માછલી


મારો ઓરડો નદીને કિનારે છે .બારી ખોલતાં જ ઠંડા પવનની લહેરખી ઓરડામાં ધસી આવે છે અને મારા વાળ અસ્તવ્યસ્ત કરી નાખે છે .એક ખુરશી લાવીને હું બારીએ બેસું છું .શાંત જગ્યા છે અને નદી ના ખળખળ વહેવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય છે .સેનેટોરીયમ છે .પણ જગ્યા શાંત છે એટલે મને ગમે છે .સામેના કિનારેથી એક નાવડીમાં કેટલાક માણસો આવી રહ્યા છે અને નાવડીમાં એક બકરી પણ છે .બેં બેં ચિત્કાર કરીને થોડી થોડી વારે કુદ્યા કરે છે .એને ગળે દોરડું બાંધીને પકડી રાખી છે .તોય એ કુદે છે ,છટપટે છે છૂટવા માટે .અને બીજા કિનારે એને ઉતારીને ખેંચીને લઇ જવામાં આવી રહી છે .હું એકીટશે જોયા કરું છું .સાંજ પડવાની તૈયારી છે એટલે સૂરજનું અજવાળું ઓછું થઇ રહ્યું છે .નાના નાના સફેદ વાદળો હવે લાલ થઇ રહ્યા છે .મારા ઓરડામાં હવે અંધારું થઇ ગયું છે ત્યારે કોઈ આવીને સ્વીચ પાડે છે .સંચાલિકા બેન છે .
મને પૂછે છે : કેમ લાઈટ ના કરી ???
હું એમને બસ જોયા કરું છું કશો જવાબ આપ્યા વગર .
અહીં આવ્યે મને બે દિવસ થઇ ગયા .સંચાલિકા બેન શ્રી જયશ્રીબેન ડોક્ટર ને કહી રહ્યા હતા : ખબર નહિ કશું જ બોલતી નથી .કશું પૂછીએ તો તાકી રહે છે સાવ ભાવ વિહીન આંખો થી . એને આખો દિવસ બારીમાં બેસીને નદીને જોવું ગમતું લાગે છે .સમયસર આવીને ખાઈ લે છે .કોઈ કચ કચ નથી .એકલી જ રહે છે .ડોક્ટર મને તપાસીને જતા રહે છે .એમના પ્રમાણે બધું નોર્મલ છે .
પણ ……
પણ એ ડોક્ટર પાસે જે સ્ટેથોસ્કોપ છે એમાં મન ક્યાં વંચાય છે ????
એ ઘર એ લોકોથી દૂર થયે આજે મહિનો પૂરો થઇ ગયો .તો ય બીક લાગે છે કે હમણાં આવીને મને પાછા લઇ જશે તો ???? પણ હવે મારી બીક ઓછી થઇ ગઈ .મારા ઈલાજ ના ભાગ રૂપે મારા ઓરડામાં હવે એક ડાયરી ,પેન ,મોટી ડ્રોઈંગ બુક ,પેન્સિલ થોડા રંગો મુકવામાં આવ્યા છે .હું ડ્રોઈંગ બુક અને પેન્સિલ લઈને ફરી પેલી બારી પાસે જાઉં છું .અને બહાર જે જોઉં છું તેમાં દોરું છું .બધું દોરી લીધા પછી પાછી એ નદીમાં નાવડી દોરીને પેલા બકરી ના બચ્ચાને દોરું છું .અને એની આંખમાંથી આંસુ પડતા બતાવવા એ જગ્યાએ વરસાદ દોરું છું .આજે મને થોડું ગમ્યું .ખાવામાં આજે ભરેલા રીંગણ હતા .મેં બીજી વાર માંગ્યા . એ વાત નોંધવામાં આવી .હવે મારી બીક જતી રહી .હવે મને કોઈ લેવા આવવાનું નહોતું .થોડા દિવસ પછી પેલી ડાયરીમાં મેં લખવા માંડ્યું .આ એ જ બધું હતું જે મારા પર વીતતું હતું અને હું કોઈને કહી શકતી નહોતી .હવે હું ખુશ પણ રહેવા લાગી હતી .
અમારા આ ઘરના નાનકડા બાગમાં મેં થોડા રોપા વાવ્યા અને નિયમિત રીતે એને પાણી આપવા લાગી .એક આંબો પણ વાવ્યો .બે વર્ષ પછી તો એ મોટો થઇ ગયો .માળી કહેતો આના પર પાંચમે વર્ષે કેરી આવશે .હું ખુશ થતી .
મને ખબર ના હતી કે રોજ સુતા પછી જયશ્રીબેન મારા ઓરડામાં આવી મારી ડાયરી અને ચિત્રો જોતા હતા .હવે અહીં મને સાડા ચાર વર્ષો થઇ ગયા હતા .હવે મને જરા પણ બીક નહોતી લાગતી . એક દિવસ હું છોડને પાણી નાખતી હતી ત્યારે દૂર થી જોયું .એક કાર માં એ લોકો ( બે વ્યક્તિ હતા। એક સ્ત્રી અને એક પુરુષ ) આવ્યા .હું થડ પાછળ સંતાઈ ગયી .એ લોકો સંચાલિકા જયશ્રીબેનના ઓરડા માં ગયા .અને ત્યાં ડોક્ટર સાહેબ પણ ગયા .હું ત્યાં પાછળની બારી પાસે સંતાઈ ગયી .
અંદર અવાજ આવતો હતો .: હવે મમ્મીને કેમ છે ???
ડોક્ટર : હવે એ એકદમ નોર્મલ છે .એણે અહીં આવીને ફરી નોર્મલ જીવન જીવતા શીખી લીધું છે .લખે છે ,વાંચે છે ,બગીચાની દેખભાળ કરે છે .ગીતો ગાય છે ,ક્યારેક રસોઈ પણ બનાવે છે .
પુરુષ : એને હવે ઘેર લઇ જઈ શકીએ ???
ડોક્ટર : હા બિલકુલ ,હવે કોઈ વાંધો નથી .
જયશ્રીબેન : પણ અચાનક અહીં કેમ આવવું પડ્યું તમારે ?
સ્ત્રી : બે દિવસ પહેલા આ મારા સાસુના ભાઈના વકીલનો કાગળ આવ્યો .ભાઈને કોઈ સંતાન નથી એટલે એ બેન ના નામે એની અમેરિકાની અને ભારતની તમામ મિલકત કરીને ગયા છે .એ પંદર દિવસ પહેલા અવસાન પામ્યા .એટલે હવે સાસુની હયાતી નો પુરાવો અને સહી તો જોઇશે .વળી હવે તો એ નોર્મલ થઇ ગયા છે એટલે ઘેર લઇ જઈશું .
જયશ્રીબેન : અમે તમને ફોર્માલીટી કરીને બે દિવસમાં જાણ કરીએ .અચ્છા તમે પેલા વકીલની જાણકારી આપશો ???નામ સરનામું ???
પુરુષે કાર્ડ આપ્યું .
એ લોકો જતા રહ્યા અને હું થર થર કાંપવા માંડી ..રાત્રે મને જમવા બોલાવવા ખુદ જયશ્રીબેન આવ્યા .સાથે ડોક્ટર પણ હતા . હું બાથરૂમમાં પુરાઈ ગઈ .જયશ્રીબેને કહ્યું તારે કશે જવું નહિ પડે .મેં તારી ડાયરી વાંચી છે .તું ગાંડી હતી જ નહિ પણ તું એમને નડતી હતી એટલે એ લોકો જુઠ્ઠા પુરાવા લઈને વકીલની મદદથી તને કોર્ટમાં ગાંડી સાબિત કરીને અહીં મૂકી ગયેલા .મને ખબર છે .પણ તું બહાર આવ .
બીજે દિવસે એ વકીલની એપોઇન્ટમેન્ટ લઈને હું ડોક્ટર સાહેબ અને જયશ્રીબેન સાથે એમને મળવા ગઈ .વકીલને બધી હકીકતથી વાકેફ કર્યા .
બધી થઈને પાંચ કરોડ રૂપિયાની મિલકત હતી .મેં જજ સામે લેખિત આવેદન આપીને બધી મિલકત જુદી જુદી સેવાભાવી સંસ્થાઓને દાન માં આપી દીધી .એક હિસ્સો ચરણ માનસિક રોગની હોસ્પિટલ જ્યાં હું પાગલ તરીકે દાખલ થયેલી તેને આપી દીધો .
અને વકીલે આ બાબતની જાણકારી આપતો પત્ર પુરુષ અને સ્ત્રીને રવાના કર્યો .
હું ફરી બારી ખોલી નદી તરફ જોવા લાગી .એક બગલો ધ્યાનસ્થ મુદ્રા માં ઉભેલો અને એક માછલી તેના મોમાં આવી .પણ માછલી જોર પૂર્વક તરફડીને પછી પાણી માં પડી અને ઝડપથી જતી રહી .મારા મોં પર સ્મિત હતું .

3 thoughts on “માછલી

Leave a reply to preeti tailor જવાબ રદ કરો