એક ફિલ્મ


મેં છેલ્લા દિવસની વાત કરેલી એ ફિલ્મ …સાચું કહું તો મારી પહેલી પ્રતિક્રિયા હતી : મને ના ગમ્યું .સાલું આ વાત કરવાની રીત આટલું ચીપ કોમ્યુનીકેશન ?? પણ શનિવારે બપોરે ફરી ડી વી ડી પર જોવા બેઠી .મને એમાંના પાત્રો ક્યાંક પરિચિત હોય એવા લાગ્યા .ખબર નહિ પણ ફરી હું એ સમય માં પહોંચી ગયી જયારે હું કોલેજ માં હતી . એ વખતે મોબાઈલ કે ઘેર ફોન પણ નહિ અને વાહન વ્યવહાર તો સાવ નજીવો .ઘર થી દસ કિલોમીટર દૂર કોલેજ .એક વાર ઘેર થી બહાર કોલેજ ગયા તો પછી પાછા આવ્યે જ આપણા વ્હેર એબાઉટ મમ્મી પપ્પાને ખબર પડે !! મને એ બધી જગ્યાઓ અચાનક યાદ આવી જે મારી ફેવરીટ હતી .એમ એસ યુનીવર્સીટી ની કોમર્સ ફેકલ્ટી . પણ ઘરથી એક બસ આખી કોલેજ ના વિદ્યાર્થીઓ થી ભરેલી જાય અને છોકરા છોકરીઓના ગ્રુપ અલગ જ હોય .એમાં આ યુનીવર્સીટી માં એક ફેકલ્ટીમાંથી બીજી માં આરામથી રખડ્યા કરાય .પણ છોકરીઓનો કોમન રૂમ કોમર્સ ફેકલ્ટી પાછળ એટલે બધા ત્યાં જ હોઈએ .અંદર કેન્ટીન પણ ખરી .
પહેલો પીરીયડ ફ્રી હોય તો કોમન રૂમની પાળી એ અડ્ડો .બીજો ફ્રી હોય તો પછી જો કોમન રૂમમાં કોઈ ફ્રેન્ડ મળે તો આર્ટસ ફેકલ્ટી ના પગથીયા પર બેસીએ કે સાયંસ માં ફરીએ કે કોઈને શોધવા માટે જુદા જુદા ડીપાર્ટમેન્ટ માં ફર્યા કરવાનું અને ત્રીજો પીરીયડ ભરીને સ્ટેશન ડેપો પર જઈએ અને બસ માં બેસી જવાનું .એ ફરવું બહુ સરસ હતું .અને એ કેમ્પસમાં ત્યારે વાહનો ની જરાય ભીડ નહિ .બહુ જ પૈસાદાર છોકરાઓ મોટર સાયકલ પર આવે .બાકી લુના છોકરીઓ ની લક્ઝરી આઈટમ .બાકી સાયકલ પર આવનાર પણ ખાધે પીધે સુખી ઘરના કહેવાતા .અને 95% સીટી બસ માં સફર કરે . અને એ જર્નીની દુનિયા પણ અલગ !!! ડબલ ડેકર બસના ઉપલા માળે પહેલી બારીમાં બેસીને પ્લેનની ફિલિંગ્સ અને છોકરાઓની કોમેન્ટ્સ ધીંગા મસ્તી !!! એ કેન્ટીનમાં બેસીને સાબુદાણા ના વડા તો ખાસ ખાવાના … અહીં સાયન્સ ,આર્ટસ કે કોમર્સના વાડા માં બંધાયા વગર જીવાઈ ગયેલી દોસ્તી હતી .મારે તો એમાં એક છેડે થી બીજે છેડે જવું પડતું એટલે આખું શહેર રોજ ફરીએ .કોઈ વાર કોલેજ શરુ થવાની વાર હોય તો રેલ્વે સ્ટેશન પર લટાર મારવી અને બીજે છેડે સાયંસ ફેકલ્ટીના લોઅર બ્રીજ જેનું નામ કરણ લવર્સ બ્રીજ થયેલું ત્યાંથી જાણી જોઇને કોઈને ડીસ્ટર્બ કરતા પસાર થવું .
સાચે જ પાંચ વર્ષની એ બેફીકરાઇ ફરી ક્યારેય ના આવી અને ના આવ્યા એ લોકો જેની સાથે આ જીવનના બેસ્ટ પીરીયડ ને એન્જોય કર્યો . જયારે એમ કોમનું છેલ્લું પેપર આપીને ઘેર આવી ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને કબાટના પુસ્તકો પાસે જઈને મમ્મીને કહ્યું મારું ભણવાનું પૂરું થઇ ગયું ???!!!!
આજ સુધી કોઈક કારણ તો હતું હવે તો કારણ શોધવું પડશે !!! બસ અચાનક બધું થંભી ગયું .
અમે સ્ત્રીઓ એક વાતે છોકરાઓ જેવી સુખી નથી જ હોતી કે એ ગ્રુપ આજીવન ટકી રહે અથવા જો એક શહેરમાં હોઈએ તો મળી શકાય . અમારી કોલેજ પાસે ત્રણ ટોકીઝ હતી અને નવી ફિલ્મો ત્યાં જ આવે .પણ ક્યારેય મમ્મી પપ્પાની પરમીશન વગર મેં ફિલ્મ નથી જોઈ .એ શો પણ અમારા કોલેજ ટાઈમિંગ સાથે મેચ હોય તોય !!!! પણ ઘેરથી તો પુષ્કળ ફિલ્મો જોઈ .એક ફ્રેન્ડ હતી ઈલાક્ષી બસ એને ઘેર જઈને નક્કી કરીએ અને કન્સેશન પાસ લઈને બસમાં ફરી ફિલ્મો પણ જોઈ આવીએ .જે જમાના માં ટી વી કે ડીવીડી પણ નહોતા ત્યારે પણ અઠવાડિયાની એક ને હિસાબે ફિલ્મો અમે બેઉ જોતા . સારી કહેવાતી કોઈ ફિલ્મો બાકી નહોતી રાખતા !!! અરે બારમાં ની બોર્ડ ની પરીક્ષામાં વાંચવાનું પતી ગયેલું અને ફક્ત એક અઠવાડિયું બાકી હતું અને કોલોનીની સામેના થીયેટરમાં સારી ફિલ્મ આવેલી તો ય જોવા જતા રહેલા .બેઉના મમ્મી પપ્પાએ ક્યારેય ના નહોતી પાડી .હું વર્ગ માં પહેલો નંબર લાવું અને એ બીજો નંબર લાવે .ભણવામાં ટક્કર પણ બીજે બધે સાથે જ જવાનું .
અને છેલ્લો દિવસ ફિલ્મ પૂરી થઇ ત્યારે આંખો ભીની થઇ ગયી . એ ઈલાક્ષી છેલ્લે મારી બેબીના જન્મ વખતે આવેલી મને મળવા પછી ક્યારેય મળ્યા નથી .એ મેલકા , એ ક્રિશ્ના ..અને સોનલ તો મૃત્યુ પામેલી એની ખબર પણ પાંચ વર્ષે પડેલી .
કેટલીય વ્યક્તિઓ આપણા જીવનમાં એવી આવે છે જે ફરી ક્યારેય મળતી નથી પણ યાદોની ગલીઓ માં એમની હાજરી વગર યાદો સોનેરી નથી બનતી .છેલ્લો દિવસ કદાચ રૂપેરી પરદે દેખાડાતી ફિલ્મ કરતા પોતાની અંદર ફરી જીવાતી એક એવી ફિલ્મ બની ગઈ જેના પાત્રો બદલાઈ જાય ,સેટ અને એકટરો પણ બદલાઈ જાય પણ કથાવસ્તુ એની એ જ રહે .
કદાચ બહુ વખતે હું એક ફિલ્મને લઈને ફરી એક યુગ ની સ્મૃતિઓ સાથે જીવી ગયી ….

Leave a comment