ચાલો મારી સાથે …!!!!!


કાગળ લીધો અને પાછો મૂકી દીધો ..પેન લીધી .હાથમાં આડા અવળા લીટા કર્યા અને મૂકી દીધી . કશે ચેન નહોતું પડતું .સાંજનો સમય હતો અને એ ઘરને તાળું મારીને બહાર નીકળી ગયી .થોડે દૂર નદી પર એક પુલ હતો .તેના પર ચાલવા લાગી .હાથમાં મોબાઈલ તો હતો જ .સાંજનો સૂર્ય નદીમાં ડૂબકી મારી રહ્યો હતો એને કેમેરા માં કેદ કરીને એ આગળ જવા માંડી .પુલ ના છેડે એક લીમડાનું ઝાડ હતું અને એની આજુ બાજુ ચાર બાંકડા .તેના પર બેસી ગયી .આ શહેરમાં આવ્યે એને હજી એક મહિનો થયેલો .અરે આ જગ્યાને શહેર કહેવાય ??? કેટલી મોકળાશ !!!ખાલી રસ્તા ,ના વાહનોના હોર્ન ના ઘોંઘાટ .રસ્તા નાના પણ સુઘડ અને અહીં બે ત્રણ સિંગલ સ્ક્રીન થીયેટર .બે ત્રણ બગીચા .પણ એને અહીં ગમતા અહીના રસ્તા .ખુબ પહોળા અને વચ્ચે ડીવાઈડર .એના પર વીજળીના થાંભલા અને રસ્તાની બેઉ બાજુ પર ગુલમહોર ,વડ ,લીમડો આ બધા ઝાડ .અને ઝાડ નીચે સરસ બાંકડા .અહીની શાંતિ એને થોડા દિવસ તો ના ગમી .રાત લાંબી લગતી અને દિવસ નીકળે નહિ .બેંકમાં ઓફિસરની નવી નવી નોકરી લાગેલી એટલે મુંબઈ થી અહીં આવેલી .મમ્મી પપ્પા અને ભાઈથી દૂરની હોમસીકનેસ પણ ખરી જ .અહીં એને એક કામવાળી બેન મળી ગયી .અરે 600 રૂપિયા માં બધું કામ .મમ્મી તો એક કામના 600 આપતી .અને કેટલા ખાડા !!!
કામવાળા જીવીબેન પાસે જ રહેતા .એક મહિનામાં કોઈ રજા પણ નહિ .બેંકમાં ખાસ કઈ કામ પણ નહિ .એક રીલેક્સ જિંદગી !!!અહીં એક પુસ્તકાલય હતું ત્યાં સભ્ય બનીને રોજ એક પુસ્તક વાંચવા લઇ આવતી .ત્રણેક છાપા બંધાવી દીધા .અહીં ફ્લેટ નહોતા .એક બેઠા ઘટના ઘરમાં ચાર ભાડુઆત . સુરાલી હા હું સુરાલીની જ વાત કરું છું એને ભાગે ખૂણા ના બે રૂમ અને એક ઓસરી આવેલી જેનો ઝરુખો નદી તરફ હતો .એણે બધા ફોટોગ્રાફ એની ફેસબુક ટાઈમ લાઈન પર પોસ્ટ કર્યા ત્યારે એના ફ્રેન્ડસ તો અહીં આવવા આતુર બની ગયા .
એક ભાડુઆત રશ્મીન ભાઈની સ્થિતિ થોડીક નબળી .બે બાળકો અને ફી ભર્યા પછી ટ્યુશન ના પૈસા ના આપી શકે .અહીં કોચિંગ ક્લાસ ની સગવડ ક્યાં ?? છોકરી ભણવામાં હોશિયાર પણ છોકરો નબળો .સુરાલીએ એમના ટ્યુશન શરુ કર્યા .એ કોઈ ફી ના લે .એનો સમય પણ જવા માંડ્યો અને વધુ તો એ આધુનિક શિક્ષણથી અપડેટ થવા માંડી .
યુગ રશ્મિનભાઈ નો દીકરો ગણિત માં કાચો .એને છ મહિના માં તો ગણિત સાથે પ્રેમ થઇ ગયો .સુરાલીએ બે એક ગરીબ પણ હોશિયાર બાળકોને પણ ભણાવવાનું શરુ કર્યું .તેનો સમય ઝડપ થી જતો .સવારે જીવીબેન ને એણે રસોઈ પણ સોંપી દીધી એટલે એ સવારે ટ્યુશન કરતી અને સાંજે ફરવા જતી .
એ દિવસે એને આવતા થોડું મોડું થયું .પુલ પરથી પાછા વળતા એણે જોયું કે કોઈ પુલ પરથી નદીમાં કૂદ્યું .થોડું અજવાળું તો હતું અને એ નેશનલ કક્ષાની સ્વીમર પણ હતી .એ તરત પાછળ કુદી અને ભૂસકો મારનારને થોડી વારમાં પકડીને તરવા લાગી અને કિનારે લઇ આવી .એ સુરેશ હતો .એનું પાણી કાઢ્યું અને થોડી વારે એ હોશમાં પણ આવી ગયો .થોડા ઘણા લોકો ભેગા થઇ ગયેલા .પુલના આ છેડે એણે બાઈક પાર્ક કરેલી .એના લાયસન્સ પરથી એનું સરનામું મળ્યું .મોબાઈલ તો ગજવામાં હતો એટલે પલળી ગયેલો .પાસેના દવાખાનામાં એને દાખલ કર્યો .સુરાલી એની પાસે બેઠી .એ ખોવાયેલો હતો .ખુબ નિરાશ લાગતો હતો .સુરાલી એ એને કોફી અને બિસ્કીટ આપ્યા .એ થોડો સ્વસ્થ થયો એટલે એને કારણ પૂછ્યું।
સુરેશે કહ્યું પપ્પાએ દેવું કરીને એને સાયન્સમાં ભણાવેલો .ગઈકાલે જાહેર થયેલા રીઝલ્ટમાં એના 95.9 પર્સન્તાઇલ આવેલા .પણ એનું આઈ આઈ ટી માં એડમીશન મળે એના માટે બે માર્ક્સ ખૂટ્યા .પપ્પા અને મમ્મીએ એને ઠપકો આપ્યો .એને પણ લાગ્યું કે એ નાલાયક દીકરો છે .એટલે એણે નજીકના શહેરમાંથી અહીં આવીને મોતનો ભૂસકો મારી દીધો .
સુરાલીએ કશુંક વિચાર્યું .એ સુરેશને પોતાના ઘેર લઇ આવી .એણે બાજુવાળા રશ્મિનભાઈ ને સઘળી વાત કરી .અને કૈક કહ્યું .રશ્મિનભાઈ સંમત થયા .બીજા દિવસે રવિવાર હતો અને પછી ધુળેટીની રજા હતી એટલે સુરાલી પાસે બે દિવસ હતા .સુરેશનું શહેર અહીં થી માત્ર 60 કિલોમીટર દૂર હતું .એ રશ્મિનભાઈ ને લઇ સુરેશને ઘેર ગઈ .અને સુરેશના લાયસન્સ ,બાઈક અને ચાવીઓ ત્યાં તેના માં બાપને સોંપી .તેમણે પૂછપરછ કરતા એણે કહ્યું : કે નદીના પુલ પર આ લાવારીસ મળી આવ્યા છે .માલિકનો કોઈ પત્તો નથી અને આર ટી ઓ માં તપાસ કરીને અમે અહીં આવ્યા છે .સુરેશની મમ્મીનું આક્રંદ શરુ થઇ ગયું .સુરેશના પપ્પા રડવા લાગ્યા .આસપડોસ ના બધા ભેગા થઇ ગયા .એમનો દીકરો બારમાના રીઝલ્ટ આવ્યાના દિવસથી ગાયબ હતો અને આજે એની બાઈક ઘેર આવી પણ એ નહીં .સુરાલીએ શાંતિથી વિગતો પૂછી .ત્યારે એની માં એ કહ્યું કે એના પિતા એને આઈ આઈ ટી માં એડમીશન મળે એ સ્વપ્ન જોતા .અને સુરેશ ને પણ એન્જીનીઅર બનવાનો વાંધો ના હતો .પણ ફક્ત બે માર્ક્સ માટે એ રેન્કિંગ ચુક્યો એટલે એના પિતા એને ખીજાયા .એમણે પોતાના ઘર પર લોન લીધેલી અને મોંઘા ટ્યુશન કરાવેલા .એ સુરેશ જાણતો હતો એટલે એના પપ્પા ખીજાયા ત્યારે સુરેશ બહાર જતો રહ્યો .અમને એમ કે એ થોડી વાર માં આવી જશે .પણ એનો પત્તો ના લાગતા અમે બધા સગા ને ત્યાં પૂછપરછ કરી આજે પોલીસ સ્ટેશને જતા હતા .
સુરાલી એ સુરેશના પપ્પાને પૂછ્યું કે આ બે માર્ક્સ વધારે કે તમારો દીકરો ???? અરે નાપાસ થવાય કે ઓછા માર્ક્સ આવ્યે જીવન થોડું પૂરું કરી દેવાય ??? તમારા માટે પ્રતિષ્ઠા નો પ્રશ્ન ભલે હોય પણ તમે બે ઘડી એના પુસ્તકો ઉથલાવીને એને સમજવાની કોશિશ કરી છે .એ ભણે છે એ તમને સમજ પડે છે કે કોઈ એલીએન ની દુનિયામાં આવી ગયા હોય એવું લાગે છે ??? અરે એક બાળક આટઆટલું પ્રેશર રાખીને ભણતો હોય ઉપર થી ટ્યુશન ,ક્લાસ ,અને તમારી અપેક્ષાઓ !!! ચાલો હવે તમે છૂટી ગયા અને સુરેશ પણ !!! એને હવે આ દુનિયાની રેટ રેસ માંથી મુક્તિ મળી અને તમે ટેન્શન માંથી મુક્ત થયા .
એના પિતાએ પૂછ્યું તમે છો કોણ ?? અને તમારે અમારા અંગત મામલામાં શા માટે વચ્ચે આવવું પડે છે ???
અત્યાર સુધી શાંતિથી વાત કરતી સુરાલી હવે ગરમ થઈને બોલી ::::હું આજના યુવાનની પ્રતિનિધિ છું .પહેલા માર્ક્સ ,પછી એડમીશન ,પછી નોકરી ,પછી સારી છોકરી ,પછી પાછા ઉચ્ચ જીવનના ધખારા !!! બસ માત્ર બીજાઓ ની અપેક્ષા સંતોષવા જીવતા યુવાનો ની પ્રતિનિધિ .ઘણી વાર આવી ગાંડી અપેક્ષા ને પૂરી કરવા કરતા મોત વધારે સહેલું લાગે છે અમને !!!! અરે કેટલી કોલેજો અને કેટલા વિષયો છે પણ તમારા મગજમાં કોતરાયેલા સ્વપ્નો વિષે અમારે જાત જોખી દેવાની !!!??? અમને યાદ નથી કે ઉનાળાનું વેકેશન સાતમાં ધોરણ પછી અમે ક્યારે માણ્યું ?? મામાને ઘેર ગયે કેટલા વર્ષો થયા ???અને જેની સાથે બેસીને ધમાચકડી મચાવતા એ દોસ્તોને જીવનમાં ફરી મળીશું કે નહિ ???હવે તો ગ્રેજ્યુએશન પછી પરદેશનો વાયરો ચાલે છે !!! ડોલરના મોહમાં બ્રેનવોશ કરી નાખ્યું છે .એક ડોલરના 65 રૂપિયા ભલે ભારતમાં થાય પણ એ પરદેશમાં તો 1 ડોલર જ છે ..65 વડે એને ગુણીને તમે સપના જુઓ છો ???!!! અમેરિકાની વિદેશનીતિ અહીના ગુજરાતીઓ કરતા વધારે કોઈ સમજી શક્યું છે ????
કાકા,મારી બહેન અમેરિકા ભણવા ગયી .ત્યાંના ભારતીયને પરણી .ત્રીજા વર્ષે છૂટાછેડા થયા અને એના પતિએ એનો પાસપોર્ટ લઇ લીધો ત્યારે એણે એલચી કચેરીની મદદથી ભારત આવવા નો પ્રયત્ન કર્યો ત્યારે એના પતિએ એને ગોળી મારી મારી નાખી …એ બહેન પપ્પાના સ્વપ્નને પૂરું કરવા ત્યાં ના ગઈ હોત તો કદાચ જીવતી હોત .
સુરેશના મમ્મી અને પપ્પા ચોધાર આંસુએ રડવા માંડ્યા .ત્યારે ધીમેથી સુરાલી એ કહ્યું ચાલો મારી સાથે …!!!!!
=====
સુરેશ ત્યારથી સુરાલીને બહેન માને છે અને સુરાલી જ્યાં હોય ત્યાં એની પાસે રાખડી બંધાવવા આવે છે .અત્યારે સુરાલીનું પોસ્ટીંગ શિમલા માં છે .એ પતિ અને બાળકો સાથે ખુશ છે …

Leave a comment