કચરા ટોપલી જેવું જ …..બીભત્સ રસ …..


તમારા ઘરમાં પ્રવેશ કરતા એક પેસેજ આવે છે ને !! પછી તમારા ઘરનું દ્વાર અને એ ખોલીએ ત્યારે એક સુંદર દિવાનખંડ …એનું રાચરચીલું ભભકાદાર હોય કે સીધું સાદું બહુ ફરક નથી પડતો …બીજા ઓરડા પણ છે અને એક રસોઈઘર પણ ….તમારું ઘર એક ઓરડાનું હોય કે સંખ્યાબંધ ઓરડા હોય …પણ એક વસ્તુ એમાં સામાન્ય છે કે આંગણાથી માંડીને ચોકડી સુધી તમારે ત્યાં ચોક્ખાઈનું સામ્રાજ્ય હોય છે …નાના બાળકો ઘર ગંદુ કરે પણ છતાય બબડતી બહેન કે માં કે દાદી તેને સાફ રાખવાની કોશિશમાં રહે છે જ …તમારી દુકાન હોય કે ઓફીસ એમનું ટેબલ પણ સ્વચ્છતા તેની એક ઓળખાણ છે …પણ આજે હું વાત કરીશ એક ખાસ વસ્તુની ….સોસાયટીની ગલીને નાકે અને તમારી ચોકડીની પાસે કે પ્રવેશદ્વાર પાસે એક વસ્તુ હોય છે ..કચરાપેટી …જેમાં ખાલી ગંદકી અને નકામી વસ્તુ જ નખાય છે ..તેમાંથી ક્યારેક દુર્ગંધ પણ આવે છે જયારે તેમાં કોઈ ફ્રીઝની સડી ગયેલી વસ્તુ નાખી હોય ….
આજનો રસ આ કચરાની ટોપલી જેવો જ છે …બીભત્સ રસ …..તમે નાકનું ટીચકું ચડાવી દેશો કે રૂમાલ મૂકી દેશો …કાન બંદ કરી દેશો કે આંખ પર હથેળી ઢાંકી દેશો પણ એનું અસ્તિત્વ એક અફર સત્ય છે …માણસમાં રહેલી વિકૃતિ ,જુગુપ્સાપ્રેરક વસ્તુ કે વિચાર અહીં ખુલીને સામે આવે છે …એ બધું કચરા જેવું જ હોય છે પણ તમારા ઘરને સાફ કરીને નીકળતો કચરો સંઘરતી કચરા ટોપલી જેવું જ …..સામાન્ય ગણાતી વસ્તુ છોડીને અસામાન્યતા એ એની એક ઓળખાણ છે …..
આજથી સાતેક વર્ષ પહેલા નેટ ઘરે ઘરે નહોતું આવતું …એવી માન્યતા હતી કે નેટ લોકો પોર્નોગ્રાફિક સાઈટ જોવા જ લગાવે છે …કૈક અંશે એ કદાચ સત્ય હતું પણ પૂરેપૂરું નહિ …હવે તો સ્કુલ કોલેજ થી જ માહિતી માટે નેટ પર આધાર રાખવામાં આવે છે …પ્રોજેક્ટ થી લઈને વિવિધ માધ્યમોના કાર્યક્રમો તૈયાર કરવા એનો ભરપુર ઉપયોગ થાય છે ..તેથી એ માન્યતા બદલાઈ ગયી છે જનસામાન્ય માટે …..
સાચી વાત તો એ છે કે જેને બીભત્સ કે જુગુપ્સાપ્રેરક કહેવાય છે એવી વાતો જાહેર માં નહીં પણ ખાસ ગ્રુપ કે કાનાફૂસીથી …કે એકાંતમાં એવા સાહિત્યના વાંચન થકી તો થાય છે જ ….ઓફીસમાં મહિલા સહકર્મચારી પાછળ પુરુષવર્ગની કોમેન્ટમાં એ સાંભળી શકશો ….મિત્રોની વાત માં એ ચાહે સોળ સત્તર વર્ષનો છોકરો હોય કે સાઠ સિત્તેર વર્ષનો વૃદ્ધ …જરૂર થાય છે …મહિલાઓ પણ આજકાલ જરાય બાકાત નથી ….
પણ આ રસ છે છાનગપતીયાનો રસ ….પહેલા જાતીયશિક્ષણ આવા ચોપાનીયા વાળંદની દુકાને વાંચીને મેળવાતું…સાચુંખોટું શું એનું જ્ઞાન નહોતું રહેતું ….અશ્લીલતા તેમાં મુખ્ય રહેતી ..અને મહિલાઓના ચિત્રો જોઇને છુપાયેલી જુગુપ્સા સંતોષાતી …આજે તો શું વાતાવરણ છે તે તમારા કે મારાથી જરાય અજાણ્યું નથી …..તમે કોઈ નવરી બપોરે બજારમાં દુકાનોમાં બેઠેલા સેલ્સમેનોની કોમેન્ટ સાંભળી છે ??? જાહેર શૌચાલયોની ભીંત તો વિકૃત લખાણો માટે બ્લેક બોર્ડ કહી શકાય …..બીભત્સરસને મોટાભાગે જાતીયતા સાથે સાંકળવામાં આવે છે …….
જયારે કોઈ કુદરતી વસ્તુને પરાણે દબાવી રાખવામાં આવે ત્યારે તે અંદર રહીને વિકૃત રંગરૂપ ધારણ કરીને બહાર આવે છે અને તે બીભત્સ રસ તરીકે ઓળખાય છે …આજે પ્રસારણ માધ્યમ,ફિલ્મ અને નેટ દ્વારા સ્ત્રી હોય કે પુરુષ પોતાની વાસના સંતોષી લે છે ….બે સ્ત્રીઓ કે બે પુરુષોના સંબંધોને અપાયેલી માન્યતા ભલે કાયદેસર બનાવે એવા સંબંધને પણ એ વિકૃત તો કહેવાય જ ….નાની બાળકી પર થતા બળાત્કારના કિસ્સા કે ક્યારેક તો પશુ સાથેના બંધાતા સંબંધો એ બીભત્સ રસ ની ચરમસીમા કહી શકાય ….આપણા સમાજમાં વેશ્યા શબ્દને હમેશ માટે ધીક્કારાયો છે અને તમને ગામનો ઉકરડો પણ કહેવાયો છે પણ જેમ પહેલા પણ કહેવાયું છે કે એ બદનામ ગલી ને કારણે આપણા સભ્ય સમાજની સ્ત્રીઓ સલામત છે …
હવે તો એ પણ નથી રહ્યું …લગ્ન પહેલા બંધાતા જાતીય સંબંધોની મોબાઈલ દ્વારા કે છુપા કેમેરાથી ફિલ્મ કે વિડીઓ બનાવી એમ એમ એસ દ્વારા સમાજમાં ફરતી કરવી અને એમાંથી નિષ્પન્ન થતા પરિણામોથી ક્યારેક કોઈ કન્યાને આપઘાત પણ કરવો પડે છે …ટેકનોલોજીનો આવો ખતરનાક  ઉપયોગ  શોભાસ્પદ નથી …પણ એ મનુષ્યની અંદરના એક વિકૃત પશુને બહાર લાવે છે એ હકીકતને અવગણી ના શકાય ……

ક્યારેય કોઈ હોસ્પિટલમાં ગયા હશો તો દાઝેલા લોકોના વોર્ડમાં જવાનું થયું હશે તો એ ચેહરા ,એ પીડા જોઇને તમને ચીતરી ચઢી ગયી હશે ….તમારા દિલમાં અનુકંપા ભલે હોય પણ નાક પર રૂમાલ અને ચેહરા પર અજીબ હાવભાવ એ બીભત્સરસ નું સૂચક છે ….વિકૃત અંગો વાળા લોકો ,વાંકાચૂકા ચાલતા લોકો ,કે એવા ચેહરા જેને જોઇને અકારણ જ એમના કોઈ વાંક વગર તમને અણગમો જાગે તે પણ આપણે બીભત્સમાં ખપાવી દઈએ છીએ …

સાચું કહું તો કોઈ લગ્નની વાડી બહાર જે એંઠ વાડ ફેંકાય તેને ચુન્થતા ગરીબ બાળકો અને કુતરા ,કાગડા કે સમડી જેવા જીવો એક સાથે જોવા …..રક્તપિત જેવા કુષ્ઠરોગથી પીડાતા લોકોને જોવા …..કોઈ કુતરા કે પ્રાણીને વાહન નીચે ચગદી ને જતા રહેલા પછી જે કાગડા કે ગિદ્ધ એ મૃતદેહને ચુન્થીને વેરણછેરણ કરતા હોય ….કોઈ પ્રાણીની પ્રસુતિને નઝરે નિહાળવી , વિષ્ટાના પોદળા પર પગ પડી જવો …..કેટલા બધા કારણો હોય છે સુગ ચડવા માટે !!!!

તમે બધારસને જીવનમાં સાંકળી લો છો એમ આ પણ એક રસ છે જે અસ્વીકાર્ય હોવા છતાં પણ એનું અસ્તિત્વ અવગણી શકાય એમ નથી …..
આજે મારું લખાણ તમને કદાચ અશોભનીય લાગ્યું હોય તો હું તેને માટે ક્ષમા પ્રાર્થું છું પણ આપણા જીવનના નવ રસ પૈકી નો હોવાથી …શક્ય એટલું સંભાળીને લખવાની કોશિશ કરી છે …કેમકે આ રસ નું નામ સાંભળીને તમારા નાકનું ટીચકું ચઢી ગયું હોય એ સંભવ છે ….

2 thoughts on “કચરા ટોપલી જેવું જ …..બીભત્સ રસ …..

  1. અત્યંત મલિનો દેહો – દેહિ ચાત્યંત નિર્મલં
    અસંગોહં ઈતિ જ્ઞાત્વા – શૌચ મે તત પ્રવક્ષતે

    દેહ અત્યંત મલિન છે, દેહિ – આત્મા અતિશય નિર્મળ છે. આ મલિન દેહથી દેહિ આત્માં સર્વથા સંગ રહિત છે તેમ જાણવું તેને શૌચ કહે છે.

    શૌચની વાત સદાચાર સ્તોત્રમાં શંકરાચાર્યજી મહારાજે આ રીતે કરેલ છે.

    દેહનું ઉત્પતિસ્થાન ગંદુ છે, દેહ વિષ્ટા, મળ, મુત્ર, પરુ, લોહી, હાડ,માંસ વગેરે થી બનેલો છે. આ દેહમાં જે આસક્ત છે તે બિભત્સ રસના આશક હોય છે.

    આત્મા અત્યંત પવિત્ર અને નીર્મળ છે. આત્મા હંમેશા પ્રાકૃતિના જડ દ્રવ્યથી અસંગ રહે છે. ત્રિગુણાત્મક પ્રકૃતિમાંથી બનેલ દેહ અને સત ચિત અને આનંદ સ્વરુપ આત્મા આ બંને વચ્ચે વાસ્તવિક રીતે સંગ થવો શક્ય નથી.

    બિભત્સ રસથી અલિપ્ત રહેવા માટે યોગીઓ અને જ્ઞાનીઓ આત્મસ્વરુપનું ધ્યાન અને ચિંતન કરતા હોય છે.

    Like

Leave a comment