ભીતરથી ખાલી માણસ …


હું નિરાલી મહેતા …
ભરેલા બજારો માં ભટકતી ભીતરથી ખાલી માણસ …
બસ હજી એક અઠવાડિયા પહેલા આવેલું દિવાળીનું તોફાન હજી હમણાં જ શમ્યું અને નીલોફર કચ્છમાં દરવાજા પર નોક નોક કરી રહ્યું છે .એક માનવ સર્જિત છે અને બીજું કુદરતની લીલા .માનવ સર્જિત નો રીમોટ કંટ્રોલ કોઈકના તો હાથમાં હોય જ છે પણ કુદરતનો ???
એક વસ્તુ સમજાઈ આ દિવાળી પર કે બધું જ આપણા મન પર અવલંબન રાખતું હોય છે ..મનનો ઉત્સાહ બધું આસપાસ ઉત્સાહના ચશ્માં થી જ દેખાડે છે જયારે આસપાસ ખરેખર બધું જ સારું હોય પણ મનની દશામાં રાહુ અને કેતુ શની સાથે બેસીને ચોપાટ રમતા હોય તો બધું જ નિરર્થક લાગે છે ..
આ દિવાળી બીજી દિવાળી જેવી જ હશે પણ તેમાં હું ઓળઘોળ ના થઇ શકી .માત્ર બે દીવા અને નામ માત્રના ત્રણ ચાર ફરસાણ થી બધું ચાલી જશે એમ લાગ્યું .દરેક ફ્લેટ પર લટકતા તાળા કહેતા હતા કે ખુશીને બેવડાવવા કોઈક શોધમાં ઉપડી ગયા છે બધા .પણ અહીં નો સન્નાટો પણ ગમ્યો .ઘણું બધું બદલાઈ ગયું હતું .મનની એકલતાએ છેલ્લા દસ વર્ષનું મુક ઓડીટ માંડ્યું .
પહેલા લગભગ લાભ પાંચમ સુધી પંદર ઘરે અચૂક જતા .અને એટલા જ લોકો આવતા પણ .જમવાના અને નાસ્તા વાળા મહેમાનો અલગ .પાંચ દિવસ બધા ઘેર હોય એટલે ઘણું બધું થાય ફિલ્મો ,બહાર જમવાનું ….પણ ધીરે ધીરે બેઉ લીસ્ટ ટૂંકાવા માંડ્યા .પહેલા ફોન ની રીંગ પણ ઘણી વાગતી હવે સાવ શાંત હતી .હવે મોબાઈલ નંબર હોવા છતાં લોકો લેન્ડ લાઈન પર અમારા ઘેર હોવાનું પ્રમાણિત કરીને પોતાના આવવાની ખબર આપી દેતા .બહાર ફરવા પણ ક્યાં જઈએ ??રસ્તા સુમસામ અને બંધ દુકાનો .થોડા દિવસ પહેલાની ભીડ એક ચોવીસ કલાક પછી જાણે વેરાનીયતના પગલાની નિશાનીઓ મુકીને જતી રહેલી .
હવે માત્ર કુટુંબ એકબીજાના ઘેર એક એક ટાઈમ જમવા ભેગું થતું .પેલું પગે લાગીને રોકડા આશીર્વાદ ??? ઉફ્ફ ..આ બાળપણને ભૂલવાની કોશિશ તેની વધુ તીવ્રતા થી યાદ આવે એવા સંજોગો નું નિર્માણ થતું જ રહે છે ..અને હું વર્તમાનને જોઈ રહું છું નિર્લેપ બની …
દિવાળીના નામે કામમાં બીઝી રહેલા મનને આમ જ નવરાશ પણ તરત માફક નથી આવતી .પતિ અને કોલેજ જતો દીકરો મોબાઈલમાં વ્યસ્ત છે .અને દીકરો બહાર જતો રહે . બહાર જઈને મોકળાશથી કશે ફરવા જવાની વાત મનમાં જ દમ તોડતી રહે છે .અને ફરીથી પેલી દિનચર્યા શરુ થાય છે ત્યારે રાહત લાગે છે .
મન બદલાયું છે .માત્ર બહાર જ નહિ પણ ઘરમાં પણ ઘરના સભ્યોની દુનિયા અલગ થતી અનુભવું છું ..ડીજીટલ દુનિયા ના રીમોટ કંટ્રોલ થી ચાલતી આ માણસ ની જિંદગી એમની સંવેદનાઓને ડેટા માં ફેરવી રહી છે .અને એના એસ એમ એસ ની રીંગો રૂમ માં રણક્યા કરે છે . માણસો સાથે વાત કરવી છે એમનો ચેહરો વાંચતા પણ ફોન એમની બોદી સંવેદનાના સુર ને સંતાડતો ફરે છે .આ એકલતા મને ધીરે ધીરે ઉધઈ ની જેમ કોરી રહી છે .ખોખલી કરી રહી છે .અને એક દિવસ મારો મોબાઈલ ખોવાઈ જાય છે .ના હું એને રીક્ષામાં ભૂલી જાઉં છું અને મારા સર્વિસ પ્રોવાઈડર પાસે જઈને મારો નંબર કેન્સલ કરાવી દઉં છું …
હું મશીનોથી કામ કરવાનું બંધ કરી દઉં છું . જુના મણીબેન પાછા કામ કરવા આવે છે .ટેલી શોપિંગ કે હોમ ડીલીવરી પણ બંધ . હવે ચાલતા જાઉં છું સ્કુટી વેચી દીધી છે .લાઈબ્રેરી ની મેમ્બરશીપ નોંધાવી દીધી છે .કિટ્ટી પાર્ટી ,ભજનમંડળ બધે અઠવાડિયામાં એક વાર તો પાક્કું .ઘેર એક કિચન ગાર્ડન અને ફૂલછોડના કુંડા પણ લાવી છું .બધી તીમારદારી હું જાતે કરું છું . સવારે પક્ષીઓ ને ચણ નાખતા કેટલાક કબુતર ,ચકલી ,પોપટો સાથે પણ દોસ્તી થઇ છે .શિયાળા માં નવા પક્ષીઓ પણ મારે ત્યાં મેહમાન બને છે .કેમેરો પણ લઇ આવી .જે વસ્તુ ગમે તેને ફોટા માં કેદ કરી લેવાની ..ખુશ રહેવાનું એક આલ્બમ તો ભરાઈ જવા આવ્યું।
ટૂંકમાં હવે હું માણસો ને મળું છું .ડીજીટલ રીમોટ કંટ્રોલ ના વાયરો ડી એક્ટીવેટ કરવાની એક શરૂઆત છે . હા હવે મને હતાશાના આંચકા નથી આવતા …
હવે હું જાઉં …અત્યારે કુંડામાં પાણી નાખવાનો સમય થઇ ગયો છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s