પૂર્ણવિરામ.


મેઘના ,
જાણું છું આટલા સમયના સામીપ્ય પછી સંબંધો પર પૂર્ણવિરામ મુકવું તારા માટે આસાન તો નહીં જ બને અને કદાચ દ્વિધામાં સમય વહેતો રહેશે ….આ પૂર્ણવિરામ સુધીના સફરમાં ક્યાંક અલ્પવિરામ આવ્યા હશે , ક્યાંક અર્ધવિરામ ,ક્યાંક જવાબની અપેક્ષા વગરના પ્રશ્નાર્થ ચિન્હો …..અને આના સાક્ષી જેવા મને તો આશ્ચર્ય ચિન્હો સદાય મારો પડછાયો બની ચાલતા લાગ્યા અને ક્યાંક અમસ્તા ટપકાંઓની હારમાળા જે વાક્યો અધૂરા છોડી જતી રહેતી ….ત્યારે જ આભાસ થઇ ચુક્યો હતો કે ક્યાંક બહુ જલ્દી ક્યાંક આપણા સંબંધોનું પૂર્ણવિરામ નજીકમાં હશે જ્યાંથી ખારાશી સમુદ્રની સીમાઓ શરુ થઇ જશે …….
ચલ તારા માટે હવે આ કામ સાવ આસાન બની જશે …આશ્ચર્ય ચિન્હોની વાડ ઠેકીને પૂર્ણવિરામ હું જ મૂકીને જાઉં છું તેથી તું જયારે પણ યાદ નામના આ શહેરમાં નીકળે ત્યારે મને ગુનેગાર ઠેરવી શકે ,મારા પર મુકદ્દમો ચલાવી શકે ….આરોપીના કઠેડામાં ઉભો રાખી ન્યાયાધીશ બની તારા કલેજે ઠંડક પહોંચે એવી સજા ફટકારી શકે ….
પણ એક સત્ય મને ખબર છે કે આપણા સંબંધોનું સાચું વિશ્લેષણ તો પૂર્ણવિરામ પછી જ શરુ થશે તારા દ્વારા …વાર્ષિક હિસાબોનું ઓડીટ થશે ..નફા ખોટના લેખાજોખા પણ …આ પૂર્ણવિરામ સુધી પહોંચતા તને મારી બધી નબળાઈ ,ગુના ,યાદ આવતા હતા અને દિલ દુખતું હતું …પણ હવે મારી નબળાઈની જગ્યા એ તને મારું કૈક યાદ આવશે જે તારી નફરતના પોતમાં ઝીણા છિદ્રો પાડી દેશે અને આખરે એ નફરતનો પાલવ જીર્ણ વિશીર્ણ થતો જશે …પછી તું એ સરહદે આવીશ જ્યાં પૂર્ણવિરામ બેઠેલું મળશે એકલું અટુલું ….અને એની પેલે પાર ઘેર ધુમ્મસમાં એક કાળો ગ્રે ઓળો દૂર દૂર ચાલ્યો જતો હશે …….એની પાછળ દોડવાનો વ્યર્થ પ્રયત્ન ના કરીશ …કેમ કે અત્યાર સુધી તો હું તારા દિમાગમાં હતો અને તેમાં દિલની દખલ નહોતી પણ હવે હું મારી તમામ સારપ સાથે તારા દિલમાં નિરંતર હસતો દેખાઈશ ….અને એવા મને તું ક્યારેય દિલથી અળગો નહીં જ કરે ……
ક્યાંક જો તારા જીવનમાં એક નવો સંબંધતંતુ સંધાશે તો પણ દિલના તહેખાનામાં ધરબાયેલા મારા માટે તો તું યાદોની પેલી નાનકડી બારી ખુલ્લી જ રાખીશ ….પૂર્ણિમાની રાત્રે એ બારીમાંથી આપણે બેઉ સાથે જ જોતા હોવાનો તને એહસાસ થતો રહેશે …કારતક વદ ચૌદસની સવારે નીકળતા પેલા ચંદ્રના ઝૂલા પર બેસી ક્ષણિક સાથની અનંત યાદોને વાગોળી લેશે તું એકલતામાં …….ક્યારેક ક્યારેક …
ખોલીને તારી આંખોને શોધીશ નહીં મને હવે ક્યારેય પણ ક્યાંય પણ ….ક્યાંય પણ ….
કેમકે પૂર્ણવિરામની જગ્યાની બરાબર નીચે હું પણ દફન છું ……..
પહેલા કહેતો હતો તારો જ …
પણ હવે ….
લિ . હું …….
મેઘના ને આ આખરી કાગળ પંદર દિવસ પછી મળ્યો પણ એ પહેલા સ્મરણના મોતનો સંદેશ તેને મળી ગયેલો બે મિનીટ પહેલા ….દ્વૈત પાસેથી ..

Leave a comment