ઘાવ


ઘાવ

નીવા આજે ફરી ગુલમહોર ના ઝાડ નીચે આવી … ચળાઈ ને આવતો તડકો થોડી ઠંડી ઓછી કરતો હતો .એની શાલમાં એણે અદબ વાળેલી . મિહિરે એને ત્યાં જ મળવા બોલાવી હતી જ્યાં બેઉ પહેલી વાર મળ્યા હતા …
નાકની દાંડી પાર ચશ્મા સરખા કરતા એ શાંતિ થી ઉભી હતી . રોડ ની બીજી બાજુ એક કાર આવીને ઉભી રહી .ઓડી નું લેટેસ્ટ મોડેલ અને મિહિર એમાંથી ઉતરી તેની તરફ આવ્યો . બેઉ જણા એ પરસ્પર સ્મિતની આપ લે કરી લીધી અને એક મૌન ફરી કબ્જો કરી બેઠું .
કેમ બોલાવી છે મને ??? = નીવાએ મૌન નું કવચ તોડ્યું …
તને પાછી ઘેર લઇ જવી છે … મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ..હવે અર્થ ફિલ્મ નો ડાયલોગ ના બોલતી કે તારી જગ્યા એ મેં આવું કર્યું હોત તો તેં મારો સ્વીકાર કર્યો હોત ??? =મિહિરે જવાબ વાળ્યો …
તને વિશ્વાસ છે કે તું લેવા આવીશ અને હું તારી સાથે પાછી જઈશ ??? = નીવા .
નક્કી ના કહેવાય પણ મારે મારાથી બનતા બધા પ્રયત્નો કરી છૂટવા છે …= મિહિર .
એટલે તને કોઈ કાળે વસવસો ના થાય કે કાશ મેં એને મનાવી લીધી હોત !! એક વાર સોરી કહી દીધું હોત !!! = નીવા ..
આપણે આમ રસ્તા પર ઉભા નથી રહેવું। . ચાલ સામે બાગ માં બેસીએ ..=મિહિર .
મિહિર , એ ઘર મારું હતું ..એને એક એક ખૂણે મેં હૃદય રેડીને સજાવેલું .. જીવનમાં ક્યારેય મારા માટે વિચાર્યા વગર હું તને ,બાળકોને અને ઘરને સમર્પિત હતી .. પણ અફસોસ તમે મને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લીધી ..એક વિશ્વાસ હતો કે હું તમારા બધા વગર જીવી નહિ શકું .. હું કોઈ કાલે આવું કશું નહિ કરું … = નીવા .
નીવા , તારી કહેલી બધી વાતો તારા ગયા પછી ધીરે ધીરે સમજાવા માંડી .નિખિલ અને રિવા તો પોતાના અભ્યાસ અને સંસાર માં મસ્ત હતા . નિખિલે અમેરિકા માં જ એની સાથે ભણતી એક એન .આર .જી ની દીકરી પાયલ સાથે લગ્ન પણ કરી લીધા અને મને જાણ કરી . એ ક્યારેય અહીં પાછો નહિ આવે . રિવા એના સંસાર માંથી થોડો સમય કાઢી મારુ ધ્યાન રાખે છે પણ હું એકલો પડ્યો એટલે તારી પીડા ને સારી રીતે સમજી શક્યો છું .= મિહિર ..
ચાર દીવાલો વચ્ચેની ભયાનક એકલતા ને ભેદવા મારી સાથે કોઈ નહોતું . બધાની મારી પાસે ફક્ત અપેક્ષાઓ હતી . હું અંદરથી મરી રહી હતી . માં બાપ તો હતા નહિ પણ દૂર એક શહેર માં રહેતા મારા ભાઈ ભાભી ના એકના એક દીકરા ની લગ્ન ની કંકોત્રી પણ હું જઈ શકું નહિ એટલે તેં મારા સુધી પહોંચવા ના દીધી અને તારો ફોન ખરાબ છે એમ કહીને દસ દિવસ મારો ફોન પણ લઇ લીધો !!! આટલું છળ શા માટે ???!!! =નીવા .
મને માફ કરી દે ..= મિહિર .
ના , મિહિર એ ઘટના પછી મેં બરાબર છ મહિને ઘર છોડેલું .અને ત્યાર પછી પાંચ વર્ષે આજે આપણે મળ્યા છીએ . તારો આજનો વર્તમાન મારા દસ વર્ષ પહેલા ના ભૂતકાળની શરૂઆત જ છે .અને આ દસ વર્ષમાં હું તો ક્યાંય આગળ નીકળી ચુકી છું .જીવનની ગાડીને રિવર્સ ગિયર નથી હોતો .એટલે તું એકલો જ પાછો જા .= નીવા …
નિરાશ વદને મિહિરે પૂછ્યું : તને ક્યાં ઉતારી દઉં ???
કશે નહિ … હું જાતે જ જઈશ …= નીવા ..
બેઉ ની આંખો માં ભૂતકાળ એક સરી ગયેલી ફિલ્મી જેમ ચાલુ થયો … પહેલા બેઉ ને લાગતું હતું કે વાંક સામે વાળાનો હતો પણ હવે લાગતું હતું કે સહનશક્તિ તો પોતાની પણ ઓછી જ હતી .. હવે નીવા આ સંસ્થા માંથી પાછી ફરવા નહોતી માંગતી ..અહીં વૃદ્ધાશ્રમ ની કેરટેકર હતી . દરેક વૃદ્ધ માટે તે પોતાની દીકરી હતી ..અહીં પોતાની એક દિવસ ની અચાનક ગેરહાજરી દરેક ને વર્તાતી .. જે વસ્તુ ની કમી પોતાને પોતાના ઘરમાં હંમેશા લાગી તે તેને અહીં મળી હતી . પોતાના અસ્તિત્વ ની સાચી ઓળખ અને મહત્વ .. પોતે કોઈને સજા કરવાના ઈરાદા થી પોતાનું ઘર ચુપચાપ નહોતું છોડ્યું . પણ પોતાની વ્યક્તિ તરીકે સતત અવહેલનાએ તેને અંદર થી મારી નાખી હતી ..
નીવા એ પંચાવન વર્ષની વયે ઘર છોડ્યું કારણ કે તે આત્મહત્યા કરવા નહોતી માંગતી ..કોઈ માણસ ની સ્વાર્થીપણા સામે પોતાનું જીવન કુરબાન કરવા નહોતી માંગતી .નીવા સમજતી કે પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો દરેક વ્યક્તિને અધિકાર છે . કોઈના આધિપત્ય વગર !!!
હાથમાં એક પણ પૈસો લીધા વગર કશું જ નક્કી કર્યા વગર શરુ થયેલી તેની યાત્રા આ વૃદ્ધાશ્રમ માં પૂરી થયેલી ….તેને કોઈ વાત નો પસ્તાવો પણ નહોતો કેમ કે એ કોઈ ફરજ નહોતી ચુકી બસ એનું કુટુંબ પોતાની જવાબદારી વિસરી ગયેલું ..
એક મહિના પછી …..
નીવાબેન આ ઘરમાં એક નવી વ્યક્તિ ઉમેરાઈ છે . ચાલો તમારો પરિચય કરાવું .. આચાર્ય સાહેબે બૂમ પાડી . નીવા ઓફિસ માં ગઈ .દરવાજા તરફ પીઠ કરીને બેઠેલી એ વ્યક્તિનું નામ સાંભળતા નીવા ચમકી ..મિહિર હતો … સાહેબ એમને રૂમ નંબર પાંચ આપું છું . આચાર્ય સાહેબે કહ્યું : નીવાબેન , આ તો તમારા પતિ છે ને !!! અહીં કોઈ સન્યાસી થોડું છે ?? તમે એક રૂમ માં રહી શકો છો ..
નીવા : સાહેબ , એ મારા પતિ હતા . અહીં તો નીવા જ રહે છે .. એટલે એમની સંભાળ અન્ય બધાની જેમ જરૂર લેવાશે …વિશેષ નહિ ….
સરલા બેન પાંચ નંબર નો રૂમ ખોલીને સાફ કરી દો ….= નીવા …
અહીં તો બધાએ જમાનો જોયેલો એટલે સમજાઈ ગયું કે ઘાવ કેટલા ઊંડા હશે !!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s