રત્ન કણિકા :2

જીવન ની કઠિન સમસ્યાઓ સરળ લોકો સરળતાથી ઉકેલી શકે છે .

Advertisements

ચેતના ની ક્ષણે

આજે ખૂબ ટૂંકી પણ વિચારોમાં ઝબકી જતી એક વાત ની ટૂંકી શ્રેણીની શરૂઆત કરવી છે . રજુઆત એક કે બે કે ત્રણ વાક્ય સુધી સીમિત રાખવાની કોશિશ …

હું જીવું છું .

હું જીવંત છું .

આ બે વાક્યોમાં ફર્ક છે ?

રિકતા

આજે રિકતતા અનુભવી રહી છે રિકતા . પોશ વિસ્તારના પેન્ટ હાઉસ ના ટોપ ફ્લોર પર આજે વરસાદી સવારે શાંતિ થી બારી પાસે બેસી દૂર સુધી દેખાતા આકાશ માંથી ટપકતા વરસાદના ક્યારેક ધીમા તો કયારેક જોશભેર પડતા અવાજ ને અનુભવી રહી હતી .

હમણાં નો ખાલીપો અને રિકતતા તેના દોસ્ત બની ગયેલા . અજાણ્યે જ તેણે પોતાના વર્તમાન ને ભૂતકાળ માં જ નક્કી કરેલું એવું લાગતું એને . પોતાની સગવડ માટે નક્કી કરેલી પ્રાથમિકતાઓ જ આજે તેને નડી રહી હતી .

આખી જિંદગીને તે ફ્લેશબેકમાં જોતી ત્યારે લાગતું કે કદાચ તેનો વર્તમાન જ એવો સમય છે જે તે ઝંખતી હતી . તેને આર્થિક, સામાજિક ,શારીરિક કે માનસિક તણાવ માટે કોઈ કારણ નહોતું . બધું સરસ સેટ હતું . એણે જીવનમાં એક સામાન્ય વ્યક્તિને કરવો પડે એનાથી ક્યાંય વધારે સંઘર્ષ કર્યો હતો , એને સામા વહેણમાં તરવું પડેલ , સંઘર્ષ વખતે કંઈ કેટલાય અપમાન , ગેરસમજ , અવહેલનાનાં ભોગ પણ બનવું પડેલું . પણ તોય એ સંઘર્ષ એને જીવવા માટે કારણ આપતો .એણે દરેકના સમય ઘડિયાળના કાંટે સાચવી લીધેલા . પોતાના શોખ તે પુરા જરૂર કરતી પણ ઘરમાં કોઈને અગવડ ના પડે એ જોઈ લેતી .પણ હવે 50+માં શરીર કામ નહોતું કરતું . થાક વહેલો લાગતો . કંટાળો પણ આવતો . ઘરમાં બધા પોતાની કારકિર્દીમાં વ્યસ્ત રહેતા . સાંજ પડે પંખીઓ પાછા તો ફરતા પણ એ સમય ટી વી અને મોબાઈલ વચ્ચે વહેંચાઈ જતો . ઘરમાં હવે વાતચીત નો દોર મૃતપ્રાયઃ થઈ ગયેલો . માત્ર જરૂર પૂરતી જરૂરી શબ્દોમાં ટૂંકી વાતચીત થતી . ફોન પર કોઈ સાથે વાત કર્યા ને દિવસો વીતી જતાં .

આ એકલી અકળામણ હવે ક્યારેક આંસુ લાવી દેતી .એનું કારણ કોઈની પોતાની પાસે અપેક્ષાઓ ઓછી નહોતી થઈ . એ હવે થાકી જાય છે એની કોઈએ નોંધ નહોતી લીધી અથવા ગણકારી નહોતી . જવાબદારીના પ્રકાર બદલાયેલા પણ જરાય ઓછી નહોતી થઈ . કોલેજથી પાછા ફરતા સંતાનો થોડું તો ઘર ભરતા પણ હવે નોકરી પરથી થાક્યા છે કહી પોતાના રૂમમાં મોડી રાત સુધી “સોશિઅલી એક્ટિવ ” રહેતા .સંતાનોના ઉછેરમાં પતિ ને થોડા સાઈડ પર કરેલા પણ એમણે તો એવી રીતે જીવતા શીખી લીધેલું . જીવન માં રિવર્સ ગિયર નથી હોતો . મેનોપોઝ ને લીધે માનસિક અને શારીરિક પરિવર્તન સાથે એકલી ઝઝૂમતા એને ઘણી વાર અવસાદ રહેવા માંડ્યો .

એને થવા માંડ્યું કે એને પરફેક્ટ રોલમોડલ ની હોમમેકર તરીકે ગણતી પાસપડોસની મહિલાઓ જેને તે ગોસિપ કવીન્સ ગણતી, પોતે ટેક્નોલોજીકલી અપડેટ હોવાથી થોડા મુઠ્ઠી ઉંચેરા હોવાનું માન અને અભિમાન હતું તે જ કદાચ નડી રહ્યું હતું . પોતાના કુટુંબના સમય સાચવતા એ ભળી ના શકી , થોડું મૂરખ જેવું જીવી ના શકી , પોતાનું હૈયું ઠાલવવાનો અને મનની ઝીણી ઝીણી ગુંચો ઉકેલનાર સાથી ના શોધી શકી એનો વસવસો થયો . પણ એને સંતોષ હતો કે એના સંઘર્ષો માં છેવટે એ વિજયી રહી .

ધીરે ધીરે એ મૌન બની ગયી . પોતાની શારીરિક તકલીફો કહેવાનું છોડી દીધું . થોડી તકલીફ હતી તો એકલી જ ડોક્ટર પાસે ગયી ત્યારે ડોકટરે સોનોગ્રાફી કરાવવા કહ્યું . તે ચેક અપ માટે સૂતી અને ડોક્ટર બીજા પેશન્ટ ને તપાસતા હતા ત્યારે એ સુતા સુતા જોર થી ધ્રુસકે ધ્રુસકે રડી પડી . થોડી વારે આંસુ લૂછી લીધા . સિસ્ટરે તેને આંસુ લુછવા રૂ આપ્યું . રિપોર્ટ નીલ આવ્યો .

તે કોઈને કહી ના શકી કે એને અણધાર્યા ચક્કર આવતા હતા .

અને એક દિવસ ……..

બપોરે રોજ ની જેમ એના પતિ ઘેર જમવા આવ્યા . રોજ ખખડાવ્યા વગર બારણું ખોલતી રિકતાએ બહુ ખખડાવ્યા છતાંય બારણું ના ખોલ્યું . છેવટે બારણું તોડીને પાડોશીઓ સાથે ઘરમાં પતિએ પ્રવેશ કર્યો તો રિકતા નો દેહ પ્રાણ વગર રિક્ત થઈ ગયો હતો ….

અલવિદા …

અનાથ

જાહેર અને અંગત વચ્ચેની ભેદરેખા ભૂંસાતી જાય છે ત્યારે શું કોને કેટલું કહેવું એ સોશિઅલ મીડિયા ના નશામાં ચકચૂર લોકોને ખબર પડતી જ નથી . જાહેર કર્યા પછીની લાઇક્સ ના માપદંડ પર પોતાની ખુશીઓની માપતોલ ની પ્રથા ખુશી ની સમજમાં ક્યારેય નહોતી આવતી .

ખુશીની અંદર બહુ મોટી ઉથલપાથલ મચેલી હતી . ઉપરથી સાવ શાંત ખુશીની અંદર લાવા ધધકતો હતો . બધી દિકરીઓનું પિયર પોતીકું હોય અને પ્રેમ પણ . આ ખુશીના નસીબમાં નહોતું . ધૃતરાષ્ટ્ર નો પુત્રપ્રેમ કેવો હોઈ શકે તે તેનું કોમળ મન નાનપણથી અનુભવતું . જ્યારે ભાઈ અને બહેન વચ્ચે કોઈ વિકલ્પ હોય ત્યારે ભાઈ માટે જતું કરવું એ વાક્ય એના કુમળા માનસ પર બાળપણથી ખોદી નાખવામાં આવેલી હકીકત હતી .

સાસરે ગયા બાદ પોતાની મૂંઝવણ માં બાપ ને કહેતી તો ઠાલા આશ્વાસન જ મળતા તેથી એણે કહેવાનું બંદ કરી દીધું .ભાઈ ભાભી ના વર્તનમાં થતા ઝીણા ઝીણા અપમાન તે ઘરડા માં બાપ નું દિલ ના દુભાય એટલે મૌન રહી સહન કરી લેતી . હવે તો ભત્રીજો પણ તેમના જવા ને કોઈ નિરાશ્રિત આવ્યા હોય એમ નોંધ પણ ન લેતો .

આ બધા નું કારણ એટલું જ જે ખુશીની સીધી સાદી રહેણીકરણી . પૈસાની ભીષણ તંગી વચ્ચે ક્યારેય હાથ ન લાંબો કરવાની વૃત્તિ . પતિ બધું જ જાણે .

એક દિવસ નીરવ (ખુશી નો પતિ ) ખુશીના પિયરીયા સામે વિદ્રોહ કરી બેઠો . પોતાની નિર્દોષ પત્નીના અપમાન તેનાથી સહન ન થયા. ખુશીએ આંસુ સાથે બધી વિગતો જણાવી તો પણ પિતાને પોતાના પુત્ર અને પુત્રવધુનો કોઈ વાંક ના દેખાયો પણ ખુશી ને મોટું મન રાખી આવતા જતા રહેવા કહ્યું . ज़ुकने से रिश्ते मजबूत होते है तो ज़ुक जाओ पर हर बार आपको ही जुकना पड़े तो रुक जाओ ।

આ ન્યાયે ખુશીના પગલાં રોકાઈ ગયા . દિવાળીના સપરમાં દિવસે હેપ્પી દિવાળી કહેવાને બદલે ભાઈએ કહેલા એ શબ્દો : આપણે હવે સંબંધો પુરા કરીએ . પપ્પા એ શબ્દોને મોટું મન રાખી જતા કરવા કહેતા હતા .

ખુશીએ આ વાત પતિને કહી નહોતી પણ એ સમજી ચુકી હતી ક્યારેક પતિ પણ કવચ બની પત્નીની રક્ષા કરે છે અને માં બાપની હયાતી માં પણ અનાથ બનતા બચાવી લે છે .

મહાનતાનો ભાર : 2

તો આપણે વાત કરતા હતા આત્મહત્યા કેમ ? એક જ કારણ પોતાની જાત પાસે અથવા બીજા પાસે રાખેલી તીવ્રતમ અપેક્ષા નું પૂર્ણ ના થવું , નિષ્ફળતા મળવી , આઘાત લાગવો . આમાં કોઈકે આપણી પાસે રાખેલ અપેક્ષાનો પણ સમાવેશ થયેલો છે .

સવાલમાં જ જવાબ છે સમજીએ તો પણ આપણને ત્યારે સમજાય છે જ્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે . દરેક વ્યક્તિએ મનને કેળવવું જોઈએ . મારી ઘણી પોસ્ટમાં લખ્યું જ છે કે પહેલા પોતાની ક્ષમતાઓ અને અક્ષમતાઓ ને સમજી લો અને એને અનુકૂળ કાર્ય કરો .

આપણે મનુષ્ય બીજા પર પોતાના વિચારો લાદીએ છે .

આ સિવાય પણ જેના પર આપણી માનસિકતા પર અત્યંત ભાર રહે છે : લોકો શું કહેશે ?? લોકો તો જીત પર કહેશે અને હાર પર પણ કહેશે . આપણે બીજાની વાત હોય તો નિંદારસ ભરપૂર માણીએ છીએ પણ પોતા પર વીતે ત્યારે એ જ કારણે સૌથી પહેલા ડરીએ છીએ કે હવે આપણી કેવી ફીરકી લેવાશે ??!! આપણને જીવન માં શું વસ્તુ કોઈને કહેવાય અને કઈ ના કહેવાય એ વિશે સભાનતા હોતી નથી . કોઈની ભૂલ હોય તો ઢોલનગારા વગાડી ને કહીએ પણ કોઈનું સારું કામ હોય તો વખાણ કરવાનું સૌજન્ય નહીંવત હોય છે . સ્વાર્થ હોય ત્યારે ખોટા વખાણ કરીને કામ કઢાવવા ઈચ્છા રાખીએ છીએ .

ભૂલને એકાંતમાં સમજાવવી અને સાચા વખાણ જાહેર માં કરી પ્રોત્સાહિત કરવા એ સાચી રીત અપનાવીએ તો નાની વયે થતા આપઘાત નું પ્રમાણ ઘણે અંશે ઘટી જાય .

બીજું આપણે આપણા જીવનનો દોર બીજી વ્યક્તિઓને સોંપી દઈને એને ખુશ રાખવામાં પ્રયત્નરત રહીએ છીએ પણ બીજાને નાખુશ કરીને પોતાની જાતને ખુશ કરવાનું સાહસ આપણાં માં ભાગ્યે જ હોય છે . આપણું સુખ બીજા જેટલું પ્રાપ્ત કરવાની સરખામણી પર અવલંબે છે ના કે પોતાની ક્ષમતા અનુસાર મેળવવા પર . મોટા ભાગની સમસ્યાઓ નું કારણ આ જ હોય છે .

આપણે વિકલ્પો વિશે માત્ર પરીક્ષાના એમ.સી.ક્યુ. પછી જીવનમાં એનો ઉપયોગ કરી શકવાની શક્યતા વિચારતા જ નથી. ઉદાહરણ તરીકે જો આ વિદ્યાશાખામાં એડમિશન ના મળે તો બીજા અને ત્રીજા વિકલ્પો તૈયાર રાખવા અને એ વિચાર માંથી બહાર આવવું જરૂરી છે જે અમુક શાળા, કોલેજ કે વિદ્યાશાખા માં ભણતર નું જ વજન પડે . કોઈ પણ ભણનાર માં જ જો ક્ષમતા ના હોય તો દુનિયા ની મોંઘાંમાં મોંઘી યુનિવર્સીટી કંઈ જ ન કરી શકે .વ્યક્તિમાં જ તિખારો હોવો ઘટે .

મોટા પગારની નોકરી ની રાહમાં બેસી રહેવા કરતા થોડા ઓછા પગારની નોકરી કરી લેવામાં કોઈ નાનમ નથી . અનુભવ તો વધે છે અને કાર્ય કરવાની આવડત કેળવાય છે . ઉદ્યમી વ્યક્તિ ક્યારેય હતાશ નથી થતો.

માનવીય વિચારવિમર્શ અને સામસામે ની વાતચીત હતાશા માંથી આત્મહત્યા તરફ જતા માર્ગ ને બંદ કરવામાં મદદરૂપ થાય છે . જન્મ મરણ ની જેમ આવા નિરાશાજનક વિકલ્પના વિચારનું આયુષ્ય પણ એક ક્ષણ નું હોય છે . એ જગ્યા છોડી એકાંત છોડી ખૂબ ભીડ વાળી જગ્યાએ જઈને ત્યાંની ગતિવિધિઓમાં મન પરોવો . રાત્રી નો સમય હોય તો સંગીત સાંભળી લો . આકાશને કુદરતને નિહાળવાની નિયમિત ટેવ પાડો .બીજા પરનું અવલંબન શારીરિક , સંવેદનાત્મક કે માનસિક ઓછું રાખો . પોતાની જાત જેવી છે તેવી પણ એના પર વિશ્વાસ રાખો .

આનાથી બૂરું શું થઈ શક્યું હોત ?? હજી શ્વાસ ચાલુ છે તો રસ્તો નીકળી જશે એમ કોઈ પણ નાની કે મોટી નિષ્ફળતા પછી વિચારશો તો જીવન હંમેશા ગમશે જ …

મહાનતા નો ભાર

બે ત્રણ દિવસ થી ફેસબુક પર ખૂબ પ્રખ્યાત બે વ્યક્તિઓની આત્મહત્યા વિશે ખૂબ ચર્ચા ચાલે છે જેમાંની એક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત છે . જેને આમ આદમી જીવનની સંપૂર્ણતા માટેનો આદર્શ માનતી હોય તે આત્મહત્યા કરે અને એ પણ ગુમનામીના અંધારામાં નહીં પણ ખ્યાતિના સૂર્ય વચ્ચે . શું કારણ હોઈ શકે ???

તમારા જીવનમાં નાનપણ થી આજદિન સુધી એવી વ્યક્તિ કે જૂજ વ્યક્તિઓ જરૂર હશે જે તમારી સમસ્યા ના સરળ હલ બતાવતા હશે . ચાહે એ ગણિતનો સરળ દાખલો હોય કે ચાહે જીવનના આંટીઘૂંટી વાળી સમસ્યા હોય !!! એ વ્યક્તિ એક પણ હોય કે દરેક તબક્કે જુદી જુદી પણ હોય . કોઈક એવું જેના જેવું જીવન પોતાનું હોય એવું દરેક ઈચ્છા રાખે . અહીં ભૌતિક સુખો ઉપરાંત ની વાત છે .

બસ અહીં થોભીને જરા વિચારો કે આ વ્યક્તિ કે વ્યક્તિઓને પણ પોતાની સમસ્યાઓ તો આવતી જ હશે ને ??!! એને પણ દુઃખ તો આવતા જ હશે ને ??!! ત્યારે એ વ્યક્તિ કોની પાસે જતી હશે ?? કોની પાસે માર્ગદર્શન લેતી હશે ??એ જેની મદદ લેતી હશે તે કેટલી વિદ્વાન હશે ???

વાત તો સાચી કે એક વ્યક્તિ નું જીવન સમસ્યાવિહોણું તો નહીં જ હોય . કદાચ એ વ્યક્તિ પોતાને સૂઝે એ રસ્તે સમાધાન શોધે છે કે પછી કોઈની મદદ પણ લે જ્યાં જરૂર હોય . પોતાની ભૂલો માંથી જ રસ્તો શોધે કે કોઈ પુસ્તક કે વાંચન પણ મદદરૂપ થાય . પણ સૌથી મહત્વ ની વાત એ છે કે સમસ્યાના સમાધાન કાયમ ખૂબ વિદ્વાનો પાસેથી જ મળે એ જરૂરી નથી . કોઈ વાર તે સાવ સામાન્ય માણસ પણ સુઝાડી શકે અને ત્યારે પોતાનું જ્ઞાન અહંકાર નું કારણ ના બનવું જોઈએ .

અને કશું શક્ય ન બને તો બધું સમય પર છોડી દે અને સમય જ રસ્તો બતાવી દે . પણ આ બધા માટે જરૂરી છે ધીરજ જે આજની ગુગલીસ્તાન પેઢી પાસે નથી . એવરેસ્ટ પર સૌ પહેલા પગ મુકનાર માટે રસ્તો તૈયાર નહોતો પણ એને બનાવવો પડ્યો હશે .

આવી વ્યક્તિ પાસે ઘણા માર્ગદર્શન મેળવવા આવે , તમારી સમસ્યા એક હોય પણ એની પાસે સમસ્યાઓ અઢળક થઈ જાય . એની પાસે તમારું દુઃખ ઠાલવી તમે હળવા બની જાવ એમ એનો બોજ કેટલો હોય ??!! એ કોની આગળ ઠાલવે ?? પોતાને સ્પર્શતી ના હોય પણ આવી અનેક સમસ્યાઓ જ એના ઢગલામાંથી ઉકેલ શોધી નાખવાની આવડત કેળવાય છે . સમસ્યાનું સમાધાન મળતા દરેક વ્યક્તિ પોતાના રસ્તે પાછી જતી રહે અને એ એકલો . આવી એકલતા એના જીવન માં આવતી જ રહે છે . તે બીજા ની સમસ્યા ના ઉકેલ બતાવી શકે છે પણ પોતાની સમસ્યાનો ઉકેલ શોધવામાં ક્યારેક નિષ્ફળ જાય છે કેમ કે એમાં એના અંગત સ્વજનોનો પણ સમાવેશ થયેલો હોય છે . સાચી વાત છે જ્યાં અંગતની વાત હોય ત્યાં એ જાહેર ના કરવાની તકેદારી રાખતી વખતે એક વિચાર એ પણ હોય કે લોકોમાં તેની વિશ્વસનીયતા ખંડિત ના થાય એ જોવું પડે . લોકો શું કહેશે એ ભય એને પણ હોય અને કદાચ આપણા કરતા વધારે હોય .અંગતને નારાજ કરવા ના માંગે . લોકો એવું માને કે આટલા મોટા માણસ ને આપણી સલાહ શું કામની???

આમ બધી જગ્યાએથી પીડતી એકલતા એને આત્મહત્યા કરવા મજબૂર કરે અને આપણે પેપરમાં જાહેરાત આપી ભવ્ય બેસણું કરી લેખ લખી શ્રદ્ધાંજલિ આપી આગળ વધીએ . આના સમાધાનો વિશે આવતી પોસ્ટ સુધી રાહ જોશો????

આશા છે આપણું જીવન ત્યાં સુધી હશે …