મનને પણ એક બારી છે …એને ખોલવાની કોશિશ કરજો …તાઝગી ભર્યા વિચારો એના ખુલવાની રાહ જુવે છે …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s