મથુરા ગોકુળ વૃંદાવન શ્રીકૃષ્ણ જન્મભૂમિ …4


સૌ પહેલાં નંદગામ એક ગાડી કરીને ગયા. મથુરા થી દિલ્હી હાઇવે પર બે કલાકનો રસ્તો. વચ્ચે નંદગાવ પાસે વળી ગયા. નંદગાવ એટલે એ જગ્યા જ્યાં નંદ રાજા અને યશોદા માતાએ કૃષ્ણના જીવનને બચાવવા ગોકુળથી સ્થળાંતર કરેલું. એક ઉંચી જગ્યા હતી. ગલીઓમાંથી ઢોળાવ ચડતા ચડતા ત્યાં મંદિરે પહોંચ્યા. સુંદર ભીંત ચિત્રો સાથેનું મંદિર. થોડીવાર પડદો ખુલે અને બંધ થાય. એક ઝલક જોઈને બહાર આવ્યા. વિશાળ આંગણમાં ઉપરથી દ્રશ્યો સારા દેખાય. વેલવેટના ભરેલા પર્સ બહુ સસ્તામાં મળે. ધીરે ધીરે રસ્તે પાછા ફર્યા. આગળ જઈને સમોસા કચોરી નો નાસ્તો કર્યો, શેરડીનો રસ પીધો. ત્યાંથી થોડા કુલ્હડ લીધા અને બરસાણા તરફ પ્રયાણ  કર્યું.

આધુનિકતાનો રંગ નથી ચડ્યો પણ બસ મન અહીં અમસ્તુ અમસ્તુ ખુશ થયા કરતું હતું. રાધા……… ત્યાં તો બધે રાધે રાધે જ સાંભળ્યું. કૃષ્ણનું અસ્તિત્વ જેના વગર અધૂરું લાગે એ રાધા નું ગામ બરસાના. ઉંચી ટેકરી પર મંદિર અહીં ટેક્સી ન જઈ શકે પણ પ્રાઇવેટ ગાડી જઈ શકે. અથવા તમે પગપાળા જાઓ એક નવી નવાઈની સવારી લો. બાઈક સવારી. હા,આપણે ત્યાં મોટરસાયકલ ચલાવીએ છીએ એ જ ભાઈ પણ એના પર 16- 17- 18 વર્ષના યુવાનો આગળ ચલાવે અને પાછળ બે સવારી બેસવાનું. રસ્તો ઊંચાઈ પર જાય. વળાંક અને ઢોળાવ વાળો. એટલું પરફેક્ટ ચલાવે પણ ચડતી વખતે રેસ પણ આપવી પડે. ધૂમની ઝૂમ…. ઝૂમ઼….. કરતા…ધીરા પડીએ તો પાછળ પછડાવાનુ જોખમ. કેટલી વાર બૂમો પડી જાય. સાચું કહું તો કોઈ સ્ટંટ ફિલ્મના શૂટિંગમાં આપણે પાત્રો બની જઈએ એવું દિલ ધડક. એ રોમાંચ સાથે રોમાન્સ કરીને નીચે ઉતરીએ ત્યારે થાય હા………..શ.

60 વર્ષની ઉંમરે ધૂમઝૂમ નું એડવેન્ચર યાદગાર રહ્યું . રાજસ્થાનના રાજાએ રાજસ્થાની શૈલીમાં પથ્થરોમાંથી બનાવેલ સુંદર રાધા રાની નું મંદિર ભવ્યાતિભવ્ય  છે. સુંદર મોટા હોલમાં સુંદર મૂર્તિ સમક્ષ બેસી રહેવાય. વચ્ચે સુંદર પેસેજ છે અને આજુબાજુ રહેવાની ઓરડીઓ. દીવાલો પર રાજસ્થાની શૈલીની ચિત્રકલા થી ભીંત ચિત્રો બનાવેલા છે.

ત્યાંથી રાધાજીના બીજા વિશાળ મંદિરમાં આજુબાજુના ખીણ તરફના દ્રશ્ય જોતા પગપાળા જવાનું છે. ત્યાં પણ સુંદર નયનાભિરામ દર્શન કરીને પગપાળા જ પગથિયાં ઉતરીને અમે અમારા વાહન પાસે પાછા આવ્યા. થોડી લસ્સી પીધી હવે જવાનું હતું ગોવર્ધન પર્વત.

ઇન્દ્ર દેવના પ્રકોપ રૂપે વરસેલા વરસાદ થી ગોપ ,ગોપીઓ, ગ્રામજનો અને ગાયોને બચાવવા પોતાની ટચલી  આંગળી ઉપર કૃષ્ણએ જેને ધારણ કર્યો હતો એ જ ગોવર્ધન પર્વત .ત્યાં પર્વત જેવું કશું નથી પણ જમીન થોડીક ઊંચાઈ પર છે. એને ચારે બાજુ પરિક્રમાનો માર્ગ છે. રાધા કુંડ, શ્યામ કુંડ, દાન ઘાટી મંદિર, મુખારવિંદ, કુસુમ સરોવર, રીના મોચના, પૂછરી જેવા સ્થળો જોવામાં આવે. મોટી પરિક્રમા 21 km નાની 10 અથવા પાંચ કિલોમીટરની હોય. આમાં ચાલતા જવું ફરજિયાત નથી. તમે કાર કે ઓટો રીક્ષામાં પણ જઈ શકો. ઓટોરિક્ષા લોકલ લેવી પડે. અમે ટોટો રીક્ષા લીધી અને પરિક્રમા શરૂ થઈ. ધીરે ધીરે કુસુમ સરોવર થી લઈને બીજા બધા જ સ્થળોએ દર્શન કરતા કરતા આગળ વધ્યા. એમાં પૂંછરી કા લોટા કહેવાતું મંદિર રાજસ્થાનની સરહદમાં આવે છે. જતીપુરાના મંદિર પાસેથી પસાર થયા.

અહીં ગોવર્ધન મહારાજનું એક મોટું મંદિર છે. અમને સલાહ એવી મળેલી કે કોઈ મંદિરના પંડિતોની વાણીમાં ફસાવું નહીં. અત્યાર સુધી તો વાંધો નહોતો આવ્યો. અહીં ગોવર્ધન મંદિરમાં હું આખો મીંચી પ્રાર્થના કરી રહી હતી. મંદિરમાં સો રૂપિયા દાન માટેની થાળીમાં મૂક્યા. તો એ જોઈને રેલિંગની અંદર એક મહારાજ બહાર આવ્યા અને મારો હાથ પકડી અંદર લઈ જવા માંડ્યા. આજે શૃંગારના દર્શન તમારા તરફથી અંદર લઈ જઈને મને હાથમાં સિક્કો આપ્યો નાડાછડી બાંધી. પ્રસાદના પડીકા આપ્યા. મને આ અટપટું લાગ્યું. મારા પતિ તુરત જ મારી પાછળ આવી ગયા. મહારાજે મારા હાથમાં 3500 એક રૂપિયાની રસીદ મૂકી પૈસા માંગવા લાગ્યા. મેં મોં પર સ્પષ્ટ ના પાડી દીધી. અને કહ્યું કે અમારી શ્રદ્ધા છે એ બહાર મૂકી દીધું છે. હવે નહીં. મારા હાથમાંથી સિક્કો પ્રસાદ બધું પાછું લઈ લીધું. હું ભગવાનની ક્ષમા માંગી બહાર આવી. જોકે શ્રી ચરણોમાં બીજા રૂપિયા 200  મૂકી દીધા કારણ કે વ્રજના પવિત્ર પરિક્રમા મંદિરમાં છેક ચરણો સુધી નિજ મંદિરમાં ગઈ અને મને ચરણસ્પર્શનો લ્હાવો તો મળેલો. બહાર આવીને પંડાને કહ્યું હવે પ્રસાદ તો આપો. એક પડીકું મળ્યું. આ અનુભવને અક્ષરસ: લખ્યો છે. આગળ બીજું કશું નહીં કહું.

ગોવર્ધન પરિક્રમા પૂરી કરી અમે મથુરાના રસ્તે પાછા વળ્યા. સાંજે ફરી બાબુભાઈને ત્યાં ગુજરાતી થાળી જમવા સૌ સાથે ગયા.  ત્યાંથી જમનાજીના કિનારે વિશ્રામઘાટ પાસે સૌ બેઠા અહીંયા સૌથી વધારે મજા તો મને યમુના નદીને બેઉ કાંઠે ભરપૂર રહેતી જોવાની આવી. એક નાનકડો એક ફૂટનો સાપ પાણીના સાથે પગથિયા પર આવતો અને વળી પાછો વહેણમાં જઈ નાવડી પાછળ પેસી જ હતો. ક્યાંય સુધી એ સાપના ખેલને જોયા કર્યો. હજી સામે કંસનો કિલ્લો નાવડીમાં બેસી જવાનું બાકી રહી ગયું પણ કોઈ વાંધો નહીં. જો શ્રીની ઈચ્છા હશે તો ફરી આવીશું. પ્રસાદની ખરીદી કરી. રાત્રે બજારમાંથી પાછા ફરતા બંગડીઓ પણ ખરીદી. પરત ઉતારા પર પાછા ….

Leave a comment