પિયર

આપણે ઋતુ ને મળ્યા . ઋતુની જેમ જ વત્તે ઓછે આપણી પણ મનોભાવના ની છાંટ દેખાતી હોય છે .

દીકરી એવું વિચારે કે ભાભી માં બાપ ને દુઃખી જ કરે . ભાઈ પણ ભાભી ને ઈશારે નાચે . માં બાપની દશા દયનીય હોય અને પોતે તેમનો માનસિક આશરો હોય વગેરે વગેરે .

પણ પોતાની સાસરી માં પોતે ભાભી ની જગ્યાએ હોય છે ત્યાંથી બેઉ ત્રાજવે ભાગ્યે જ કલ્પના થાય છે .

જો સંતાન તરીકે દીકરીને સમોવડી નથી રાખી અને સાસરે ગયા પછી તેના પર લાગણી નો વરસાદ કરીએ તે થોડું અજુગતું નથી લાગતું ?? જ્યારે તમારી પાસે હોય ત્યારે મન ભરીને પ્રેમ આપો તો એ સૌને પ્રેમ કરી શકે . પણ અહીં સાસુ નણંદ અને ભાભી વચ્ચે અંતર રાખે તો એ અર્ધચેતન મગજ માં જડાઈ જાય છે . ઉલટાનું પિયરનો પ્રેમ એની સાસરીમાં મૂળ મજબૂત થવામાં અંતરાય બને છે .

પણ આજે એક દીકરીના મનોજગત ની વાત કરીએ જ્યારે તે ચાલીસી વટાવી જાય છે . હવે તે પોતાની ગૃહસ્થીમાં ઠરીઠામ હોય સંતાન અને પતિ પ્રત્યેની જવાબદારી માંથી થોડી મોકળી થઈ હોય . એનો મેનોપોઝ નો સમય હોય ત્યારે એ માસિક ની સમસ્યા થી પણ મુક્ત હોય .એ વખતે એ પિયરમાં કૈક જુદી રીતે જાય છે . ભૂતકાળને તાજો કરવા સાથે નવી પેઢી સાથે થોડું જોડાવા . તેની જરૂરત હવે ફરવું હરવું , હોટલ , નાટક સિનેમા ને બદલે નિરાંતની વાતચીત હોય છે . એ પોતાનું બાળપણ શોધે છે .પોતાનું આ ઘરમાં સ્થાન, ખૂણો શોધે છે . પણ નથી મળી શકતા . નાનપણ માં એને સમાધાન કરવું પડતું અને અત્યારે મન મનાવી લેવું પડે છે . પોતાના ઓરડા અને કબાટ ને પોતે જાતે ખોલી નથી શકતી . કદાચ એનું સ્થાન બીજા મહેમાન જેવું જ છે . એને પોતાની સગવડ નહીં પણ ત્યાં પણ કોઈને અગવડ ના પડે એ વિચારવું પડે છે .એમના ટાઇમટેબલ માં સેટ થવું પડે છે . માં બાપ પણ પોતાની ફરિયાદ દીકરીને કરે ત્યારે હળવું થવા આવેલું મન ભારે થવા માંડે છે . ત્રીજા ચોથા દિવસે એને પોતાનું ઘર યાદ આવી જાય છે . કોઈ દીકરીને 40+વર્ષોમાં એના પિયરથી બાળપણ નું એનું કોઈ સચવાયેલું રમકડું કે પુસ્તક કે કોઈ એવી વસ્તુ નથી અપાતી જેની સાથે એક કાળે એ જોડાયેલી રહેતી . કદાચ એના લગ્ન કરીને વિદાય થયા પછી પહેલી દિવાળી વખતે એની સ્મૃતિઓ ને પણ ભંગાર પસ્તી માં આપી દેવાય છે . એને ખરેખર પારકી કરી દેવાય . બીજા જ દિવસ થી એનું ગાદલું પલંગ, ઓશીકું , કબાટ ની માલિકી બદલાઈ જાય છે .

ખાલી લાગે છે બધું . પોતાના ઘરની જવાબદારીઓમાં પણ આઝાદી મહેસુસ થાય છે .જ્યારે તમને એક દિવસ વધારે રોકાવા નો આગ્રહ બંધ થાય ત્યાર બાદ કામ વગર પિયર જવું નહીં .અને એ થાય જ છે જો આપણે સમજી શકીએ તો .

ઘણા વ્હોટ્સએપ આવે છે સ્ત્રીને પોતાનું જીવન ફરી શરૂ કરવા માટે તેનું કારણ આજ છે . એક સ્ત્રી માટે કોઈને ફુરસદ નથી હોતી . ફુરસદ કઢાય છે તો તેમના અનુકૂળ સમયે સ્ત્રીના સમયે નહીં .

તમે એક કામ કરશો ?? તમારે દીકરી હોય અને એના લગ્ન થાય ત્યારે એનો છૂપો સંગ્રહ કશે સાચવીને મૂકી દેજો . ઘરનો એક ખૂણો તેનો જ રાખજો અને એક ઓશીકું પણ . દીકરાને કહેજો કે દીકરીની 50મી વર્ષગાંઠે એ ગિફ્ટ એને આપે .

તમારી દીકરી કયારેય એકલું નહીં અનુભવે .

Advertisements

ઋતુ

ટ્રેન પ્લેટફોર્મ પર આવી . પોતાનો કોચ અને સીટ નંબર બીજી વાર ચેક કરી ઋતુ પોતાની જગ્યાએ બેસી ગયી . સાઈડ ની વિન્ડો સીટ હતી . થોડી વાર રહીને ટ્રેન ઉપડી . બારી બહાર જોવા લાગી . આજે પિયર અમદાવાદ થી મુંબઇ તે પોતાના ઘેર પાછી જઈ રહી હતી . મન સાવ સપાટ હતું . પિયરથી પાછા જવાનું કોઈ દુઃખ નહોતું .રાકેશે તેને બે વર્ષ પછી અઠવાડિયું રહેવાની રજા આપી હતી પણ તે ત્રીજે દિવસે સવારે જ પાછી જઈ રહી હતી . મોબાઈલ નું એક આ સુખ એને પહેલી વાર દેખાયું કે રાત્રે સૂતી વખતે ટિકીટ બુક કરી કાર્ડ થી પેમેન્ટ પતી ગયું . સવારે 11 ની ગાડી હતી . વહેલા ઉઠતા મમ્મી પપ્પાના રૂમમાં સવારે જઈ કહ્યું તો બેઉ માંથી કોઈ કશું ન બોલી શક્યું . બેઉ ની આંખો થોડી ભીનાશવાળી તો થઈ પણ પછી પૂછ્યું : જમીને જઈશ ??

ઋતુએ કહ્યું : ના ટ્રેનમાં બુક કરાવી દીધું . હું નવ વાગ્યે નિકળીશ .

નાસ્તાના ટેબલ પર પપ્પાએ ભાઈને કીધું તો ભાઈ એ કહ્યું : ઓફિસ જતા મૂકી જાઉં .

ઋતુએ ના પાડી . ઉબેરમાં ટેક્ષી બુક કરાવી દીધેલી . સમય થતા ટેક્ષી આવી અને ઔપચારિક આવજો કહી ઋતુ વિદાય થઈ .

લગ્નના 25 વર્ષ થઈ ગયા હતા .પણ ત્રણ ચાર વર્ષથી આવતી તો તેને પોતાનું પિયર અજાણ્યું લાગતું હતું . માં બાપ સિવાય કોઈને ખુશી નહોતી થતી . ભાઈ ના બાળકો પોતપોતાના રૂમમાં ભરાઈ રહેતા . ચેટિંગ માં વારંવાર આગ્રહ કરતા ભાભી રૂબરૂ બદલાઈ જતા .

પોતે અને ભાઈ મમ્મી પપ્પા અને દાદી બે રૂમ રસોડાના ઘરમાં મોટા થયેલા તોય ક્યારેય સંકડાશ નહોતી લાગતી પણ આ વખતે 2 માળ ના બંગલા માં મૂંઝારો થતો .

નીચેના માળે રહેતા પપ્પા ભાગ્યેજ ઉપર આવતા અને મમ્મી એકાદ આંટો મારીને નીચે જતા રહેતા .જોડે રહેતા તો ય જુદા જુદા હોય એમ લાગતું .

સાંજે પૃથા ભાઈની નાની દીકરી કોલેજથી આવી . ઉપરના માળેથી એના બરાડા અને ભાભીનો દબાયેલો અવાજ થોડી વાર સુધી આવ્યો . હું મમ્મી સાથે જમવા ઉપર ગયી . ત્યારે પૃથા એ સીધું જ મને કહ્યું : ફોઈ તમારે આવતા પહેલા પૂછવું તો જોઈએ ને કે તમારું આવવું અમને અનુકૂળ તો છે ને ?? મારી આવતીકાલે પરીક્ષા પુરી થાય છે અને પરમદિવસે અમારે મમ્મી સાથે મામાના ઘેરથી એમ પી ફરવાનો પ્રોગ્રામ છે . તમે આમ આવીને મૂડ બગાડી દીધો . ભાભી એને ઇશારાથી ચૂપ રહેવાનું કહી રહ્યા હતા ત્યારે પણ એ મોટે થી જ બોલી : હું કોઈ થી ડરતી નથી તે ચૂપ રહેવાનો ઈશારો કરે છે . One should know that when to come and if come then ask before coming. ભાઈ પણ કશું કહેવા માંગતો નહોતો .

ઋતુ કશું બોલ્યા વગર નીચે જતી રહી . એ પપ્પા પાસે ખૂબ રડી .

એણે પપ્પાને કીધું : તમે અને મમ્મી મારી સાથે રહેવા ચાલો . તમારી સાથે શું થતું હશે એ વિચારી શકું છું . પપ્પા મમ્મીના લાચાર ચહેરા જોયા નહોતા જતા .

ઋતુને ખ્યાલ આવી ગયો કે રાકેશ કેમ ઋતુને પિયર જવાની વાત કરતી તો બીજે કશે લઈ જતો .

રાત્રે ઋતુ જુના ઘર વિશે પપ્પા ને પૂછ્યું .પપ્પાએ આ ઘર બનાવવા ઘર અને ફ્લેટ બેઉ વેચી દીધેલા અને ઘર ભાઈના નામે લીધેલું .

મુંબઈ પહોંચીને ઋતુએ પહેલો ફોન દિશા ને જોડ્યો . એની વકીલ અને બહેનપણી. વિગત કહી .એણે કહ્યું એ ઘર તારા મમ્મી અને પપ્પાના નામે હતા તે દસ્તાવેજ ની અને પે મેન્ટ મળ્યા ના ચેક ની એન્ટ્રી ની પાસબુકની કોપી હોય તો મંગાવી લેવી પડશે .પહેલા નોટિસ મોકલું છું .

ચોથા દિવસે ધૂંવા ફુવા થતા ભાઈનો ફોન આવ્યો કે તારે કોઈ કમી નથી તો ય મિલકત માં ભાગ માંગે છે ???તું તો ક્ળજુગ ની દીકરી નીકળી . ખૂબ બોલ્યા ભાઈ ને ભાભી બંને .

કાયદો ઋતુના પક્ષે હતો . જુના ઘરને વેચે 7 વર્ષ થઈ ગયેલા . એ શહેરના મોખરાની જગ્યાએ હતું એટલે બજારભાવે એની આકારણી કરાવતા ઋતુ ને ભાગે 55 લાખ રૂપિયા આવ્યા . આ 6 મહિના માં આપી દેવા કોર્ટે જણાવ્યું . ભાઈને પોતાની ફિક્સ તોડવી પડી . અને લૉન માટે બે માળ ભાડે આપવા પડ્યા .

ભાઈ ભાભી બધું સમજી ચુક્યા હતા પણ હવે શું ?? ઋતુએ અમદાવાદ માં જ બીજું ઘર પપ્પા મમ્મીના નામે લીધું .તેમની બધી વ્યવસ્થા એણે કરી દીધી અને છેલ્લે એમને ત્યાં રહેવા મોકલી દીધા . મોટા થતા છોકરાઓના ખર્ચ માટે ભાઈ એ ઘર વેચવાનો નિર્ણય કર્યો ત્યારે ઋતુ ત્યાં જ હતી . ભાઈ ભાભીના તેવર નરમ હતા . ત્યારે ઋતુએ જ કહ્યું તમે બધા અહીં પપ્પા જોડે રહો અને તમારું ઘર કોઈ બેન્ક કે ઇન્સ્યોરન્સ વાળા ને આપી દો .

પપ્પા ને મમ્મી ઋતુ ને જોઈ રહ્યા . ઋતુએ આ વખતે ઘરના કાગળિયા તેમને આપ્યા હતા જેમાં પપ્પા અને મમ્મીના નામ નો દસ્તાવેજ થયેલો .

ઉફ્ફફ આ ગરમી

અત્યારે બહાર 46℃ તાપમાન છે અને હું 25℃ એ સી તાપમાનમાં બેસીને મોબાઈલ પર હવામાન રિપોર્ટ આપી રહી છું .અત્યારે લગભગ 4.30 સાંજ નો સમય નજીક છે ત્યારે લાગ્યું હા આ તો આપણી પ્રગતિની માર્કશીટ જ છે ને ??!!

આપણને ઓછા ટકા ખપતા નથી એટલે 36℃ વાળો ઉનાળો તો આપણને ઓછા સ્ટેટસ વાળો જ લાગે ને .અરે હવે તો ઝુંપડપટ્ટી માં પણ સેકન્ડ હેન્ડ એ સી અને વીજળી કમ્પની ની નજીકથી પસાર થતી લાઈન માંથી ખેંચેલા કનેક્શનથી ચાલતાં ફ્રીઝમાં મને પ્રગતિ જ દેખાય છે .

સાંજે શાક લેવા જઈએ ત્યારે એક સ્માર્ટફોન પર લટકીને યુ ટ્યુબ પર “કંઈક” જોતા થયા એ આપણી પ્રગતિ . ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી હેલ્મેટ વગર સ્કૂટર બાઈક ચલાવવી એટલે આપણી પ્રગતિ , સિગ્નલ તોડી ચાલવું એટલે લેટેસ્ટ ફેશન , સ્કૂલ અને કોલેજ માં ભણવાને બદલે ભીંસાઈ ને કોચિંગ ક્લાસમાં વધારે ફી ભરીને માં બાપના બજેટ બગાડી ને ભણવું એટલે આપણી પ્રગતિ …પોતાનો જૂનો મોબાઈલ પપ્પા કે મમ્મીને આપી લેટેસ્ટ મોબાઈલ પોતે વાપરવો એટલે આપણી પ્રગતિ .

રાત દિવસ મોબાઈલના મહાસાગરમાં ડૂબીને ફેસબુક વોટ્સએપ માં ચેટિંગ કરી માર્કશીટ માં આ વાત થઈ અજાણ મા બાપની અપેક્ષાઓ જે કંઈક વધારે અને બીજાઓ પ્રેરિત હોય ને ગળે ટૂંપો દેવો એટલે આપણી પ્રગતિ .

આપણી પ્રગતિ એટલે પોતાની ઇચ્છાઓ અને રસ મુજબ નહીં પણ પગારના પેકેટ પ્રમાણેનું ભણવું ( પપ્પાના પૈસે) , ફોરેન ભણવાને બહાને જઈને કાયમી વસવાટ કરીને માં બાપને આપણા બાળકોના કેરટેકરનું પ્રમોશન આપી ડોલર માટે દોડ્યા કરવું . એક છત નીચે પતિપત્ની સાથે રહીને બાળકોને ઉછેરે એતો આઉટ ડેટેડ વાત છે . પતિ ઇંગ્લેન્ડ અને પત્ની વિદેશી ટુર વાળી લાખોના પેકેજ વાળી જોબમાં . બાળક કુદરતી નહીં પણ પ્લાન્ડ .અને પછી જીવન માં એક નાનકડો ઝટકો લાગે એટલે આત્મહત્યા .આ બધી આપણી પ્રગતિ ..

પ્રશ્ન આપણો અને જવાબ પણ આપણી પાસે તો ય આપણને વહાલી આપણી પ્રગતિ ….

આપણી પ્રગતિ??

હા આજે કંઈક રસ્તો શોધવાની કોશિશ .

સૌથી પહેલી વાત આજકાલ યુટ્યુબ પર સામાજિક જીવનમાં સુધારા લક્ષી અને પ્રેરણાદાયક ઘણા વ્યાખ્યાન આવે છે . વ્હોટ્સએપ પર એની લિંક આવે .સાંભળું ત્યારે થાય કે હા આ તો આપણી જ વાત . ભૂલો પણ સાચી લાગે પણ એ સમસ્યાના હલ સચોટ ના લાગે .કેમ ??

જયારે આપણે કોઈ સમસ્યા નાની કે મોટી સામનો કરીએ છીએ ત્યારે આપણને આવા પ્રેરણાત્મક પ્રવચન, સુવાક્યો કે પુસ્તકો ક્યારેય યાદ આવતા નથી . આપણી સમસ્યાનો સાચો કે સામાન્ય ઉકેલ વહેલો કે મોડો મેળવવા સિવાય કોઈ લક્ષ્ય નથી હોતું .એટલે દરેક સમસ્યા ભલે એકસરખી દેખાતી હોય પણ વ્યક્તિએ વ્યક્તિએ એ જુદી જ હોય અને એના સમાધાન પણ જુદા જુદા હોય છે . બે વિદ્યાર્થીઓ બી એસ સી ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે . એક બીજા વર્ગમાં બારમું ધોરણ પાસ થયો છે અને બીજો 1 માર્કથી એન્જીનીયરીંગ માં પ્રવેશ ચુક્યો છે . એટલે એક જ વાત બે વ્યક્તિ માટે સરખી નથી હોતી . એક મહિના પછી બીજા વિદ્યાર્થીને બીજા રાજ્યના શહેરમાં એડમિશન મળે છે અને એ જતો રહે છે . બીજા વર્ગ વાળા વિદ્યાર્થીને પરીક્ષા ના 1 મહિના પહેલા એક્સિડન્ટ થયેલો .એનાથી તૈયારી નહોતી થઈ . પરીક્ષા આપતી વખતે તે બરાબર બેસી નહોતો શકતો પણ પરીક્ષા આપી . તે રસાયણવિજ્ઞાન માં ગોલ્ડમેડલ મેળવી અમેરિકાની યુનિવર્સીટીમાં રિસર્ચ કરી ભારત પાછો આવે છે અને પેલો એન્જીનીયરીંગ વાળો વિદ્યાર્થી 3.5 લાખના પેકેજ પર નોકરી શરૂ કરે છે .

બસ જીવનની વાત કંઈક આવી જ છે . સંજોગો માણસને ઘડે છે , સપના સાથે એની મહેનત કરે એ મંઝિલ મેળવે .

અહીં વ્યક્તિનો આત્મવિશ્વાસ કામ આવે બીજું કશું નહીં . બેઉ જણે પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું છે એટલે દેખીતી રીતે ભલે બીજો વિદ્યાર્થી સફળ લાગે પણ એવું નથી . બેઉ સફળ જ છે પણ આપણી સરખામણી કરવાની આદત ફરક સર્જે છે . આભાસી ફરક અને એને આપણે સફળતાનો માપદંડ સમજીએ છે .

તો પહેલો નિયમ : પોતાના સંજોગો પ્રમાણે સમાધાન શોધો કોઈ બીજાનું ઉદાહરણ જોઈને નહીં .

બીજી વાત આવતી પોસ્ટમાં .

આપણા ભણતરના બીજા ઉપયોગ

હા હું ભૂલી નહોતી પણ પછી ભૂલી ના જવાય એટલે બે પોસ્ટ મૂકી દીધી .

સ્ટાર્ટ અપ પુરુષો જ શા માટે સ્ત્રીઓ એ જ કામ કરી શકે છે . બે ત્રણ યુવતીઓ જે એક જ ફિલ્ડ માં હોય તે કામ કેમ ના કરી શકે પોતાના અનુકૂળ સમયે . તમારે ભલે વિદ્યાર્થી તરીકે ભણવાનું હોય પણ આગળ જતાં પોતાના સંતાનની માનસિક આદતો સમજવા માટે ચાઈલ્ડ સાયકોલોજીના વેબ પેજ જોવા જરૂરી નથી . એને જોતા જ ખ્યાલ આવી જાય .

એક વસ્તુ યાદ રાખો બાળકને સારી વસ્તુ કરતા ખરાબ વસ્તુ ઝડપથી યાદ રહે છે .આપણે એ ખરાબ છે એમ કહી અટકીએ છીએ પણ એ કેમ ખરાબ છે એ સમજ આપવાનું ચુકી જઈએ છીએ .કારણ અને યોગ્ય ઉદાહરણ આપવાની આપણી પોતાની સમજ પણ ટૂંકી પડે છે .

મારા જીવનનું એક ઉદાહરણ આપું .મારી દીકરી નાની હતી ત્યારે અતિશય ચંચળ . એને વાંચવા જુદા ખૂણા ના ઓરડામાં બેસાડું તો બારી માંથી સામે રહેતા દીદી સાથે વાતો કરે . કોઈક નાના બાળકને બુમો પાડી રમાડે . રેડીઓ અને ટી વી છૂટે નહીં .ગણિતથી બીક લાગે એટલે અડે નહીં . આ બધી વાતો નોકરી કરતી વખતે મારા ધ્યાન પર ભાગ્યે જ આવેલી એટલે વિચારેલું પણ નહીં .

હવે દિવસે એને સ્કૂલ ની પ્રવૃત્તિ , શાળાનું ગૃહકાર્ય વગેરે કરાવું . આઠ વાગ્યે સુઈ જવાનું . ઘરમાં ચેનલ નહીં ખાલી દૂરદર્શન . રાત્રે સાડા બારે ઉઠાડીને વાંચવા બેસાડું . ટી વી રેડીઓ , પાડોશી કશું નહીં મળે . એને સમજાવું કે તું આખો દિવસ થાકીને વાંચવા બેસે તો તને કંટાળો આવે જ . એટલે તું થોડું સુઈ જાય અને ઉઠીને વાંચે તો ચાર કલાકનું વાંચન અઢી થી ત્રણ કલાક માં પતે અને યાદ પણ ઝડપથી રહે . એને સમજાયું એટલે એણે અપનાવ્યું અને સફળ પણ રહ્યું . તેને ભરપેટ જમવાનું નાસ્તો અને આઠ કલાક ઊંઘનું બરાબર ધ્યાન રાખ્યું અને રેસનો ઘોડો બનાવવાને બદલે જીવનની ઘણી રસપ્રદ વસ્તુઓ એને ભણતર સાથે શીખવી . ભરત, જવેલરી બનાવવી, સારા પુસ્તકોનું વાંચન કરવા લાઈબ્રેરીની દોસ્તી પણ .

સૌથી અગત્યની વાત તો એને ભરપૂર સમય આપ્યો , કોઈ બહાના વગર. બાળકો બહેકવાની ઉંમર સામાન્ય રીતે 11 કે 12 ધોરણ થી થતી હોય છે કેમ કે હવે સમય બચાવવા પપ્પા કે મમ્મી એ લૉન લઈને એમને પોતાનું વાહન આપી દીધું હોય છે . અને ભણવા ના સમય દરમ્યાન જ બીજી ઇતર પ્રવૃત્તિ વિશે માં બાપને જલ્દી ખ્યાલ નથી આવી શકતો . મોબાઈલમાં તમે થિયેટરમાં બેસી કહી શકો છો કે તમે બીજે છો .

આ બાબતને મેં બે વર્ષ નોંધેલી . એક બહેન નોકરી કરે . એની દીકરી બાજુની સ્કૂલમાં ભણે .પહેલા રિસેસમાં છોકરીઓ સાથે આવતી અને બારમા ધોરણમાં છોકરાઓ રિસેસમાં આવે .થોડી ધમાલ કરે નિર્દોષ જ .પણ મારી દીકરીને કેટલાક સવાલ થાય . એ બધી ગૂંચવણ ના સચોટ જવાબ આપતી . એને કોલેજ સુધી એના પપ્પા મુકવા જાય અને હું લેવા . કલાસ માં પણ .એને સ્ફુટી ના આવડે , બધા ટોકે , મજાક કરે પણ એને રુચિ નહોતી .એને અમે ફોર્સ ના કર્યો . એની સ્કૂલ અને કોલેજમાં સાથે ભણતી છોકરીઓ એને કાયમ કહેતી : તને તારા મમ્મીપપ્પા કેટલો સમય આપે છે તને લેવા મુકવા પણ આવે છે . અમારા ઘેર તો અમારા માટે કોઈને સમય જ નથી . સ્ફુટી અપાવી એટલે જવાબદારી પુરી .

એક મેસેજ જતો જ કે આ છોકરીના મા કે બાપ જોડે હોય છે , પટાવી નહીં શકાય . અને દીકરીને સમય પ્રમાણે વિગતવાર સમજ આપેલી . પેલું બારોબાર રખડવાની એક બારી બંદ હતી .

જીવનમાં જે સમય ભણવાનો છે તે પૂરો થાય , પછી પગભર થઈને અને લગ્ન પછી તમામ મોજશોખ પુરા કરી શકશો પણ ભણી નહીં શકો એટલે અત્યારે જેટલું ભણવું હોય એટલું ભણી લો .

આ બધું જોવા અને સમજવામાં ભણતર નો બહુ મોટો ફાળો છે જો સમજી શકાય તો . એક ભણેલી સ્ત્રી પોતાના ઘરને પ્રાઇવેટ કમ્પની તરીકે ચીફ એકજેક્યુટિવ તરીકે સફળ બનાવે અને તેના સભ્યો એક આદર્શ સમાજની આપોઆપ રચના કરી શકે .

વિચારજો .આજે સમાચાર પત્ર ની ખબરો પાછળ ક્યાંક આપણી પૈસાની ઘેલછા તો કામ નથી કરતી ને ??!!!આપણે પૂછીએ નહીં તોય બાળક આપણને એની જાતે જ એના દિવસ ની ભણતર સિવાયની વાતો પણ દિલ ખોલીને કહી શકે એ વાતાવરણ આપવું અને એના માટે પૂરતો સમય આપવો જરૂરી બન્યો છે .

એવું ના વિચારો કે કમાણી કરનાર નું મહત્વ નથી પણ એ કમાણી નું યોગ્ય વાવેતર કરનાર નું પણ એટલું જ મહત્વ છે . સાંજે સૂતી વખતે દિલ પર ભાર નહિ હળવાશ હશે – અનુભવથી કહું છું .

ફિલ્મ રેવા

આજે રવિવાર છે અને ત્રણ અઠવાડિયાથી આ ફિલ્મ જોવા જવાનો મેળ પડતો નહોતો . આજે સવાર ના શો માં બસ તૈયાર થઈને નીકળી ગયા . આખું કુટુંબ .

આમ તો એવું સાંભળેલું કે નર્મદા પ્રદક્ષિણા પર આ ફિલ્મ છે . તત્વમસી પુસ્તક વિશે કોઈ જાણકારી પણ નહીં .પણ એટલું ખબર કે ત્રીજા અઠવાડિયે આ ફિલ્મ માં સ્ક્રીન ઘટાડવાને બદલે વધારવામાં આવ્યા .

ફિલ્મના વિચારોમાંથી હજી બહાર નથી આવી શકી . ચલ મન જીતવા જઈએ એ ઉત્તમ ગુજરાતી ફિલ્મ છે પણ રેવા વિશે કશું પણ કહેવું અશક્ય છે .એ માનવ માનવ ની અનુભૂતિ પર આધારિત રહેશે . ફિલ્મનું હાર્દ કદાચ જોનાર દરેક દર્શક માટે જુદું હશે . આ ફિલ્મ મનોરંજક નથી પણ હું એને આયનો કહીશ જેમાં આપણી વિચારસૃષ્ટિ નું પ્રતિબિંબ જોવા મળે છે . આ ફિલ્મમાં પ્રવાસ છે . નર્મદા પરિક્રમા છે પણ ખરેખર તો એ પ્રવાસ ખુદ આપણા ભીતર નો છે .

અહીં આપણા સમાજને એક સમગ્રતયા રજૂ કરવાની કોશિશ છે . આપણે ફક્ત એક પરિસ્થિતિમાં જીવતા નથી પણ એ પરિસ્થિતિ દેખીતી રીતે ભલે અલગ હોય પણ એના તાણાવાણા આપણા જીવનની પ્રત્યેક ક્ષણ સાથે જોડાયેલા હોય છે .

આપણે ફિલ્મમાં ભારેખમ બની ડૂબતા જઈએ છીએ . આ ફિલ્મ આધ્યાત્મિક કે ધાર્મિકતાના વાડા થી ખૂબ ઉપર છે જે સાવ પછાત છતાંય સરળ લોકો ના જીવન સાથે જોડાયેલી છે . ફિલ્મ નું ટ્રેલર યુટ્યુબ પર જુઓ તોય એને જોવા થી એક આપણા ખુદના અલગ આંતરિક વ્યક્તિત્વનો પરિચય થશે .આ ફિલ્મ દેખાદેખીથી જોવા જેવી નથી અને ફિલ્મ જોયા પછી ચર્ચા પણ નહીં કરી શકીએ એવી અંતરમન ની યાત્રા છે . એક વ્યક્તિત્વમાં પળે પળે આવતું પરિવર્તન પૂર્વગ્રહો તોડીને એક નવા વ્યક્તિનું સર્જન કરતું જ રહે છે જેનાથી આપણે અજાણ રહીએ છીએ .

આ ફિલ્મ કોઈ પણ જાતના રેટિંગ થી ઉપર છે . એ નર્મદાની જેમ વહે છે અને આપણે ખુદની સમજ પ્રમાણે સપાટી પર વહીએ છીએ કે ડૂબકી મારીએ છે કે ડૂબી જઈએ છે .આ બધું આપણી આંતરિક સમજ પર આધારિત છે .

ફિલ્મનો એક સંવાદ સ્પર્શી ગયા : ધર્મમાં શ્રદ્ધા નહિ હોય તો ચાલશે પણ શ્રદ્ધા હોવી જોઈએ .

લાઈફ સ્ટાઈલની આડઅસર

આપણે આધુનિક જીવનમાં ગતિ સાથેની પ્રગતિ અને આરોગ્યની અધોગતિ થી આપણે સૌ વાકેફ છીએ અને પ્રગતિ સાથે ફ્રી મળતી આ ભેટને સ્વીકારી ચુક્યા છીએ . પણ આપણા ભારત જેવા ગરમ પ્રદેશ ના શહેરી વિસ્તારમાં વિસ્તરતા એક છુપા દુશ્મન વિશે માહિતી આપવી છે.

આ એક ચર્મ રોગ છે અને આપણી કેટલીક બિનઆરોગ્યપ્રદ આદતોને કારણે કેટલો ફેલાય છે એનું નિરૂપણ છે .આ કોઈ ગુપ્ત રોગ નથી પણ એની થવાની જગ્યાઓ એવી છે એટલે શરમ ના માર્યા લોકો ઈલાજ કરતા નથી અને અવગણે છે . અને લોકો એ પણ નથી જાણતા કે નિર્દોષ દેખાતો આ રોગ કેટલાક સમય પૂરતો નથી પણ એની આક્રમકતા કેટલી છે . હવે મુદ્દાની વાત .

આ રોગ નું નામ છે .દાદર અથવા રીંગવર્મ. એની તસ્વીર તો ગુગલ માંથી જોવા મળશે અને ઢગલાબંધ ઈલાજ પણ . પણ એની શરૂઆતના કારણ ની ચર્ચા નથી .

આજકાલ યુવક અને યુવતીઓ સ્કિન ટાઈટ જીન્સ પેન્ટ પહેરે છે .ત્યારે પેટ અને પગ વચ્ચેના સાંધાઓ માં પસીનો થાય છે . હવાની અવરજવર વગરના રૂમોમાં નોકરી કરવાની એસી નીચે . પસીનો સુકાય નહીં અને એ ભીનાશને લીધે ત્યાં ખુજલી થાય અને પછી દાદર ની શરૂઆત થાય છે .આ રોગ ફેલાય છે નખથી . આ રોગના જીવાણું ખુજલી વખતે નખ દ્વારા બીજી જગ્યાએ ચેપ ઝડપ થી ફેલાય છે . એક જગ્યાએ થી બીજી જગ્યાએ ખુજલી કરતી વખતે આપણે હાથ ધોતા નથી . પેન્ટ માં નિશાન થાય અને છોલાઈ જાય ત્યારે માત્ર વિગત જણાવી ડોકટર પાસે ટ્યુબ લખાઈ આવે અને લગાડે . પછી બીજો મિત્ર પૂછે તો તેનું નામ કહી કેમિસ્ટ પાસે થી ખરીદી લેવાય .એની પેટર્નનો ફોટો જુવો એટલે ઓળખી લેવાય .આમ તો માત્ર કોપરેલ લગાડવાથી શરૂઆતમાં એના પર કાબુ મેળવી લેવાય . વિસ્તરે નહીં . પણ બે ત્રણ જગ્યાએ થયું હોય તો આપણે જે આંગળીઓ ટ્યુબ લગાડવા વાપરીએ તો તેનાથી એ આંગળી પર પણ ઇન્ફેક્શન લાગે છે . એને રૂ ના પુમડાથી જ લગાડવી જોઈએ . માત્ર સુતરાઉ કપડાં અને તે પણ ખુલ્લા પહેરવા જોઈએ . શરીરના સાંધાઓ સુક્કા રાખવા જોઈએ .

જેને આ ઇન્ફેક્શન થયું હોય તેના કપડાં એન્ટિસેપ્ટિક નાખી બીજા સભ્યોના કપડાથી અલગ ધોવા જોઈએ અને કોઈએ કપડાં શેર પણ ના કરવા જોઈએ . સારા એન્ટિસેપ્ટિક સાબુ થી નાહ્યા બાદ શરીરને સાવ કોરું રાખવું જોઈએ .

અને અગત્યની વાત તો એ છે કે શરૂઆતમાં ફેમિલી ડોક્ટરની સલાહ લઇ જ લેવી જોઈએ અને સ્કિનના સ્પેશિયાલિસ્ટ પાસે જ ટ્રીટમેન્ટ લેવી જોઈએ . બરાબર સમયસર સારવાર પુરી કરવા છતાં આ રોગ બે ત્રણ મહિના પછી ફરી થઈ શકે છે .

આપણો આધુનિક પોશાક કુરતી સાથે પહેરાતી લેગીંગ પણ એકદમ ફિટ અને ચુસ્ત હોય છે એમાં પણ આ સમસ્યા થઈ શકે .

આનો અર્થ એ નથી જે આધુનિક પોશાક ના પહેરો ,પણ ખૂબ લાંબા સમય સુધી નોકરી જેવા સ્થળે બને તો થોડા ખુલતા કપડાં પહેરો . નખ બિલકુલ વધારો નહિ . ઈલાજ ઓછામાં ઓછો 1 મહિનો અને બેપરવાઈ ના કિસ્સામાં વરસ ઉપર ચાલે અને દવાઓ ટ્યુબ પણ ખૂબ મોંઘા આવે છે . આ શરીરના અંદરના ભાગમાં થતો હોવાથી બહાર ન દેખાય અને બીજી હેરાનગતિ ન હોય , ઈલાજ મોંઘો હોય એટલે ટાળતા હોઈએ .ત્યારે આ છુપ્પા દુશ્મન ને ઓળખી લેજો . આધુનિક ચુસ્ત કપડાં પહેરતા યુવકયુવતીઓ માટે આ લાલબત્તી છે આવા આધુનિક પહેરવેશ .

(આ બધી હકીકતો વિવિધ કિસ્સાઓ સ્વ જાણકારી મેળવેલ છે .)