માનો કે ના માનો ….


હું શ્રીમતી હેમાલી દેસાઈ
નાયબ પોલીસ કમિશ્નર ,
સાપુતારા ,
જીલ્લો : ડાંગ …
આ વાત દસ વર્ષ પહેલાની છે જયારે હું ટ્રેનીંગ માટે સાપુતારા ગયેલી ….
ટક ….. ટક …… ટક ……
દરવાજા પર ધીમા ટકોરા પડ્યા .મોબાઈલ ઓન કરીને જોયું રાત્રીના 2 થયેલા .થોડી ઊંઘ ઉડી તો હું તો સાપુતારાની એક હોટલ માં હતી . મારી સાથે આવેલા જ્યોતિ અને કૃષ્ણા શાંતિથી સુતેલા .મને થયું મને ભાસ થયો હશે .ફરી સુઈ ગયી .
આંખ મળી નહોતી એટલે ફરી અવાજ આવ્યો .અને અવાજ તો હતો જ એટલે જ્યોતિને ઉઠાડી .જ્યોતિ થોડી બહાદુર એટલે એણે ઇન્ટરકોમ પર હોટેલના રીસેપ્શન પર સીધો ફોન કર્યો .વિગત જણાવી .ત્યાંથી જવાબ મળ્યો તમને હું તાત્કાલિક બીજો રૂમ આપી દઉં છું . સામાન કાલે સવારે શિફ્ટ કરાવી દઈશ .એટલે કૈક વહેમ પડ્યો .અમે ના પાડીને સુવાની કોશિશ કરવા લાગ્યા .કુંભકર્ણ ની સગી બેન જેવી કૃષ્ણા તો બેખબર સુતી હતી .
સવારે બીજા રૂમમાં જતા રહ્યા .રાત્રે ફરી એ જ પુનરાવર્તન …હોટેલ થોડી સુનસાન જગ્યાએ હતી એટલે હું થોડીક ચોંકી .મેં અંધારામાં જ બારી ખોલી સામે નજર કરી તો ચાર પાંચ બાળકો રમી રહ્યા હતા અને મોબાઈલની ઘડિયાળ રાત્રીના બે નો સમય બતાવતી હતી .આ વાત થોડી અજુગતી ચોક્કસ હતી .મેં ધીરે થી રૂમની બધી બારી બંધ કરી .હું હળવેકથી બારણું ખોલી રીસેપ્શન પર આવી .થોડો ફફડાટ તો હતો પણ તો ય શાંત રહી અને મનમાં હનુમાન ચાલીસના પાઠ ચાલુ હતા .
રીસેપ્શન પર એક સુંદર યુવતી બેઠેલી એક દમ અપ ટૂ ડેટ .એણે મને જોઇને પૂછ્યું મેમ મે આઈ હેલ્પ યુ ??? મેં ના પાડી .આ યુવતી થોડીક અજીબ લાગી .હું બહાર બગીચા માં આવી અને મારા રૂમના બારી નીચે તો ત્યાં કોઈ નહોતું .
હું અંદર પછી વળી .એકદમ મારું ધ્યાન ચોકીદાર તરફ ગયું તો એ ઊંઘી રહ્યો હતો .મેં નજીક જઈને બુમ પાડી તો એ જાગ્યો .એ થોડો ગભરાઈ ગયેલો . મને કહે મેમસાબ તમે મેનેજરને કહેશો નહિ ,નહિ તો મારી નોકરી ખતરામાં આવી જશે .મેં ના પાડી .અંદર આવીને રીસેપ્શન પર જોયું તો મિસ્ટર બસુ હતા .મેં આજુ બાજુ નજર ફેરવી તો પેલી યુવતી ક્યાંય નહોતી દેખાતી .મેં મિ .બસુ પાસે આવીને પૂછ્યું : પેલી યુવતી ક્યાં ગઈ ?? તો તેમણે પૂછ્યું કોણ ?? ત્યારે મેં કહ્યું ,”હું હમણાં બહાર ગઈ ત્યારે તો એ બેઠેલી ..” તેમણે કહ્યું ના હું જ ડ્યુટી પર છું અને અહીં કોઈ યુવતી રીસેપ્શન પર નોકરી પર રાખી જ નથી .મને આ બધી ઘટના રહસ્યમય લાગી .અમે બધા અહીં આઈ પી એસ ની ટ્રેનીંગ પર આવેલા .એટલે ગભરાટ તો ના જ હોય .બીજી સવારે મેં અમારા મેન્ટોર અને બીજા વિદ્યાર્થીઓ સાથે આ વાત શેર કરી તો કેટલાક હસવા લાગ્યા .અને મેન્ટોરે કહ્યું :અરે વાહ ,ચલ આ એક કિસ્સાના મૂળ સુધી પહોંચી જા એટલે તું ફુલ્લી પાસ ..અને એ પણ હંસી પડ્યા .
પણ મને હસવા જેવું ના લાગ્યું .હું બપોરે પાસેના ગામમાં ગઈ .ત્યાં ઘરડા કાકા ને મળી .મેં એમને આ ઘટના વિષે પૂછ્યું તો કહે બેટા તું ક્યાં ની વાત કરે છે ?? મેં નામ આપ્યું : હોટલ લીલા . તો એમણે મને એટલું જ કહ્યું બેટા એ હોટલ જલ્દી ખાલી કરી દે . છેલ્લા દસેક વર્ષથી ત્યાં તો પ્રેત નો વાસ છે .અને એ પ્રેત બધાને નથી દેખાતું પણ જેને દેખાય છે એ થોડા વખત પછી ગાંડું થઈ જાય છે કે મરી જાય છે .
થોડીક ગભરાઈ પણ મેં એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી .
મેં મેનેજરને મળીને જુના રજીસ્ટર માંગ્યા .એમણે ના પાડી .હું પોલીસ સ્ટેશન પર ગયી .ત્યાંના પી એસ આઈ અમારા ઓળખીતા નીકળ્યા .મેં એમને મારા અનુભવ જણાવ્યા .બધી વિગતો પણ કહી .તે વિચાર માં પડી ગયા .એમણે હવાલદારને એક કેસ ફાઈલ લાવવાની કહી .એને ધ્યાનથી જોઈ .મને એક યુવતી અને એના ત્રણ બાળકોના ફોટા બતાવ્યા .આ લોકો હતા એમ પૂછ્યું .હું ચમકી .મેં હા પાડી .
આ યુવતી અને આ બાળકો ગુમ થયેલા વ્યક્તિની ફાઈલ માં હતા અને ફાઈલ પણ બંદ થઇ ગયેલી .
હું હોટલ પર આવી .મારા મનમાં એક વિચાર આવ્યો .મારી દાદીએ આપેલા માદળિયા ને મેં પર્સમાં મૂકી દીધું .રાત્રે નિયત સમયે ફરી ટકોરા પડ્યા .હું બહાર આવી .રીસેપ્શન પર ફરી પેલી યુવતી જ હતી . મેં એને સ્મિત આપ્યું .તે કશો પ્રતિભાવ આપ્યા વગર ઉભી થઇ ગયી .એણે મને પાછળ આવવા ઈશારો કર્યો .હું પાછળ ચાલી .એના પગના પંજા ઉંધા હતા અને એનો પડછાયો પણ નહોતો .હું મનમાં ગાયત્રી મંત્ર બોલવા લાગી પણ ભૂલ પડતી હતી .પરસેવે રેબઝેબ !!! પેલું માદળિયું કાઢવાનો અફસોસ થવા લાગ્યો .મેં પાછળ વળવા પ્રયત્ન કર્યો પણ હું એની પાછળ ખેંચાયા જ કરી .ત્યાં એક જગ્યાએ ઝાડના થડ પર એક હનુમાનજીનો ફોટો હતો .હું ત્યાં જઈને ઉભી રહી .એ યુવતી દૂરથી મને બોલાવતી રહી અને પછી જતી રહી .હું પાછળ જોયા વગર દોટ મુકીને હોટલ પર પછી ફરી .મિ બસુ ડ્યુટી પર હતા .
બીજી સવારે આખો ઘટનાક્રમ મેં મારા મેન્ટોર ને એકલામાં કહ્યો અને કહ્યું કે કહો ના કહો પણ આ ભેદ ભરમ છે .સર પ્લીઝ મને સાથ આપો તો આપણે આના મૂળ સુધી પહોંચી શકીએ .મેન્ટોર સંમત થયા .એ રાત્રે કોઈ ટકોરા ના પડ્યા .
બીજે દિવસે અમે ટ્રેનીંગ માં પર્વત પર ગયા ત્યારે હું ભૂલી પડી ગયી .સાપુતારાના પહાડો થી હું પરિચિત નહોતી .હું ભૂલી પડી ગયેલી .મોબાઈલ રૂમમાં રહી ગયેલો .મેં ફરી ગાયત્રી મંત્ર ચાલુ કરીને પાછળ જોયા વગર આગળ ચાલવાનું શરુ કરી દીધું .
થોડે દૂર જઈને એક શીલા પર બેઠી . શ્વાસ હેઠો બેઠો ત્યારે આસપાસમાં ઝરણાનો અવાજ આવ્યો .હું ત્યાં જવા ઉભી થઇ ત્યારે મારો પગ એક પથ્થર ને અથડાયો .અને નીકળીને દૂર પડ્યો .એની નીચે કશુંક હતું એમ લાગ્યું .મેં હાથથી માટી દૂર કરી .પછી એક ઝાડની ડાળી તોડી લાવી અને થોડું ખોદ્યું તો એક હાડકું નીકળ્યું .ત્યાં દૂર થોડા મજુર લોકો દેખાયા .મેં એમને હાંક મારી નજીક બોલાવ્યા અને મને મદદ કરવા કહ્યું તો એક હાડપિંજર નીકળ્યું .એમનામાં એક થોડું ગુજરાતી જાણતો હતો .મેં એને નજીકના થાણા માંથી પોલીસને બોલાવવા કહ્યું .ત્યારે મારા ગુમ થવાની ફરિયાદ કરવા મેન્ટોર પણ ત્યાંજ હતા .બધા એક જીપમાં હું હતી ત્યાં જ આવ્યા .મુદ્દામાલ કબજે થયો .આસપાસની જમીન માંથી બીજા નાના ત્રણ હાડપિંજર મળ્યા .મને તે દિવસે તાવ ચડી ગયો .મને ઘેર પાછા મોકલવાની વાત ચાલતી હતી તો મેં ના પાડી .
ત્યાંના પી એસ આઈ ત્રીજા દિવસે મને મળવા આવ્યા .એમને કહ્યું કે દસ વર્ષ પહેલાની જે ફાઈલ મને બતાવેલી એ યુવતી અને એના ત્રણ બાળકોના હાડપિંજર જ હતા .તેના પતિએ તેના બે સાગરીતો ની મદદ થી એમનુ ખૂન તેના ઘરમાં કરેલું અને લાશ અહીં દફન કરી દીધેલી .એની પત્ની તેણે કરેલા પાંચ ખૂનનું રહસ્ય જાણી ગયેલી એટલે તેનું કાસળ કાઢી નાખવામાં આવેલું .
ત્યારથી એનો આત્મા બધા પાસે આ રીતે મદદ માંગતો પણ ડરી જઈને બધા ભાગી જતા હતા .
પોલીસે બધી કાર્યવાહી કરીને તેના પતિની ધરપકડ કરી .એ દિવસ થી એ બાળકો કે યુવતી કોઈને દેખાયા નથી .પણ મેં એ જોયું કે હું ક્યારેય પણ કશે ગૂંચવાઈ જાઉં કે કોઈ મને હેરાનગતિ કરવા માંગે અથવા મારા પર હુમલો કરવા માંગે ત્યારે મારો બચાવ થતો અને મારા ગૂંચવાઈ ગયેલા કેસની કડીઓ મને એક કાગળ પર લખેલી મારા ઓશિકા નીચે મળતી .હું એ વાંચી લઉં એટલે કાગળ પરનું લખાણ અદ્રશ્ય થઇ જાય છે . સાપુતારા ની એ દોસ્ત મારી સાથે હોવાનો ભાસ હજી ચાલુ છે ……….માનો કે ના માનો ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s