નીરજા દિવા ની લાડકી પૌત્રી … દિવા ના રૂમમાં ઉતાવળે આવી .. ઓહ બાપ રે કેટલું ટેંશન છે એના રૂપાળા ચહેરા પર … ચશ્મા નાકની દાંડી પર ટેકવી દિવા એ પૂછ્યું : શું બેટા , શું ટેંશન ???
નીરજા : ઓહ દાદી તને સમજ નહિ પડે ..તમારા જમાના માં એવું બધું હતું ક્યાં ??
દિવા : હા ભાઈ , સાચું છે અમારા જમાના માં એવું બધું એટલે કેવું બધું ક્યાં હતું ?? પ્રેમ વગર લગ્ન થતા અને હવે લગ્ન વગર પ્રેમ થાય છે ??
નીરજા : દાદી તમારા પી જે પ્લીઝ બંધ કરો ને !!!
દિવા : જો બેટા , સામે બાગ છે ત્યાં મોટા મોટા આંટા મારતા વિચાર તો જરૂર કોઈ ધાંસુ આઈડિયા મળી જશે ..
નીરજા હવે ચિડાઈ : ઓફફો દાદી , પ્લીઝ સ્ટોપ …
થોડી ક્ષણો ની શાંતિ પછી દાદી બોલ્યા … નીરજા મારી અને તારા દાદાની સગાઇ વેલેંટાઈન વીક માં જ થયેલી !!! અને અમને ખબર જ નહિ … તને ખબર છે અમે પહેલી વાર વેલેંટાઈન ડે ને દિવસે મળેલા …. પછી દિવા ચૂપ થઇ ગઈ …
પોતાની સામે પીઠ કરીને બારી બહાર જોઈ રહેલી નીરજા દોડતી પોતાની બાજુ માં આવીને બેસી ગયી એ દિવાને ગમ્યું … એના ચહેરા પાર ઉત્સુકતા લીપાયેલી હતી ..બોલી : પછી ???
12 ફેબ્રુઆરી એ અમારી સગાઇ થઇ . તેરમી તારીખે હું ઓફિસે ગઈ તો અભિનંદન નો વરસાદ થઇ ગયો …નવી હતી તોય બધા જાણે વર્ષોથી જાણતા હોય એમ ખુશ થયા . ત્યારે બેન્ક માં ફોન બધે નહિ ..મેનેજર ની ઓફિસ માં જ હતો .. મને એમ કે તારા દાદા મને ફોન કરીને મળવા બોલાવશે . પણ ફોન ના આવ્યો … બીજે દિવસે માથામાં તેલ નાખીને બે ચોટલા વાળીને એક સાવ સામાન્ય ડ્રેસ પહેરી ઓફિસ ગયી …
જો કે એમનો ફોન ના આવ્યો એનો મારા માટે કોઈ ઇસ્યુ નહોતો ..એ પણ પોતાની ઓફિસે ગયેલા ..
નીરજા : પછી તમે ક્યારે મળેલા ???
દાદી નો ચહેરો આટલા વર્ષે પણ ગુલાબી થઇ ગયેલો એ કહેતા કે એ લોકો 14 ફેબ્રુઆરી ના દિવસે પહેલી વાર મળ્યા હતા .
દિવા : સેન્ટ વેલેંટાઈન ની યાદ માં વિદેશો માં આ તહેવાર ઉજવાય એટલી જ મને ખબર . બપોરે મેનેજર ની ઓફિસ માં ફોન આવ્યો …દાદાએ સીધું જ પૂછી લીધું . સાંજે બસ માંથી તું ક્યાં ઉતરે છે ???
મેં કહ્યુ : સયાજીગંજ ..
દાદાએ કહ્યું : સાંજે ઉભી રહેજે .. હું આવીશ …
મેનેજર ની કેબીન માં મારા શરીર માંથી ધ્રુજારી છૂટવા માંડી .. મારી જગ્યાએ જઈને હું રડી પડી ..
નીરજા હસવા લાગી : ઓ માય ગોશ … તું ખરેખર ક્રેઝી હતી દાદી ..આવું રડાતું હોય ??
દિવા : હા મારી ત્યાંની કલીગ પણ એવું જ કહેવા લાગી ..મને ચીડવવા લાગી ..પણ એક સહેલી એ પૂછ્યું : તું રડે છે કેમ ?? ત્યારે મેં શું કહ્યું ખબર છે ??
નીરજા : શું કહ્યું ડાર્લિંગ ???
દિવા : કાલે સરસ કપડાં પહેરીને તૈયાર થઈને આવી ત્યારે ફોન ના કર્યો અને આજે તેલ નાખીને બબુચક જેવી સાદી આવી ત્યારે મળવા બોલાવે છે ???!!!
નીરજા ખડખડાટ પેટ પકડીને હસવા માંડી …અને પૂછ્યું : ફિર ક્યાં હુઆ ???
દિવા : બેસ ચાંપલી , અમારા માં લાજ શરમ હતી .અને મોબાઈલ નહોતા સમજી ..પછી તો હું સયાજીગંજ ઉતરી તો દાદા બજાજ સ્કૂટર લઈને ઉભેલા …
નીરજા : વાઉ ..પેલા રબને બનાદી જોડીના સુરિન્દર સાહની ની જેમ … અને દાદી પાછળ બેસી ગયી ..પછી ક્યાં ગયા ?? ઢોસા ખાવા કે પાણીપુરી ??? કે પછી મુવી જોવા ???
દિવા : હેઠી ઉતર જરા હેઠી ઉતર … ત્યાં થી અમે સીધા શહેરના એ બસ સ્ટેન્ડ પર ગયા જ્યાંથી મારા ઘરની બસ ઉપડતી હતી …
હવે તો નીરજા ખડખડાટ હસીને દાદીને જોર થી ધબ્બો મારી ગઈ !!!
દિવા : બસ ઉભેલી હતી થોડી વાર પછી ઉપડવાની હતી .. ડબલડેકર હતી .. મેં ઓફિસ થી આવતા વચ્ચે એક શોપિંગ સેન્ટર માંથી એક કેડબરી ડેરી મિલ્ક લીધેલી એ દાદાને આપી …
અને દાદાએ : નીરજા થી ચૂપ ના રહેવાયું …
એ કશું નહોતા લાવ્યા … એમણે લઈને ખીસા માં મૂકી દીધી … મારી બસ ચાલુ થઇ અને એ જતા રહ્યા …
નીરજા : દાદી ડાર્લિંગ તને ગુસ્સો ના આવ્યો ??
દિવા : નીરજા , મારા ઘેર તો નાનપણ થી સાયકલ પણ નહિ અને સ્કૂટર પણ ભાઈ એક મહિના પહેલા જ લાવેલો . અને હું દાદા પાછળ બેઠી ત્યારે જ હું ખુશ થઇ ગયી .. હવે તો આમ સ્કૂટર પર ફરવા મળશે !!!!!…
નીરજા થોડી ગંભીર બની દિવાની બાજુ માં બેસી ગઈ …. અને બોલી : દાદી તારા વખત માં આવી ગિફ્ટ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કશું નહોતું . તું તારી જાતને ધન્ય સમજતી કે તને લગ્ન પહેલા સ્કૂટરની પાછળની સીટ પર બેસવા મળ્યું ..તું ખુશ હતી કે તેં દાદાને કશું આપ્યું …દાદાનો સાથ તારા માટે ગિફ્ટ હતો ને !!!
દિવા એ હકાર માં ડોકું ધુણાવ્યું …હજીય તું શરમાય છે દાદી એ દિવસ ને યાદ કરીને …
નીરજા કશું બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી ….
બીજા દિવસે એનો મંગેતર રમ્ય એની કાર લઈને તેને લેવા આવ્યો …
નીરજા બેસી ગઈ …ઘર થી થોડે દૂર જઈને એણે રમ્ય ને કહ્યું : રમ્ય , શું તું અહીં કાર પાર્ક કરી શકે ???
રમ્ય ની આંખો માં સવાલ હતો . પણ તેણે એમ કર્યું .ઉતરતા પહેલા તેણે એક ડાયમંડ રિંગ નું બોક્સ કાઢ્યું ..તે ખોલવા જતો હતો અને નીરજા એ તેને રોકી લીધો .. આ રિંગ લગ્ન પછી આપજે ..એને ખોલીશ નહિ આજે … અને સાથે લાવેલું લાલ ગુલાબ નીરજા એ લઇ લીધું . અહીં થી શહેર ની સૌથી સરસ સડક શરુ થતી હતી .. નદીના પુલ પર બેઉ જણે ચાલવાનું શરુ કર્યું એની ફૂટપાથ પર …મૌન। .કશું બોલ્યા વગર .. પુલ વચ્ચેના બાંકડા પાર બેસતી વખતે જયારે રમ્ય એ નીરજાનો હાથ પોતાના હાથ માં લીધો તો નીરજા ના શરીર માં કંપારી આવી ગઈ ..રમ્ય એ તે પળની નજાકત મહેસુસ કરી … બેઉ જણ વધારે મૌન રહ્યા તો પણ ઘણું બધું કહેવાઈ ગયું , ઘણું બધું સંભળાઈ ગયું …. કાર સુધી ચાલતા પાછા આવ્યા અને રમ્ય એ કાર સ્ટાર્ટ કરી . એમ પી 3 પર ગીત ગુંજી રહ્યું હતું :
વો પહેલી બાર જબ હમ મિલે …