આપણી જિંદગીના આ પતંગિયા…


એક અજાણ્યું સ્ટેશન છે એક અજાણ્યા શહેરનું ..હું અહીં ઉતરી ગયી છું …પહેલા કોઈ વાર નથી આવી , અહીં કોઈ મારું ઓળખીતું નથી ,સાંકડી ગલીઓ વચ્ચે પાક્કી સડકો છે ……ત્યાં અચાનક જ એક બે જાણીતા ચેહરા દેખાય છે ..હું એની પાછળ પાછળ દોડું છું …બુમ પાડવી છે પણ અવાજ નીકળતો નથી ..હું ઝડપભેર પીછો કરી રહી છું ….બસ ભીડ પાછળ દોડ્યા કરું છું …અને જાગી જાઉં છું ….હા આ સપનું બહુ રીપીટ વેલ્યુ ધરાવે છે …વારે વારે આવે છે પણ શહેર બદલાયા કરે છે ..પણ તમામ અજાણ્યા જ છે …આ ફક્ત મારી વાત નથી ..દરેક વ્યક્તિ સપના જુએ છે ..અરે નેત્રહીન વ્યક્તિ પણ સપના જોવાનું સામર્થ્ય ધરાવે છે …અને આ સપના પેલા નથી કે મારે સાયના નેહવાલ કે સુનીતા વિલિયમ્સ બનવું છે …આ વાત છે શુદ્ધ સપના ની …
મારે ત્યાં એના આવવાનો સમય છે રાત્રે લગભગ દસ થી સવારે પાંચ સુધીમાં ગમે ત્યારે ….એ પોતાના ફિંગર પ્રિન્ટને બહુ સફાઈ થી લુછી નાખે છે માનસપટ પરથી એટલે યાદ નથી રહેતા જનરલી ..પણ ક્યારેક જરા વધુ વાર રોકાય ત્યારે લુછવાનું ભૂલી જાય ત્યારે યાદ રહી જાય …એની પહેલી શરત છે આંખો બંધ હોવી જોઈએ …તમે ટૂંટિયું વાળીને કે સીધા સુઓ કે પછી ડાબે કે જમણે પડખે સુવો એને એની સાથે કોઈ નિસ્બત નથી …એને ધાબળામાં હુંફ નથી મળતી કે ચાદર ઓઢવી પસંદ નથી ..એ માયનસ 30 ડીગ્રી તાપમાને પણ બરફમાં મલમલના કુર્તામાં ફરી શકે છે …અને બળબળતા રણમાં ઉઘાડા પગે ચાલી શકે છે …
આ વિનામૂલ્ય મળે છે અને એના રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જિસ નથી કે કોઈ વેબ્સાઈટ પણ ઉપલબ્ધ નથી …એની ગંગોત્રી પણ નથી ..વૈજ્ઞાનિકો હજી સમજ્યા નથી કે એનો કંટ્રોલરૂમ મનમાં છે કે મગજમાં …પણ એનું ડિસ્પ્લે તો આંખોમાં જ હોય છે હો !!!!!
ત્યાં કોઈ રંગ ,ગંધ , જ્ઞાતિ ,જાત ,ધર્મ ,ભગવાન ,દેશ ,આકાર ,સરહદ ,કોઈ પાબંદી નથી …તમારી કલ્પનાના રંગો અને આકારો પણ નહીં ..એ જે દેખાય એ જોયા કરવાનું ..જ્યાં સુધી તમે આંખો ખોલો નહીં ત્યાં સુધી …ત્યાં તમે હોરર ફિલ્મ કરતા પણ વધુ ડરી શકો ..અને બઝી જમ્પિંગ ,સ્કાય ડાઈવીંગ પણ કરી શકો …(કોઈ વાર નથી લાગતું કે તમે આકાશમાંથી ફેંકી દેવાયા છો પણ જમીન  પર નથી પડતા) …સ્વીટઝરલેન્ડ માં શાહરૂખખાન ની હિરોઈન તરીકે ગઈ શકો છો , તમે ઐશ્વર્યા રાય સાથે ડીનર એફિલ ટાવર પર રેસ્ટોરાંમાં લઇ શકો છો …એમાં જોયેલા પહાડ કે દેશનું નકશા પર અસ્તિત્વ હોય કે ના હોય પણ સરહદ તોડીને ઘુસણખોરી અંતે તમને કોઈ પકડીને કેદની સજા કરી શકતું નથી …
ક્યારેક એવું લાગે કે સપનામાં જોયેલી જગ્યા તમે વાસ્તવિક જગતમાં જુવો છો …સપના એ એક ફિલ્મ છે જે તમારી આંખોની સિલ્વર સ્ક્રીન પર રોજ રાતે આપણી પથારીના મલ્ટી પ્લેક્ષમાં રીલીઝ થાય છે …રોજ નવી જ હોય છે …દરેક વ્યક્તિની પોતાની આગવી ફિલ્મ હોય ..એકબીજાની ફિલ્મ કોઈ ના જોઈ શકે …..વર્ષોથી સાથે સુતેલા પતિ પત્ની પણ નહીં …….ગમતી હોય કે ના ગમતી હોય પણ જોવી પડે …એક પથારીમાં સુતેલા સાત વ્યક્તિઓની ફિલ્લમ જુદી જુદી હોય …એમ કોઈ મલ્ટી પ્લેક્ષમાં રીપેરીંગ ચાલતું હોય તો ત્યાં ઉજાગરો ચોકીદાર હોય એટલે બીકણ જેવું સપનું ત્યાં ના પણ જાય ….
આપણે ઊંઘમાં બોર ના થઇ જઈએ એટલે જામફળ જેવી આ ફ્રી ફ્રી ની સ્કીમ આપણે થોડા મોટા થઈએ ત્યારથી ચાલી આવે છે ……..કોઈ વાર ઉઠીને ભગવાનને એક વાર થેંક્યું કહી દેજો કે સપનામાં જોયેલી ભયાનક સ્થિતિ આપના જીવન માં નથી ..અને સુંદર સપના આપણને સપનામાં ખુબસુરત ભેટ આપીને રહે છે ..આપના ચેહરા પર એક સ્માઈલ આપીને ..લગ્નની રજત જયંતીના વર્ષે પણ કુંવારા હોવાની છૂટ છે સપનામાં …અને કોઈ કાચાકુંવારા પોતાના ભવ્ય લગ્નનો જલસો પણ જોઈ sશકે …હાસ્તો વળી ..!!!!!આપણા જુના નવા દોસ્તો ,સગા વહાલા જીવંત હોય કે મૃત એ આપણી મિલન મુલાકાતો ગોઠવી આપે છે ..ઓફ કોર્સ આકસ્મિક જ સ્તો …એ પોતાની રીતે આવે આપણે એમ થોડી આવે …???!!!
હવે કહો જોઈએ આપણી જિંદગીના આ પતંગિયા વિના એ કેવી શ્વેત શ્યામ હોય નહીં ????

Leave a comment