માતાની ફરજ


વ્યોમા ફોન મુક્યા પછી થોડી વ્યગ્ર થઇ ગયી .સુષ્માબેન આવે છે .તેના નણંદ છે મોટા .તેના લગ્ન પછી મોટી ઉમરે પરણ્યા પણ જ્યાં સુધી લગ્ન નહોતા થયા પૂરે પૂરું નણંદ પણું બજાવ્યું અને સાસુ નો પણ સાથ .પણ વ્યોમા બધું સહન કરી ગયી .લગ્ન પછી તો થોડા દિવસ આવે અને જતા રહે પણ સ્વભાવ તો એ જ .આજે તો કહ્યું કે તેઓ જે કંપની માં કામ કરે છે એ કંપનીના ઓફીસ હેડ તરીકે પાંચ વર્ષ આ જ શહેર માં રહેવાનું છે અને કામ પણ ઘેર બેસીને લેપટોપ પરથી થાય .બસ એકાદ કલાક ઓફિસે જવું પડે .વ્યોમા થોડી હતાશ થઇ ગયી .તેના દીકરા નિલેશ ના બે મહિના પછી લગ્ન હતા અને દીકરી પણ કોલેજ માં ભણે .એમનું સાચવતા કામને પહોંચી નહોતી શકતી ત્યાં સુષ્માબેન આવશે .
ખેર પડશે એવી દેવાશે વિચારી એ બપોરનું બાકીનું કામ આટોપવા લાગી .બીજી સવારે સુષ્માબેન આવી પણ ગયા .સુષ્માબેન થોડા અલગ હતા .સ્વભાવના તેજ .તેમણે બહુ વર્ષે પિયરમાં પગ મુકેલો .બા તો હવે હતા નહિ .એમણે સ્ટોર રૂમને જાતે સાફ કરી પોતાની પથારી ત્યાં કરાવી દીધી .વ્યોમાએ એક ખુરશી અને ટેબલ સાથે નાઈટ લેમ્પ નવી ટ્યુબ લાઈટ અને એ સી નું સર્વીસીંગ પણ કરાવી દીધું .સુષ્માબેન હવે બહુ માથું નહોતા મારતા .સવારે બધા સાથે ચા નાસ્તો કરીને પોતાને કામે લાગી જતા પણ એ પહેલા વ્યોમાને શાક સમારી આપે લોટ બાંધી આપે અને કુકર પણ મૂકી દે .વ્યોમા ને થોડી રાહત લાગતી .તેમણે અઠવાડિયામાં જ જોયું કે વ્યોમા આખો દિવસ તૂટી જાય છે પણ તેની કોઈ કદર નથી કરતું .બધા એના પર આડેધડ હુકમો છોડે .દીકરી કાવ્યા તેનું મનગમતું શાક ના હોય તો બીજું શાક તાબડતોબ બનાવી આપવું પડે .અને નિલેશની વહુ તો આ જ શહેર માં અને નોકરી કરતી એટલે એ આવે ત્યારે બીજું કામ પણ વધે .રાત્રે આઠ વાગ્યે જયારે ભાઈ આવે ત્યારે વ્યોમા સાવ થાકી ગયી હોય . ભાઈ સમજે એટલે ચુપ રહે .બાળકોને કંઈ કહેવાય એમ જ નહિ .નોકરોના ભરોસે ઘર તો ચાલે નહિ !!
એક દિવસ વ્યોમાની જૂની બહેનપણી તેના પિયરમાં આવેલી .એણે ફોન કરીને વ્યોમાને મળવા બોલાવી .પણ વ્યોમા ખચકાઈ .સાંજે વહુ આવવાની હતી અને એની ફરમાઇશ હતી પાણીપુરી .તેની તૈયારી બાકી હતી . વ્યોમાએ ના પાડી .સુષ્માબેન એની પાસે આવ્યા .ધીરે થી કહ્યું : તું જા વ્યોમા .હું બધું સંભાળીશ .
વ્યોમા આનાકાની કરતી રહી પણ સુષ્માએ પરાણે મોકલી પણ જતા પહેલા સુનિલ પોતાના ભાઈને જાણ કરવા કહી દીધું .વ્યોમા અંદરથી ખુબ ખુશ થઈને જતી રહી . સાંજે કાવ્યા ઘેર આવી .મમ્મી બહાર ગઈ છે જાણી તોફાન કરી મુક્યું .બધું જેમ તેમ ફેંક્યું અને પોતાના રૂમમાં ઘુસી જોરથી મ્યુજિક વગાડવા માંડી .થોડી વારમાં નિલેશ અને એની ફીયાન્સે પણ આવ્યા . વ્યોમા બહાર ગઈ છે જાણી વહુ બોલી : હાઉ રીડીક્યુંલસ ,મમ્મી એમનો પ્રોગ્રામ પોસ્ટપોન ના શકે !!! મારો મૂડ ખરાબ થઇ ગયો . એટલામાં ભાભીનો અવાજ સાંભળી કાવ્યા પણ બહાર આવી .
હવે બેઉ નણંદ ભોજાઇ શું કરીએ એમ વિચારતા બેઠા અને ત્રણેવ પાણીપુરી ખાવા બહાર જવાનો પ્રોગ્રામ બનાવવા માંડ્યા .ત્યારે સુષ્માબેન બહાર આવ્યા .અને બોલ્યા : કાવ્યા ,તારી મમ્મી તારી માં છે નોકરાણી નથી .હું આવી છું ત્યારથી જોઉં છું તું અને નિલેશ એના પર રીતસર નોકરની જેમ હુકમ કર્યા કરો છો .કેમ તેની પોતાની કોઈ જિંદગી નહિ ?? હમણાં વ્હોટસ એપ પર કોઈ મેસેજ આવે તો ગમતું ભાણું છોડીને પણ તમે ભાગો પણ એની ફ્રેન્ડ તો દસ વર્ષે આવી છે અને મેં જ એને મળવા મોકલી છે . સાંજે જમીને જ આવશે ..
અને હા , દિયા વહુ ,તમે ભલે કુંવારા છો પણ આ ઘરમાં તમારા નખરા મારી ભાભી ઉઠાવે એ તમને શોભતું નથી .શું તમારા ઘરમાં આ જ સંસ્કાર છે કે વહુ સાસુ પર હુકમ કરે .તમે અહીં તમારા સાસરે આવ્યા છો તો ચાલો આજે પાણી પૂરી તમે જ બનાવો .પૂરી કાવ્યા તૈયાર લાવશે અને પાણી તમે બનાવો .હું કહું એમ કરતા જાઓ .બધું પરવાર્યા ત્યારે દિયા બોલી : કેટલી થાકી ગઈ આજે !! ત્યારે સુષ્મા બેને તરત કહ્યું કે મારા ભાભી તો આખો દિવસ કામ કર્યા કરે છે કેમ એને થાક નહિ લાગતો હોય !!!
દિયા સમસમીને બેસી રહી . ત્યાં જ સુનિલ નો ફોન આવ્યો : તે વ્યોમા સાથે ડીનર બહાર કરીને આવશે .ત્યારે સુષ્મા બેન બહુ ખુશ થયા અને કાલે કામવાળી બાઈ નહોતી આવવાની એટલે વાસણ પણ દિયા અને કાવ્યા પાસે કરાવ્યા .
દિયાવહુ તો ફોઈ સાસુ બીજું કશું કહે એ પહેલા જ પોતાના ઘેર સિધાવી ગયા .રાત્રે વ્યોમા પછી આવી ત્યારે નિલેશ અને કાવ્યાના ચેહરા જોઈ તે બધું સમજી ગઈ પણ કશું બોલી નહિ . પછી ધીરે ધીરે સુષ્મા બેને તેને તેની સોસાઈટીની કિટ્ટી પાર્ટીમાં જતી કરી અને પાસેના મહિલા સમાજમાં પણ મેમ્બર બનાવી . વ્યોમા હોશિયાર હતી અને એના લુપ્ત થઇ ગયેલા શોખને ફરી જાગ્રત કર્યા .ધીરે ધીરે તેનું નામ એક સારા કલાકાર તરીકે ગણના પામ્યું .
સુષ્મા બેનને હવે સંતોષ હતો .દિયા પણ હવે સાસરે થોડું ઓછું જ આવતી .
નિલેશના લગ્ન લેવાયા એમાં સુષ્મા બેને ઉલટભેર બધી તૈયારી કરાવી એટલે વ્યોમાને તો જાણે મોટી જવાબદારી ઓછી થઇ .પ્રસંગ રંગે ચંગે પતી ગયો .દિયા ને તો એમ કે હવે ફોઈ જતા રહેશે પણ ફોઈને હજી ચાર વર્ષ બાકી હતા .બીજા વર્ષે દિયા એના ભાઈ પાસે અમેરિકા જવાની તૈયારી કરવા માંડી અને નિલેશ પણ સાથે જવાનો હતો . વ્યોમા અને સુનીલ તો કશું બોલ્યા નહિ .પોતાની કામ કરતી વહુ આવતા વ્યોમાની જવાબદારી ઘટવાને બદલે વધેલી .નિલેશની પણ ઈચ્છા હતી એટલે બેઉ જણે રાજી ખુશીથી રજા પણ આપી .બેઉ અમેરિકા જતા રહ્યા .
સુષ્મા બેને પોતાની ભાભીને એક સ્ત્રીને પોતાનું અસ્તિત્વ ખોવાની કોઈ જરૂર નથી એમ સમજાવ્યું .એક માની મહાનતા ના ગુણગાન કરીને આજની સ્માર્ટ પેઢી કેવી રીતે એમને ઈમોશન થી એક્સપ્લોઇટ કરે છે એ જણાવ્યું અને કહ્યું કે જો વ્યોમા એક માં તરીકે તને ફૂલ માર્ક્સ છે પણ હવે તારા સંતાનોને પણ એમની જવાબદારી ઉઠાવવા દે .એમને જરૂર હોય ત્યાં સપોર્ટ જરૂર કરવાનો પણ એને હક્ક સમજે તો નન્નો પણ ભણી દેતા અચકાતી નહિ .એ લોકો તને જવાબદારી સોંપીને પોતે મોજમસ્તી કરે એ હરગીજ મંજુર ના કરાય .જયારે પાંચમે વર્ષે સુષ્માબેન તેમના ઘેર પાછા ગયા ત્યારે વ્યોમા એમને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી .
ત્રીજા વર્ષે દિયા પ્રેગ્નન્ટ હતી તો એમણે વ્યોમાને અમેરિકા આવીને રહેવાનો ખુબ આગ્રહ કર્યો .દસ વર્ષના મલ્ટીપલ વિઝા પણ કઢાવી આપ્યા .પણ વ્યોમા અને સુનિલ ત્યાં ના ગયા .એક દિવસ નિલેશ ત્યાં આવ્યો .અને ગુસ્સે થયો .ત્યારે બહુ સપાટ સવારે વ્યોમાએ કહ્યું : જો બેટા તમને મોટા કરીને લાઈફ તો સેટ કરી આપી .તમે તમારું બધું ધાર્યું પણ કર્યું . અમારો બેઉ નો સમય એ જવાબદારી પૂરી કરવામાં જ ગયો .હવે અમે એકબીજાને સમય આપીશું .અમારી નિવૃત્તિની વય થઇ છે એમાં હવે કોઈ વધારાની પ્રવૃત્તિ અમારે નથી કરવી .તમે બધા ખુબ હોશિયાર છો એટલે તમારા સંતાનનો સરસ ઉછેર કરી જ શકશો . અને સુવાવડ કરવામાં કઈ પ્રોબ્લેમ હોય તો અહીં છ મહિના આવી જાય દિયા વહુ એમના મમ્મી અને હું થઈને બાળક થોડું મોટું પણ કરી આપીશું .પછી ભલે એ બાળક સાથે અમેરિકા પાછા જતા રહે …
નીલેશ બીજા દિવસે પાછો જતા જતા વિચારતો હતો :કોણ કહે છે કે ભારતીય સંસ્કૃતિ મહાન છે !! માં પણ હવે સ્વાર્થી થઇ શકે છે .પોતે હવે દિયાને શું જવાબ આપશે ??? હવે એની મમ્મીને એ અમેરિકા બોલાવશે ત્યારે …એ માં અને દીકરી …!!!
સુનિલ વ્યોમા પાસે આવીને યુરોપ ટુર ની બે ટીકીટ વ્યોમાના હાથમાં આપતો બોલ્યો .ચાલો છેવટે આપણો સમય પણ શરુ થયો ખરો !!! મને તો એમ કે તું માતાની ફરજ ની નિષ્ઠા મને યાદ કરાવીને અમેરિકા જતી રહીશ !!! એક હાસ્ય ગુંજી રહ્યું …!!!

Leave a comment