હું અને રેડીઓ


ક્યારેક કોઈ દિવસ એવો ઉગે કે એ આપણી કલ્પના થી પણ ખુબ દૂર દૂર સુધી હોય ..ક્યારેય કલ્પીએ ઘટના થઇ જાય અને એનો સુખદ આઘાત ની કળ પણ વહેલી ના વળી શકે . એવું જ કંઈક થયું મારા જીવનમાં 7 જૂન 2017 ના બપોરે એક વાગ્યે …
આમ પણ ઘણી વાર મારા શોખ તરીકે મેં રેડીઓ નો ઉલ્લેખ તો કરેલો જ છે . મારો બાળપણનો સખા કહી શકો ..જયારે રેડીઓ લઈએ તો પોસ્ટ ઓફિસ માં લાયસન્સ ફી ભરવી પડતી તે જમાના થી રેડીઓ નો બહુ શોખ ..એ જમાના નું મનોરંજન નું એક માત્ર સાધન હતું . એમાં અમદાવાદ વડોદરા ની ફ્રીક્વન્સી અને રાજકોટ ને ભુજ ની ફ્રીક્વન્સી સાંભળવા મળતી . એ સિવાય દિલ્હી ની ઉર્દુ સર્વિસ . વિવિધ ભારતી પણ ખાસું મોડું શરુ થયું . અમીન સયાની પ્રસ્તુત બિનાકા ગીતમાલા સાંભળવા તો મમ્મીને રીતસર કાલાવાલા કરવા પડતા અને ડિસેમ્બર ના છેલ્લા બુધવારે કયું ગીત ટોપ નું થયું એ જાણવાની અમાપ ઉત્સુકતા . રેડીઓ પર ક્રિકેટની કોમેન્ટરી નો શોખ પણ ખરો .સુશીલ દોશી ની કોમેન્ટરી સાંભળતા સાંભળતા ક્રિકેટ માં સમજ પડતી ગયી ..
પપ્પા એક પોકેટ રેડીઓ દિલ્હી થી લઇ આવ્યા .પછી તો મારા ઓશિકાની બાજુમાં કે રીડિંગ ટેબલની પુસ્તક ની બાજુમાં હંમેશા ધીમે અવાજે વાગતા ગીતો એ મને ક્યારેય એકલી પડવા નથી દીધી …
એમાં પણ નવમાં ધોરણમાં વડોદરા રેડીઓ સ્ટેશન ના ડાયરેક્ટર અમારી શાળાના સંગીત ના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ત્યારે એમણે અમારી શાળાના ગૃપ ને એક ગીત બાળકોના રવિવારના કાર્યક્રમમાં રજુ કરવાનું આમંત્રણ આપ્યું અને પહેલવહેલી વાર એ ગૃપ સાથે રેડીઓ સ્ટેશન અંદરથી જોવા મળ્યું . સંચાલિકા બહેને જયારે બાળકોના નામ લાઈવ પૂછ્યા ત્યારે મારુ નામ હું બોલી . મારી બોલવાની ઢબ થી પ્રભાવિત થયેલા મંજુબેને મને દર રવિવારે પ્રોગ્રામમાં ભાગ લેતા બાળકો સાથે સહસંચાલક તરીકે આમંત્રણ આપ્યું અને એક યાત્રા શરુ થઇ .એમની પ્રેરણા અને પ્રોત્સાહન થી મેં સ્વર પરીક્ષા પણ આપી અને બાળકલાકાર તરીકે રેડીઓ નાટકો માં વડોદરા કેન્દ્ર પરથી લગભગ છ વર્ષ સુધી ભાગ લીધો .તેની ફી ના રૂપ માં મળેલો રુ। 25 નો ચેક એ મારી પહેલવહેલી કમાણી હતી અને ત્યારે હું ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી .. પણ અભ્યાસ સાથે એ પ્રવૃત્તિ છૂટી ગયી પણ રેડીઓ ના છૂટ્યો .
રાત્રે 12.30 વાગ્યે એક નાના પોકેટ રેડીઓ ને પકડીને સાત જણ અમે ભારત ને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીતતો સાંભળેલો ત્યારે આંખો હર્ષના આંસુ થી ઉભરાઈ ગયી હતી .લગ્ન પછી પણ પહેલી ખરીદી એક ટ્રાન્ઝિસ્ટર ની જ કરેલી જે આજે પણ બગડેલી હાલત માં મારી પાસે છે . પેન રેડીઓ થી માંડીને હેડફોન પર વાગતા રેડીઓ સુધી બધું જ મોજુદ મારા કલેક્શન માં પણ કાળક્રમે બગડી પણ જાય .
2007 માં અમારા શહેર માં પણ એફ એમ નો યુગ શરુ થયો .તેમાં રેડીઓ જોકી દ્વારા પુછાતા સવાલ જવાબ માં નિયમિત ભાગ લેતી .પણ ઇનામ માટે નહિ બસ એમ જ .. મને એમાં મજા પડતી એટલે ..એમના દ્વારા પુછાયેલા પ્રશ્નો માં ક્યારેક ભૂતકાળના ભુલાઈ ગયેલા પાના ફરી ખુલતા અને સાચું કહું તો વર્તમાનની ભાગદોડ માં એ સમય અને ઘટના નું મૂલ્ય અને આનંદ પણ સમજાતો .રેડીઓ જોકી પણ મને ઓળખતા . એ ઓળખાણ મિત્રતા માં પરિવર્તિત થઇ . કદાચ એ યુવાનો અને મારી વચ્ચે ઉંમર નો ફર્ક એમાં ક્યારેય આડો નહોતો આવતો .
એવાજ એક એફ એમ રેડ એફ એમ ના સવારનો શો કરતા આર જે આશિષજી સાથે મારે લગભગ દસેક વર્ષ થી પરિચય અને મિત્રતા પણ એક આર જે અને લિસનર તરીકે . મારો જૂનો રેડીઓ બરાબર ફ્રીક્વન્સી પકડી નહોતો શકતો અને મોબાઈલ પર ઘર કામ કરતા રેડીઓ સાંભળવો ફાવે નહિ એટલે મેં વાત વાતમાં શ્રી આશિષજી ને એ વાત કહી .
જેમ કે મેં ઉપર કહ્યું 7 જૂન નો દિવસ . એ દિવસે હું રસોઈ કરીને મારા પતિના જમવા આવવાની રાહ જોતી હતી . એ દિવસે મારી દીકરી પણ ડબ્બો ભૂલી ગયેલી એટલે જમવા આવી અને અચાનક રેડ એફ એમ માંથી શ્રી આશીષજી એમના પ્રોડ્યુસર સુશ્રી કૃતિ શાસ્ત્રી સાથે મારા ઘેર આવ્યા .હું એમને ઘણી વાર મારે ઘેર આવવાનું કહેતી પણ અચાનક જ મારી સામે આવીને ઉભા થઇ ગયા . હું તો લગભગ અબોલ થઇ ગયી શું કરું અને શું ના કરું .. એટલો બધો એમના આવવાનો હરખ હતો કે પાણી નું પણ પૂછતાં ભૂલી ગઈ . મને અમારી અગાસી માં હિંચકા સુધી શ્રી આશીષજી જ મને દોરી ગયા અને પછી એક ગિફ્ટ પેક આપ્યું અને ખોલવાનું કહ્યું .
સાચું કહું તો એક ગૃહિણી ને ક્યારેય ઘરના લોકો પણ તારે શું જોઈએ કે કઈ વસ્તુ તને ખુબ ખુશ કરી શકે એ જાણવાની ક્યારેય દરકાર રાખતા નથી હોતા .ફક્ત બર્થડે ને દિવસે ભાવ પુછાય ખરો . ત્યારે અચાનક એક દિવસ કોઈ ગિફ્ટ આપે ત્યારે ખુશી આંસુ બનીને વહેવા માંડે છે . એ પેકેટ ખોલતા જોયું તો એક સરસ મજાનો રેડીઓ હતો જે શ્રી આશીષજી મને ગિફ્ટ આપવા લાવેલા રેડ એફ એમ તરફ થી …આ ખુશી માંથી નોર્મલ થતા મને ત્રણ દિવસ લાગ્યા .
માત્ર અવાજની ઓળખાણ અને બિલકુલ નિઃસ્વાર્થ વાતચીત નો દસ વર્ષનો દૌર આજે મારા ઘરમાં એક નાનકડા રેડીઓ તરીકે આવીને ગુંજી રહ્યો છે ..માણસ ના સંબંધો આવા પ્રેમાળ હોઈ શકે એનો પુરાવો …
ઘણા સંબંધો માણસ જીવનમાં એવા કમાય જે લોહી ના સંબંધો થી વધારે ગાઢ પુરવાર થાય છે .
આ સમગ્ર ઘટના નો એક વિડિઓ પણ એમણે બનાવેલો છે . જે આપ rj ashish 935 ના ફેસબુકના પેજ પર જોઈ શકો છો .

Advertisements