દાદા નો ડંગોરો …


કાલે મારા લખાણના છુટા કાગળો માંથી બે વર્ષ પહેલા લખેલી આ મારી વાર્તા મને મળી …તો ચાલો તમે પણ વાંચો ..
==================================================
આશ્રય …આ એક વૃદ્ધાશ્રમ છે ..વડોદરાની લગભગ બહાર કહી શકાય તો ય શહેર ની હદમાં ..શાંત અને સુરમ્ય વિસ્તાર સમા કહેવાય એમાં …આજે શાકની થેલીમાંથી ત્રણ ચંપક અને ચાર ચાંદામામા બાળ સામયિક નીકળ્યા રસિકભાઈની ..રસોડામાં કામ કરતા જશોદા બેન હસી પડ્યા ..બાર વાગ્યે જમવાનો ઘંટ વાગ્યો ..બધા રસોડાની બહારની પરસાળ માં ભેગા થયા ..બધા એટલે કે આ વૃદ્ધાશ્રમના બાવન સભ્યો .બધા જમી રહ્યા ત્યારે જશોદા બેન બોલ્યા : આજે સાંજે આપણને બધાને રસિકભાઈ વાર્તાઓ કહેશે ચંપક માંથી ..એમ કહી પાછળ સંતાડેલા સામયિક બધા સભ્યોને બતાવ્યા ..રસિક ભાઈ ઓજપાયી ગયા અને બધા હસી પડ્યા …રૂમમાં ગયા એટલે વાસુદેવ ભાઈ બોલ્યા : તારામાં આવેલો બદલાવ તો હું ત્રણ ચાર અઠવાડિયાથી જોઉં છું …તું ખુબ ખુશ રહેવા માંડ્યો છે … રહસ્ય તો કહે !!! રસિક ભાઈ એમને પહેલે માળે આવેલી ઓસરીના હીંચકા પર બેસવા લઇ ગયા …અને આઠેક મહિના થી આવેલા અને ગુમસુમ બેસી રહેતા રસિક ભાઈ ને પહેલી વાર વાસુદેવ ભાઈએ આટલો બધો વખત બોલતા સાંભળ્યા …
દૂર આકાશમાં ઉગેલા બીજ ના ચંદ્રને જોતા રસિક ભાઈ બોલ્યા : બે મહિના પહેલાની વાત છે ..મારી લગ્નતિથિ હતી ..હું રમા મારી સ્વર્ગવાસી પત્નીને યાદ કરી રહ્યો હતો ..બાજુના નિસર્ગ ઉદ્યાનમાં બેસીને …અમારી પહેલી લગ્નની વર્ષગાંઠ હતી અને હું ઓફિસે થી મોડો આવેલો ..રમા રિસાઈ ગયેલી તો મનાવતા પાંચ દિવસ ગયેલા …પછી મારા નંદનનો જન્મ ..એક જ દીકરો …એને કેવી રીતે મોટો કર્યો ..એવું બધું જ ..અને રમાનું મને છોડીને જતા રહેવું …હું ક્યારે રીતસર રડવા માંડ્યો ખબર જ ના રહી …એ વખતે સામે રમતા નાના છોકરાઓ માંથી રાહુલ સાત વર્ષનો છોકરો બોલ મારા બાંકડા નીચે આવેલો એને લેવા આવેલો …એણે મને રડતા જોયો …એણે બોલ મિત્રો તરફ ફેંક્યો અને મારી પાસે આવ્યો બોલ્યો : દાદા રડો છો કેમ ?? તમને શું થાય છે …??? એને પોતાના ગજવામાંથી રૂમાલ કાઢી મારા આંસુ લૂછ્યા …બોલ્યો :જુઓ દાદા તમારા કોઈ ફ્રેન્ડ નથી ??? તમારે એની સાથે વાતો કરવાની એટલે રડવું નાં આવે …જો કોઈ ના હોય તો હું તમારો ફ્રેન્ડ …મિલાવો હાથ !!! અને અમે ફ્રેન્ડ બની ગયા …બાગ ની પેલી બાજુ આવેલા ગુલમહોર એપાર્ટમેન્ટ માં રહે છે ..પછી તો રોજ મારી પાસે બેસવા લાગ્યો પાંચેક મિનીટ તો ખરો જ …એક દિવસ એના કોઈ ફ્રેન્ડ આવ્યા નહોતા એટલે એ મારી પાસે આવ્યો ..તે થોડો નિરાશ હતો એટલે મેં એને વાર્તા કહી ..પછી શું ??એના ફ્રેન્ડસ ને પણ ખબર પડી એટલે એમણે બધાએ મને મંગળ અને શનિવારે વાર્તા કહેવાનું વચન લઇ લીધું ..એટલે આ બધું લાવ્યો ….
પછી તો એ છોકરાઓ સાથે વાસુભાઇ પણ જઈને ક્રિકેટ રમતા …રાહુલ એના માતા પિતાને આ બધી વાતો કરતો ..એક દિવસ એના મમ્મી શ્વેતા સાથે મુલાકાત પણ થઇ ….શ્વેતા અને ચિન્મયનો એક દીકરો રાહુલ …ચિન્મય અહીં ડોક્ટર છે અને શ્વેતા ગૃહિણી ….રાહુલ અને શ્વેતા આગ્રહ કરીને રસિક ભાઈને એમને ઘેર લઇ ગયા …રસિક ભાઈ એ આશ્રમમાં ફોન કરી દીધો …એ દિવસે રસિકભાઈને ગમતી તમામ વાનગીઓ શ્વેતાએ બનાવી પીરસી ત્યારે તેમને આશ્ચર્ય થયું !!!! પણ એ બધી કમાલ તો રાહુલની હતી …શ્વેતાના માં બાપ નહોતા એટલે મામા મામી પાસે ઉછરેલી ..અને ચિન્મયની મમ્મી એને પાંચ વર્ષનો મુકીને મૃત્યુ પામેલી …મેડીકલ કોલેજમાં હતો ત્યારે પપ્પાએ પણ સાથ છોડી દીધેલો ..એટલે શ્વેતા એની સાથે જ ભણતી પણ એમણે નક્કી કર્યું કે બાળક આવશે એટલે શ્વેતા ગૃહસ્થી સંભાળશે …શ્વેતા કલીનીક પર સાંજે મદદ કરવા જતી જયારે રાહુલ બાગમાં રમવા આવતો ત્યારે …
પુરણપોળી ખાતા ખાતા રસિક ભાઈને પોતાના દીકરા નંદનની વહુ રક્ષા એમને વાસી રોટલી ભાત ,શાક અને ખાટી છાશનો વાટકો પટકીને આપી જતી એ યાદ આવી ગયું …રમાબેન હતા ત્યાં સુધી તો બધું સચવાઈ ગયેલું પણ પછી તો આ ડોસો સૌને ભારે પાડવા માંડ્યો ..આધુનિકતાના રંગે રંગાયેલા દીકરાના કુટુંબને હવે રસિક ભાઈ ની સમજ ભરી વાતો તેમના જીવનમાં દાખલ લાગવા માંડેલી … એક દિવસ રક્ષાએ ખુબ ઝગડો કર્યો …
બીજા દિવસ થી રસિકભાઈએ ધીરે ધીરે બહાર જવા માંડ્યું અને બે મહિનામાં તો પોતાની તમામ મિલકત વેચીને બેંકમાં થાપણ જમા કરાવી દીધી ..એ દરમ્યાન એમને આ વૃદ્ધાશ્રમની માહિતી મળી એટલે અહીં દાખલ થઇ ગયા …થાપણના વ્યાજ માંથી અહીં આરામ થી રહેવાતું અને બચત પણ થતી ..અને માનસિક શાંતિ …
નંદન અને રક્ષા ખુબ ઝગડ્યા અને જુદી જુદી રીતે બ્લેકમેલ પણ કરવા માંડ્યા પણ રસિકભાઈ આ આધુનિક શ્રવણ થી ભરમાયા નહિ …
આજે આ તમામ વાતો યાદ આવતા એમનું દિલ ભરાઈ આવ્યું પણ આંસુ લુછી નાખ્યા …હવે તો બધા બાળકો આશ્રય માં આવી સાંજે ક્રિકેટ રમતા ..મંગલા બેન અને સુધાબેન બધી છોકરીઓને ભરતા ગૂંથતા પણ શીખવતા ..આમ આશ્રમ મઘમઘી રહ્યો …
=====================================================================
ફ્લેટ નંબર :407માં ગોપાલ ભાઈ એ એક પાર્ટી આપી …એમના નિસંતાન દીકરા સુકેતુ અને એની પત્ની યશોદાએ એક બાળકી દત્તક લીધેલી એની ખુશી માં ..એનું નામ પડ્યું રાધા …
રાત્રે જમીને પાછા આવ્યા ત્યારે રાહુલે પૂછ્યું: પપ્પા હું ક્યાંથી આવેલો ?
ચિન્મયે કહ્યું : ભગવાનને ઘેર થી …અમને ગમતું નહોતું એકલા એટલે અમે ભગવાનને કહેલું કે અમારી સાથે રમવા તને મોકલે ..એટલે ભગવાને અમને એક વાર ફોન કરીને કહ્યું કે આ દિવસે તમે આ હોસ્પિટલમાં જશો તો તમને રાહુલ મળશે ..અને અમે તને લાવ્યા …
રાહુલે હવે ધારદાર સવાલ પૂછ્યો : તો પછી સુકેતુ અંકલ રાધા ને અનાથાશ્રમમાંથી કેમ લાવ્યા ???
શ્વેતા અને ચિન્મય ચોંકી ગયા ..
આ વખતે શ્વેતાએ સમજાવ્યું :જે બાળકો ને લેવા એમના મમ્મી પપ્પા લેટ પડે કે ભૂલી જાય કે મમ્મી પપ્પા ભગવાનને ઘેર જતા રહે એ બાળકોને પછી અનાથાશ્રમમાં મુકાય …જેનું આ દુનિયામાં કોઈ ના હોય એને આવા આશ્રમમાં રહેવું પડે બેટા …
રાહુલ સુઈ ગયો …
=====================================================================
રાહુલને બે દિવસથી તાવ ઉતરતો નહોતો ..બધા ટેસ્ટ કરાવ્યા પણ પકડાતું નહોતું ….એને દાખલ કર્યો ..બે દિવસ રાહુલ ના આવ્યો એટલે રસિકભાઈ એના પડોસી પાસેથી વિગત જાણી હોસ્પિટલ ગયા …બેભાન રાહુલના માથા પાસે બેસી અર્ધા કલાક હાથ ફેરવતા બેસી રહ્યા …અને ચમત્કાર થયો …રાહુલ નો તાવ ધીરે ધીરે શમી ગયો ..બીજી સવારે તો એ ઘેર આવી ગયો …
=====================================================================
એક દિવસ સાંજે રસિકભાઈ ને રાહુલે પૂછ્યું તમને મારૂ ઘર મારા મમ્મી પપ્પા ગમે છે ???
રસિકભાઈ ને સવાલ વિચિત્ર લાગ્યો પણ એમણે હા તો કહી જ દીધી ….રાહુલ ઘેર ગયો …
બીજે દિવસે રવિવાર હતો …મમ્મી પપ્પા સવારે મોડે સુધી સુતા હતા ..પણ રાહુલ વહેલો ઉઠી જાતે નાહીને બ્રશ કરીને તૈયાર થઈને બેસી ગયો ..શ્વેતા અને ચિન્મય ને આશ્ચર્ય થયું ..રાહુલે એમને તૈયાર થવા કહ્યું ..ક્યારેક એ આવું કરતો પછી એ કુટુંબ કોઈ દૂરના સ્થળે લોંગ ડ્રાઈવ અને પીકનીક કરતુ ..એટલે બેઉ તૈયાર થયા …ચીન્મયે કાર ની ચાવી લીધી તો રાહુલે ના પાડી ..મમ્મી પપ્પાની આંગળી પકડી એ સીધો આશ્રયના કાર્યાલય માં નવીન ભાઈ ( સંચાલક )ને મળવા ગયો …બધા તેને ઓળખતા ..નવીન ભાઈએ કહ્યું આજે રવિવાર છે એટલે કોઈને મળવાનું નહિ …અને હસી પડ્યા …પણ આ તો રાહુલ …
બોલ્યો : નવીન કાકા ચાલો તમારું ફોર્મ આપો ..આ મમ્મી પપ્પાને હું જોડે સહી કરવા લાવ્યો છું …અમારે અહીંથી એક દાદા દત્તક લેવા છે ..રસિક દાદા મને ગમે છે …બધાને ખુબ નવાઈ લાગી !!! અરે !!!
પણ રાહુલે ફોડ પાડ્યો :પપ્પા પેલી રાધાને સુકેતુ અંકલ એનું દુનિયા માં કોઈ નહોતું એટલે દત્તક લાવેલા ને ..આ રસીક્દાદાનું પણ કોઈ નથી ..એ મારા રૂમ માં જ રહેશે ….રસિક ભાઈ પણ આવી પહોચેલા ..કોઈ શું બોલે ??? માં બાપ વગર મોટી થયેલી શ્વેતા અને ચિન્મયને કાયમ વડીલની ખોટ તો સાલતી પણ એ થોડા મળે ???બેઉ એક બીજાની સામું જોઈ રહ્યા અને બીજી મીનીટે બેઉ રસિકભાઈ ને પગે લાગ્યા …અને બોલ્યા : અમારા જીવનમાં એક વડીલની છત્રછાયાની હમેશા કમી રહી છે ..એ હવે તમારે પૂરી કરવી પડશે …
===================================================================
હજી પણ બધા બાળકો અને વડીલો સાંજે ત્યાં જ ભેગા થઈને રમે છે અને રાત પડતા દાદા ને દીકરો ઘેર પાછા ફરે છે …

2 thoughts on “દાદા નો ડંગોરો …

Leave a comment