એક મઠિયું મને પૂછે


જુના જમાના માં એક પૂંઠા નું કેલેન્ડર જે સામાન્ય રીતે ભગવાનના ફોટા વાળું આવતું અને એને એક ડટ્ટો લગાડતા .કારતક સુદ પડવા થી આસો વદ અમાસ દિવાળી સુધી ની સફર રહેતી .રોજ એક પાનું ફાટતું અને પિતાજી દાઢી બનાવવાની બ્લેડ એના થી લૂછતાં .થોડા નોસ્ટાલ્જીક થઇ જવાયું નહિ !!!
હવે તો મોબાઈલ આપણને જીવતા શીખવે .એના એલાર્મ થી શરુ થતો દિવસ છેલ્લે ફેસબુક અને વ્હોટસ એપ પર ગૂડ નાઈટ સાથે પૂરો થતો દિવસ .
આ વખતે જરૂરી સફાઈ કરીને રજા પાડ્યા પછી થયું કોઈ આવતું તો છે નહિ તો નાસ્તો નથી બનાવવો .પરિવાર વાળા આવે ત્યારે તો ફૂલ જમવાનું જ હોય છે . પણ તોય રેડીઓ પર આવતી મઠીયા ની જાહેરાત। ..યાર લલચાઈ જવાયું . તો ચોળાફળી પણ જય વીરુ ની જોડી ની જેમ સાથે જ આવી . એક સવારે કડાઈ ચડાવીને બેઉ ને તળવા બેઠી ( હા યાર પ્લેટફોર્મ પર બેસીને કામ કરવાનું જો લાંબા સમય ઉભા રહેવાનું થાય તો !!! એટલે ) .
સરસ મજાની બે કથરોટ ભરાઈ ગયી .પીળા ચોળાફળી ના પોત પર મરચું અને સંચળ તો એક ચુંદડી પર બાંધણી ની ડીઝાઈન માફક લાગતું હતું . એક એક ચોળાફળી જયારે તેલ માં મુકું તો આજના નારી સશક્તિકરણ ના અભિયાન ની પ્રણેતા ની જેમ તરત ફૂલીને વિરોધ નોંધાવતી .
છેલ્લે કથરોટ માં બેઠી બેઠી સામુહિક ગીત ગાતી હતી : હમ રહે યા ના રહે કલ ,કલ યાદ આયેંગે એ પલ …
યાર હું તો સેન્ટી થઇ ગયી .મને અફસોસ થયો .મેં એમને કહ્યું . આવતી સાલ થી દિવાળી ના દિવસ આગળ મોટી ચોકડી મૂકી દઈશ .તમને આ પીડા માંથી ઉગારવાની કસમ લઉં છું .ત્યાં તો એક મઠિયું બોલ્યું : યાર તમે અમને તળો છો એટલે અમને લાગે છે કે અમારું અસ્તિત્વ હજી પેલા ડાયનાસોર ની જેમ નામશેષ નથી થયું .અને અમારી પીડા તો બસ આ પંદર દિવસ પણ તમે યાર મનુષ્યો !!!! ક્યાં અમે બે ત્રણ કિલો થી ઓછા બનતા નહોતા અને હવે તો 100 ગ્રામ ના પડીકા ના બજેટ માં ફીટ બેસીએ એવી મોંઘવારીની ઘંટીના પડ માં આખું વરસ પીડાઓ છો .એટલે અમને તમારી માટે હાર્દિક સહાનુભુતિ છે !!! ચોળાફળીએ પણ સુર પુરાવ્યો : અરે માનવ !!! અમે તો પીડા બતાવીએ છીએ પણ તમે તો ખુશી માટે કેટલી ઉધારી કરો છો અને કહી પણ નથી શકતા .જુઓ ને તમારા ઘરમાં ગઈસાલ આવેલા તો પેલો કોર્નર પર ટેબલ પર ટી વી હતો અને હવે ટીંગાઈ ગયો દીવાલ પર !! અને હા કાર પણ નવી આવી ને !!! (હફ્તા કેટલાના !!!) તમને તો જમાના સાથે ચાલવાનું ઝનુન એટલે બધું કરો અને જુઓ અમને .વર્ષો પહેલા જે વસ્તુઓ અમને બનાવવામાં વપરાતી એ આજે પણ વપરાય છે તો ય મહત્વ નથી ઘટ્યું બસ તમારો પગાર ભલે વધીયો હોય પણ પરચેઝિંગ પાવર ઘટી ગેલો છે !!!!
હું ખીજાઈ : આ તમે મારી સાથે સહાનુભુતિ દર્શાવો છો કે મારી મશ્કરી કરો છો ???
તો બેઉ ધીરે થી બોલ્યા : અમારી પીડા તો એક સરખી છે પણ તમે તો જાતે કરીને વહોરેલી છે !!! મેં માથું ખંજવાળ્યું !!! ટપ્પી ના પડી બકા !!!
ત્યાં તો એક મઠિયું મને પૂછે : યાર ગઈ સાલ તો તારી પાસે મોબાઈલ નહોતો નવો લીધો કે ??!! મેં હા પાડી …
તો બેઉ કથરોટ માંથી બધા સમૂહગાન કરવા માંડ્યા : ચલ બેટા સેલ્ફી લે લે રે !!! યાર જો અમે બધા તૈયાર થઇ ગયા રાઈટ .હવે અમે બધા એક ડબ્બા માં અન્ડર ગ્રાઉન્ડ થઇ જઈશું રાઈટ .પછી હફ્તે હફ્તે ડીશ માં નીકળીશું અને પછી જુદા જુદા મો માં જુદી જુદી જીભ પર લસરીને જુદા જુદા પેટમાં જતા રહીશું …અને થોડા ઈમોશનલ મઠીયા તો એક બીજાને ભેટી પણ પડ્યા !!!
વાત તો સાચી હતી .મેં એ બધાને બાજુ બાજુ માં બેસાડ્યા અને સ્કુલમાં આખા વર્ગનો ફોટો લેતા ને પ્રિન્સીપાલ અને શિક્ષક સાથે એમ ફોટો પણ લીધો .પણ મઠીયા બોલ્યા એક અમારા બધા એકલાનો પણ લો ને !!! મેં લીધો ..એ બધા ખુશ ખુશ !!! પેલા વેકેશન પડવાના છેલ્લા દિવસની શાળાના વિદ્યાર્થીઓની જેમ !!!
એ લોકોએ કહ્યું અમે આ વખતે બીજી ઘણી આઈટમ ને મીસ કરીએ છીએ પણ ઓ કે . મને બધાએ હેપ્પી દિવાળી વિશ કર્યું અને જુદા જુદા ડબ્બા માં મારા હાથની હથેળીને પ્રેમ થી સ્પર્શી જવા લાગ્યા …
મેં તમને કહ્યું : બસ તમને પચાવવાની શક્તિ રહે અને ડોક્ટર મને ક્યારેય પણ તમને લોકોને ખાવાની ના પાડે નહિ એવી તંદુરસ્તી રહે એવા આશીર્વાદ આપજો . તથાસ્તુ કહીને નટખટ મઠીયા અને ચબરાક ચોલાફળીઓ મલકાતા મલકાતા ઢાંકણ નો મુગટ પહેરીને કબાટમાં ગોઠવાઈ ગયા .
શું કરીએ આપણે માનવી બે ઘડી કોઈ સાથે વાત કરવા માંગીએ તો એ લોકો મોબાઈલ પર જ જોવા મળે એટલે જાણે અનાયાસે બીજી વસ્તુઓ પણ જાણે પોતાની દાસ્તાન કહેવા માંગતી હોય એવો ભાસ થયો .આ મારું પ્રતિબિંબ તો નહોતું ને !!! મશીન ની દુનિયા માં અટૂલી ભટકતી વાચા જેવું !!!

Leave a comment