મથુરા ગોકુળ વૃંદાવન શ્રીકૃષ્ણ જન્મભૂમિ …4

સૌ પહેલાં નંદગામ એક ગાડી કરીને ગયા. મથુરા થી દિલ્હી હાઇવે પર બે કલાકનો રસ્તો. વચ્ચે નંદગાવ પાસે વળી ગયા. નંદગાવ એટલે એ જગ્યા જ્યાં નંદ રાજા અને યશોદા માતાએ કૃષ્ણના જીવનને બચાવવા ગોકુળથી સ્થળાંતર કરેલું. એક ઉંચી જગ્યા હતી. ગલીઓમાંથી ઢોળાવ ચડતા ચડતા ત્યાં મંદિરે પહોંચ્યા. સુંદર ભીંત ચિત્રો સાથેનું મંદિર. થોડીવાર પડદો ખુલે અને બંધ થાય. એક ઝલક જોઈને બહાર આવ્યા. વિશાળ આંગણમાં ઉપરથી દ્રશ્યો સારા દેખાય. વેલવેટના ભરેલા પર્સ બહુ સસ્તામાં મળે. ધીરે ધીરે રસ્તે પાછા ફર્યા. આગળ જઈને સમોસા કચોરી નો નાસ્તો કર્યો, શેરડીનો રસ પીધો. ત્યાંથી થોડા કુલ્હડ લીધા અને બરસાણા તરફ પ્રયાણ  કર્યું.

આધુનિકતાનો રંગ નથી ચડ્યો પણ બસ મન અહીં અમસ્તુ અમસ્તુ ખુશ થયા કરતું હતું. રાધા……… ત્યાં તો બધે રાધે રાધે જ સાંભળ્યું. કૃષ્ણનું અસ્તિત્વ જેના વગર અધૂરું લાગે એ રાધા નું ગામ બરસાના. ઉંચી ટેકરી પર મંદિર અહીં ટેક્સી ન જઈ શકે પણ પ્રાઇવેટ ગાડી જઈ શકે. અથવા તમે પગપાળા જાઓ એક નવી નવાઈની સવારી લો. બાઈક સવારી. હા,આપણે ત્યાં મોટરસાયકલ ચલાવીએ છીએ એ જ ભાઈ પણ એના પર 16- 17- 18 વર્ષના યુવાનો આગળ ચલાવે અને પાછળ બે સવારી બેસવાનું. રસ્તો ઊંચાઈ પર જાય. વળાંક અને ઢોળાવ વાળો. એટલું પરફેક્ટ ચલાવે પણ ચડતી વખતે રેસ પણ આપવી પડે. ધૂમની ઝૂમ…. ઝૂમ઼….. કરતા…ધીરા પડીએ તો પાછળ પછડાવાનુ જોખમ. કેટલી વાર બૂમો પડી જાય. સાચું કહું તો કોઈ સ્ટંટ ફિલ્મના શૂટિંગમાં આપણે પાત્રો બની જઈએ એવું દિલ ધડક. એ રોમાંચ સાથે રોમાન્સ કરીને નીચે ઉતરીએ ત્યારે થાય હા………..શ.

60 વર્ષની ઉંમરે ધૂમઝૂમ નું એડવેન્ચર યાદગાર રહ્યું . રાજસ્થાનના રાજાએ રાજસ્થાની શૈલીમાં પથ્થરોમાંથી બનાવેલ સુંદર રાધા રાની નું મંદિર ભવ્યાતિભવ્ય  છે. સુંદર મોટા હોલમાં સુંદર મૂર્તિ સમક્ષ બેસી રહેવાય. વચ્ચે સુંદર પેસેજ છે અને આજુબાજુ રહેવાની ઓરડીઓ. દીવાલો પર રાજસ્થાની શૈલીની ચિત્રકલા થી ભીંત ચિત્રો બનાવેલા છે.

ત્યાંથી રાધાજીના બીજા વિશાળ મંદિરમાં આજુબાજુના ખીણ તરફના દ્રશ્ય જોતા પગપાળા જવાનું છે. ત્યાં પણ સુંદર નયનાભિરામ દર્શન કરીને પગપાળા જ પગથિયાં ઉતરીને અમે અમારા વાહન પાસે પાછા આવ્યા. થોડી લસ્સી પીધી હવે જવાનું હતું ગોવર્ધન પર્વત.

ઇન્દ્ર દેવના પ્રકોપ રૂપે વરસેલા વરસાદ થી ગોપ ,ગોપીઓ, ગ્રામજનો અને ગાયોને બચાવવા પોતાની ટચલી  આંગળી ઉપર કૃષ્ણએ જેને ધારણ કર્યો હતો એ જ ગોવર્ધન પર્વત .ત્યાં પર્વત જેવું કશું નથી પણ જમીન થોડીક ઊંચાઈ પર છે. એને ચારે બાજુ પરિક્રમાનો માર્ગ છે. રાધા કુંડ, શ્યામ કુંડ, દાન ઘાટી મંદિર, મુખારવિંદ, કુસુમ સરોવર, રીના મોચના, પૂછરી જેવા સ્થળો જોવામાં આવે. મોટી પરિક્રમા 21 km નાની 10 અથવા પાંચ કિલોમીટરની હોય. આમાં ચાલતા જવું ફરજિયાત નથી. તમે કાર કે ઓટો રીક્ષામાં પણ જઈ શકો. ઓટોરિક્ષા લોકલ લેવી પડે. અમે ટોટો રીક્ષા લીધી અને પરિક્રમા શરૂ થઈ. ધીરે ધીરે કુસુમ સરોવર થી લઈને બીજા બધા જ સ્થળોએ દર્શન કરતા કરતા આગળ વધ્યા. એમાં પૂંછરી કા લોટા કહેવાતું મંદિર રાજસ્થાનની સરહદમાં આવે છે. જતીપુરાના મંદિર પાસેથી પસાર થયા.

અહીં ગોવર્ધન મહારાજનું એક મોટું મંદિર છે. અમને સલાહ એવી મળેલી કે કોઈ મંદિરના પંડિતોની વાણીમાં ફસાવું નહીં. અત્યાર સુધી તો વાંધો નહોતો આવ્યો. અહીં ગોવર્ધન મંદિરમાં હું આખો મીંચી પ્રાર્થના કરી રહી હતી. મંદિરમાં સો રૂપિયા દાન માટેની થાળીમાં મૂક્યા. તો એ જોઈને રેલિંગની અંદર એક મહારાજ બહાર આવ્યા અને મારો હાથ પકડી અંદર લઈ જવા માંડ્યા. આજે શૃંગારના દર્શન તમારા તરફથી અંદર લઈ જઈને મને હાથમાં સિક્કો આપ્યો નાડાછડી બાંધી. પ્રસાદના પડીકા આપ્યા. મને આ અટપટું લાગ્યું. મારા પતિ તુરત જ મારી પાછળ આવી ગયા. મહારાજે મારા હાથમાં 3500 એક રૂપિયાની રસીદ મૂકી પૈસા માંગવા લાગ્યા. મેં મોં પર સ્પષ્ટ ના પાડી દીધી. અને કહ્યું કે અમારી શ્રદ્ધા છે એ બહાર મૂકી દીધું છે. હવે નહીં. મારા હાથમાંથી સિક્કો પ્રસાદ બધું પાછું લઈ લીધું. હું ભગવાનની ક્ષમા માંગી બહાર આવી. જોકે શ્રી ચરણોમાં બીજા રૂપિયા 200  મૂકી દીધા કારણ કે વ્રજના પવિત્ર પરિક્રમા મંદિરમાં છેક ચરણો સુધી નિજ મંદિરમાં ગઈ અને મને ચરણસ્પર્શનો લ્હાવો તો મળેલો. બહાર આવીને પંડાને કહ્યું હવે પ્રસાદ તો આપો. એક પડીકું મળ્યું. આ અનુભવને અક્ષરસ: લખ્યો છે. આગળ બીજું કશું નહીં કહું.

ગોવર્ધન પરિક્રમા પૂરી કરી અમે મથુરાના રસ્તે પાછા વળ્યા. સાંજે ફરી બાબુભાઈને ત્યાં ગુજરાતી થાળી જમવા સૌ સાથે ગયા.  ત્યાંથી જમનાજીના કિનારે વિશ્રામઘાટ પાસે સૌ બેઠા અહીંયા સૌથી વધારે મજા તો મને યમુના નદીને બેઉ કાંઠે ભરપૂર રહેતી જોવાની આવી. એક નાનકડો એક ફૂટનો સાપ પાણીના સાથે પગથિયા પર આવતો અને વળી પાછો વહેણમાં જઈ નાવડી પાછળ પેસી જ હતો. ક્યાંય સુધી એ સાપના ખેલને જોયા કર્યો. હજી સામે કંસનો કિલ્લો નાવડીમાં બેસી જવાનું બાકી રહી ગયું પણ કોઈ વાંધો નહીં. જો શ્રીની ઈચ્છા હશે તો ફરી આવીશું. પ્રસાદની ખરીદી કરી. રાત્રે બજારમાંથી પાછા ફરતા બંગડીઓ પણ ખરીદી. પરત ઉતારા પર પાછા ….

મથુરા ગોકુળ વૃંદાવન શ્રીકૃષ્ણ જન્મભૂમિ 3

એક ટોટોમાં પૂરા છ જણ સાંકડે માકડે બેસીને જતા જે આગળ જતા મને ખૂબ ભારે પડવાનું હતું. પહેલા આવ્યું 10 માનો આરસપહાણનું પાગલ બાબા મંદિર જે અંદરથી હજી નિર્માણાધીન હતું. વિશાળ હોલમાં રાધાકૃષ્ણ  મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હતા. ત્યાંથી થોડે દૂર આગળ જઈ રિક્ષાવાળાઓ છોડી દે છે.

મથુરાના રિક્ષાવાળા અંદર ન જઈ શકે. અહીં બાંકે બિહારી  મંદિર સુધી લોકલ રિક્ષા લેવી પડે. મંદિર કેટલું દુર છે અંદાજ નહીં એટલે બીજી રીક્ષા કરી. લાંબી લાંબી કતારોમાં નાનકડી ગલીઓમાં ચાલતા બાંકે બિહારીજીના દર્શન કર્યા. ક્ષણભર માટે. મૂર્તિ જોઈ અને બસ નજીક ન જઈ શકી એ થોડો અફસોસ થયો. ભીડ અને ધક્કામુક્કી નો પાર ન હતો. માંડ માંડ બહાર નીકળ્યા. આ વખતે બધા ભૂલા પડ્યા. ચંપલ મૂકેલી મંદિર બહાર પણ ત્યાં જવાના દરવાજા બંધ હતા. પોલીસ કહે ફરીને જાવ. કદાચ કૃષ્ણની જ ઈચ્છા હતી કે અમે વનરાવનની કુંજ ગલીમાં ઉઘાડા પગે પગપાળા પદયાત્રા કરીએ ચોકીદારે રસ્તા પર ફેંકી દીધેલા ચંપલો સુધી.

નિધિવન જવા રીક્ષા લીધી. પહેલા નામ પણ નહોતું સાંભળ્યું પણ youtube પર વિડિયો અને નાઈટ ના કારણે આ જગ્યા અને એની સાથે જોડાયેલી કથાઓ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. તુલસીના છોડમાંથી પલ્લવીત થયેલું આખું વન છે. અહીં છ વાગ્યા પછી કોઈ રોકાઈ શકતું નથી. કહે છે કે આજે પણ અહીં રાધાકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમવા આવે છે. દિવસે દેખાતી તુલસીના લતા મંડપ રાત્રે ગોપીઓમાં પરિવર્તિત થઈ જાય છે. મારા ગ્રુપમાં બધા શાંતિથી યાત્રી બની ચાલતા હતા. જ્યારે મારા મુખે રાધે રાધે ના જાપ ક્યારેક મોટેથી ક્યારેક ધીરેથી સતત ચાલુ જ રહેલા.

બહુ ભીડ અને રસ્તો ચોફેર વાંસનો મંડપ બનાવી એવી રીતે કવર કરેલો કે એ પગથિરે ચાલવું પડે. વચ્ચે આવતા એક મંદિરમાં  દર્શન કરી આગળ વધ્યા. આગળ એક રાધા કૃષ્ણનું સુંદર નાનું મંદિર આવ્યું. અહીં અનેક ભક્તો ગોપી ભાવે નૃત્ય કરતા અને ફેર ફૂદડી ફરી રહ્યા હતા. રાધે રાધે રાધે રાધે……….. એ ભૂમિનો જ પ્રતાપ હતો કે બધી શરમ સંકોચ છોડી મુક્ત મને રાધા કૃષ્ણની છબી આગળ મેં પણ નૃત્ય કર્યું. એક સખી સાથે ફેર ફુદરડી લીધી. અહીંથી આગળ બજાર જોતા જોતા અનેક લાલજીની નયનાભિરામ મૂર્તિઓ વેચાતી જોઈ. નિધિવન

નિધિવનની બહાર પહોંચ્યા ત્યારે એક મહેલ સમા ભવનમાં ઝુમ્મરોથી અલંકૃત મંદિર બંધ હતું. તો બારીમાંથી જોયું. હા, શ્યામ સુંદર ને બધા પડદામાં રાખતા પણ આંખો બંધ કરીએ તો એની છબી આંખોમાં રમી જતી. કાચ મઢેલું સુંદર મંદિર મુખ્ય રસ્તા પર હતું બંધ થવાની તૈયારી હતી પણ અમે દર્શન કર્યા અને તરત બંધ થયું. અહીં કોઈપણ મંદિરમાં ફરો પણ કૃષ્ણ તમારા મનમાં રમતો દેખાય. માલપૂવાનો પ્રસાદ લઈ પુનઃ મથુરા આવ્યા.

સાંજે ફરી વૃંદાવન આવવાનું હતું. સાંભળેલું કે પ્રેમ મંદિરની રોશનીની ભવ્યતા રાતે જોવા લાયક છે. ઇસ્કોન મંદિર પણ બાકી જ હતું. ફરી સ્વામિનારાયણ મંદિરમાં પાછા ફર્યા. સાંજે બીજી રિક્ષામાં વૃંદાવન ગયા. મુખ્ય રસ્તેથી પ્રેમ મંદિર સુધી ફરી રીક્ષા બદલી. હજી રાત થવાની વાર હતી. ચાલતા ચાલતા ઇસ્કોન મંદિર પહોંચ્યા. અહીં કૃષ્ણની આબોહવા કંઈક અલગ જ હોય… વાતાવરણ એવું કે એક જગ્યાએ બેસી બસ આ કૃષ્ણ સમયને આલાદક મૂર્તિઓમાં જીવંત કૃષ્ણને નિરખતા બેસી રહી ભાવ ગંગામાં નહાતા જ રહીએ. અહીં ખીચડીનો પ્રસાદ હતો.

હવે સૌ પ્રેમ મંદિર જતા હતા. આ વખતે હોમવર્ક બરાબર કરેલું એટલે ત્યાં રાતે જ પહોંચ્યા. ખૂબ વિશાળ કમ્પાઉન્ડમાં નાગદમન, ગાયો ચરાવતા કૃષ્ણ,  ગોવર્ધન પર્વત હેઠળ ગ્રામ વાસીઓને આશ્રય આ બધા બહુ જ ભવ્ય મુવીન્ગ ડેકોરેશન. મોબાઈલ ની ફ્લેશ લાઇટો એ ભાવનાઓને કેદ કરવા જેટલા પીકસેલ ક્યાં ધરાવતી હતી?? પળે પળે બદલાતા સમગ્ર મંદિરની લાઇટિંગના રંગોની ભવ્યતા જોવા જેવી જ હોઈ શકે વાંચવા કે સાંભળવા જેવી નહીં અને અંતરના ઝરૂખે ઊભા રહો તો રાધા કૃષ્ણ  અનુભવવા જેવી.. પણ અહીં ખૂબ ખૂબ ભીડ હોય છે.. માણસ એટલા ફોટોગ્રાફર. એક સ્થળે બેસીને બહારના મંદિરના રંગો જોયા. થોડોક વિસામો ખાઈને મુખ્ય મંદિરની અંદર પ્રવેશ કર્યો. કોઈ લાઈન નહીં. આરસપહાણના વિશાળ ઓટલા પર થઈ અત્યંત ભવ્ય સમૃદ્ધ કોતરણીથી સફર બે માળના ધવલ શ્વેત આરસથી અલંકૃત મંદિરમાં પ્રવેશ કરતા જ વાહ ભુલી જવાયું. અને રાધાકૃષ્ણની મનોહર મૂર્તિઓનો ઓજસ્વ, પવિત્રતા ,શૃંગાર , આત્મત્વ ઝળહળાટ અનુપમ હતો. મને ભગવાનના પરિધાન કે શૃંગાર યાદ નથી પણ એ સમગ્ર પળો યાદ છે. જો ભીડ ન હોય તો દિવસે આવીને કદાચ સંવાદ કરી જાય એટલી બોલકી મૂર્તિઓ હતી. ઉપરના માળે થઈ નીચે આવ્યા. શરીરમાં ચૂર ચૂર થઈ ગયેલો થાક સપાટી પર આવવા માંડ્યો. પેટ પૂજા કરી ફરી મથુરા તરફ પ્રયાણ કર્યું. ચારની રીક્ષામા છ વ્યક્તિઓ બેસીને ત્યાં જઈને નીચે મંદિરમાં બેસી ખીચડી શાકનું સાદુ ભોજન લઈને નિદ્રાધીન થયા. હજુ એક દિવસ હતો અમારી પાસે બે વિકલ્પ હતા. કાં તો તાજમહાલ અને ફતેપુર સીકરી અથવા બરસાના, નંદ ગામ, ગોવર્ધન પર્વત. અમે બીજો વિશે વિકલ્પ પસંદ કર્યો. આ વખતે કૃષ્ણ કદમ જ્યાં જ્યાં પડેલા એ સમગ્ર ભૂમિના દર્શન કરવાનો અદભુત લ્હાવો મળી ગયો. લીધી અને ઉતારા પર આવી પહોંચ્યા.

ગોકુળ મથુરા વૃંદાવન શ્રીકૃષ્ણ જન્મભૂમિ …. 2

યમુના પર બાંધેલ એક બેરેજને પાર કરી ગોકુળ ગ્રામમાં પ્રવેશ કર્યો. થોડું અંદર જતા ગાઈડ મળી ગયા. એણે વાત કહી કે અહીં એક તો લસણ, ડુંગળી અને મસૂરની દાળ ખવાતા નથી અને વેચાતા પણ નથી. બીજું અહીં ગોકુળની ગાયો અને ભૂમિ સિવાય કશુંય કૃષ્ણના વખતના નથી. પ્રામાણિકતાથી સત્યનો સ્વીકાર અને હા સાડા પાંચ હજાર વર્ષો પૂર્વેનું કશું પણ અત્યાર સુધી અહીં કેવી રીતે હોઈ શકે સિવાય કે શ્યામની શ્વેત સ્મૃતિઓ ??? ધીરે ધીરે મંદિર બતાવવાની શરૂઆત થઈ. રોડ તો પાકો પણ નાનકડું ગામ અને સાંકડી શેરીઓમાં કૃષ્ણની પગલીઓને ચાંપતા ચાંપતા  ફરતી વખતે જાણે એ યુગના કાલ્પનિક દ્રશ્યો આંખ આગળ આવી જતાં. કૃષ્ણ માખણ ચોરીને ગલીઓમાં દોડી જતા હશે.

એમાંની એક ગલીમાં સુંદર ભીંત ચિત્રો હતા. ફોટો પણ પાડવાની લાલચ થઈ. સાથેના પાંચ જણ અને ગાઈડ એટલી વારમાં તો એ ભૂલભૂલૈયા માંથી બહાર જઈને એક બીજી ગલીમાં વળી ગયેલા. હું બહાર આવી. કોઈને જોયા નહીં આગળ કોઈ ભળતી ગલીમાં જતી રહું તો કોઈ મને શોધી ન શકે. તો એ વિચારે ત્યાં ઉભી રહી અને પતિદેવને ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. સાથે વાળા મુકેશભાઈ ને ફોન કર્યો તો તેમણે ઉપાડ્યો. મેં એમને કહ્યું કે તમે કોઈ દેખાતા નથી. હું પહેલી ગલીમાં ઊભી છું. ગાઈડને સથવારે પતિદેવ અને મુકેશભાઈ મને લેવા આવી ગયા.

અહીંનું પ્રસિદ્ધ દાઉજીનું મંદિર નંદ મહેલ. બસ એમાં ફરતા કૃષ્ણ દેખાય. એમાં બેસીને જમીન પર ઘસાઈને મૂર્તિઓ સુધી પહોંચાય. ફોટા પાડવાની બધે મનાઈ હતી. એ નયનાભિરામ રાધાકૃષ્ણની મૂર્તિને સતત જોતા બેસી રહી. મૂર્તિ નહીં સાક્ષાત રાધા કૃષ્ણ… પહેલી હરોળમાં પહોંચતા દંપત્તિ પાસે સંકલ્પ મુકાવે. દાનનો જે જમા કરીને રસીદ જ લેવાની હોય. થોડો માખણ મિસરીનો પ્રસાદ મળે. રકમ ₹601 હતી પણ જો વિચારીએ તો અહીં ઉદ્યોગ ધંધા વિકાસ વગરના નાનકડા ગામમાં હજુ પશુપાલનનો ધંધો હશે તો આ રકમ આ લોકોના જીવન નિર્વાહમાં ક્યાંક તો મદદરૂપ થતી હશે ને કૃષ્ણ ભૂમિમાં જીવતા લોકોને આ બહાને થોડાક મદદરૂપ થઈ શકાય ને!!!???

બહાર નીકળી વાંસળીઓ લીધી. મોરપીછવાળી નાની ભાણી માટે. કૃષ્ણનો અવાજ સાંભળવા. કદાચ કોઈ વાર એકાંતમાં મારા ઘરમાં પડેલી વાંસળી માંથી કૃષ્ણ પણ કોઈ સુર રેલાવી જાય તો.?? અહીં નહોતી હું રાધા કે નહોતી મીરાં પણ કૃષ્ણનું સામીપ્ય અનુભવાતું હતું. ગોકુળથી નીકળી રમણ રેતી આશ્રમ જવાનું હતું. પહેલાં નહોતા ગયા આ બધું હમણાં ડેવલપ થયું હોય એમ લાગ્યું. અહીં સડકના એક કિનારે હરણો હતા. મોટા મેદાનમાં વિચારતા હતા સેંકડોની સંખ્યામાં હતા અને સામે એક વિશાળ આશ્રમ ઘનઘોર વૃક્ષોની છાયાથી ભરપૂર ….સાંભળેલું અહીંની રેતીમાં ભગવાન બાળક બનીને રગદોળાતા. તેથી ભક્તો પણ મદમસ્ત બનીને  રમે છે. વિશિષ્ટ ચમક ભરેલી કાળાશ પડતી રહેતી શરીરને જરાય ચોંટી નહોતી. એ એની વિશિષ્ટતા. ફરી એકવાર મન વશમાં ન રહ્યું. કૃષ્ણ ની ભૂમિની માટીના સ્પર્શ માટે થનગની રહ્યું. ત્યાં બેસીને રેતીનો પર્વત બનાવ્યો. આખી સાડી પહેરેલી સ્ત્રીઓ ગોપી ભાવે રેતીમાં ગોઠીમડા ખાતી હતી ત્યારે સૌના મોઢા પર અચરજ કે મશ્કરી પૂર્ણ ભાવ નહોતો દેખાતો. એ ભૂમિના સંસ્કાર જ. રાધાકૃષ્ણ ની સુંદર મૂર્તિઓની આરતી માટે દર્શન 12:00 વાગે ખુલવાના હતા. ઢોલના તાલે ભક્તોનો વિશાળ સમુદાય હોલમાં રાધે રાધે બોલતા તાળીઓ પાડતા કૃષ્ણ ભક્તિમાં  તરબોળ બની નૃત્ય કરતો હતો. આબાલ વૃદ્ધ સહુ. મેં પણ એમની સાથે જોડાઈને આંખોમાં- તાલમાં- તાનમાં કૃષ્ણ ભરી લીધા. આરતી માટે પડદા ખોલ્યા આંખો ભીની અને હૃદય ગદગદિત બન્યું હતું.

ભૂખ શરીરનો ધર્મ છે અને ભોજન એની પૂજા જે હવે કરવાની હતી. ત્યાંથી પરત મથુરા આવી ગયા. બીજા દિવસની સવારે શ્રીકૃષ્ણની લીલા ભૂમિ વૃંદાવન જવાનું હતું. ગોકુળની નીરવ શાંતિ કૃષ્ણની હવાનો અહેસાસ આપતી. પણ વૃંદાવનની ભૂમિમાં ભક્તોના ઘોડાપૂર હતા. બધા લીલાની આ ભૂમિ ના મંદિર બાર સાડા ભારે બંધ થાય એટલે એ હિસાબે જવાનું હતું.

મથુરા ગોકુળ વૃંદાવન…. શ્રીકૃષ્ણ ભૂમિ…..

સાતમી ઓગસ્ટની રાત્રે 10:30 વાગે ગરીબ રથ ટ્રેનમાં બેસી બીજી સવારે 8:00 વાગે જ્યારે મથુરા સ્ટેશન પર પગ મૂક્યો ત્યારે સાંબેલા ધાર વરસાદે અમારું સ્વાગત કર્યું. કૃષ્ણ જન્મ ની રાત્રીએ યમુના બેઉ કાંઠે હતી ઘૂઘવતી..અને અનરાધાર વરસાદ હતો અને એવા જ મથુરાના વાતાવરણના અમે સાક્ષી બનવા જઈ રહ્યા હતા.

આ વખતે છ જણ નું ગ્રુપ હતું.ત્રણ કપલ. મથુરા સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો હતો. ઓનલાઇન બુક કરાવેલો. એક eeco કારમાં અમે મંદિર પહોંચ્યા. પાંચ સળંગ સ્ટીલના પલંગમાં છ જણ નો સમાવેશ. એટેચ્ડ બાથરૂમ હતો. ઓફિસમાં વિનંતી કરી ગરમ પાણીના ગેસ ગીઝરની વ્યવસ્થા પણ થઈ ગઈ. હા.. એ લેવા માટે બહાર અગાસીમાં ડોલ લઈને જવું પડે. સાવરણી હોય તેનાથી રૂમ સાફ કરી લેવાનો. અને જે મથુરા વૃંદાવન ગયા હશે તેઓ ત્યાંના વાંદરાથી વાકેફ તો હશે જ કે એ લોકો ત્રાસ કરે છે કે ક્રિએટિવિટી??!!! મનુષ્યની જેમ ચશ્મા પહેરવા, દુપટ્ટો ઓઢવો, એમના કપડાનો અપહરણ કરવું અને ખાવાની બધી વસ્તુ પર જેવી તક મળે એવો જ માલિકી ભાવનો હક કરી લેવો. સાચું કહું તો મારે નંબર વધારે હોવા છતાં ચશ્મા વગર ફરવું પડ્યું. બીક લાગે કે પારકા પ્રદેશમાં નંબરવાળા ચશ્મા નો મેળ કઈ રીતે પડશે?? ખેર આવીને સ્નાન ઈત્યાદીથી પરવાર્યા ત્યારે બીજા ચારેય વ્યક્તિઓને ટાઢી સાતમ હતી પણ અમે તો વદની સાતમ કરીએ એટલે વરસાદ ધમધોકાર ચાલુ હતો તો પણ હું રેઇનકોટ અને પતિદેવ છત્રી લઈને બહાર નીકળી પડ્યા.

રીમઝીમ ગિરે સાવન કરવા….

સો એક ફૂટ દૂર સડકની બીજે પાર યમુના બેઉ કાંઠે ભરપૂર વહેતી જોઈ. પ્રથમ દર્શને અનાયાસે બે હાથ જોડાઈ જ ગયા. નાવમાં બેસી ન શકાય એટલું જોશ બંધ વહેણ હતું.

પહેલા તો ગુજરાતીમાં કાઠીયાવાડી ચા લખેલા સ્ટોલ પર મેં ચા પીધી. ત્યાંથી રેનકોટમાં જ આજુબાજુ બે ત્રણ ધર્મશાળામાં પૂછપરછ કરી. એક સાયકલ રિક્ષાવાળા ભાઈ જમતા હતા. એમણે જમવાનું પૂરું કર્યું એટલે એમને વિશ્રામઘાટ પાસે બજારમાં બાબુભાઈ ભોજનાલયમાં લઈ જવા માટે કહ્યું. અહીં ગુજરાતી ભોજન માટે બે ત્રણ જગ્યાએ પૂછતાં બધાએ આ જ નામ આપેલું. ભરાયેલા પાણી વચ્ચે ભીંજાતા ભીંજાતા સાયકલ રિક્ષાવાળા ભાઈને જોઈને થતું કે પેટ માણસ પાસે કેટલી વેઠ કરાવી રહ્યું છે !! એકવાર થયું કે નથી બેસવું પણ એને આ વરસાદમાં થોડીક રોજી મળી જાય એમ વિચારી બેઠા.

બપોરે 12:30 વાગે પણ આખું બજાર બંધ હતું. રિક્ષાવાળા ભાઈએ કહ્યું અહીં વરસાદ હતો એટલે કોઈએ દુકાને જ ન ખોલી. બંધ થશે ત્યારે ખુલશે છેલ્લા એક મહિનાથી સખત ગરમી હતી એટલે આ વરસાદ એમને વહાલો લાગતો હતો. અમારો પીછો કરતા વરસાદ અહીં પણ આવી ગયો હતો. વરસાદની ભીની ઠંડી મોસમમાં બાબુભાઈની ગરમ ગુજરાતી થાળી, ગુજરાતી રોટલી સ્વાદમાં અનેરો વધારો કર્યો હતો. આટલો સંતોષ ને આવી મજા ભાગ્યે જ આવે.

આ છે મારી ત્રીજીયાત્રા ગોકુળ- મથુરા- વૃંદાવનની યાત્રા ની શરૂઆત.. આ યાત્રાને દિવસ પ્રમાણે ક્રમ પ્રમાણે લખવા નથી માંગતી એટલે કોઈ જ નોંધ નહોતી રાખી.

પહેલા ધોરણમાં મારો શાળા પ્રવેશ થયો એ શાળાનું નામ ગીતામંદિર. એક બિલાડી જાડી કવિતા સાથે

એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વામ્ પર્યુપાસતે,

યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષામ્ કે યોગવિત્તમા …

શ્રીમદ ભગવત ગીતાના આ બારમા અધ્યાય નો પહેલો શ્લોક અને પાંચ શ્લોક બાલમંદિરના બાળકને પણ શીખવાડવામાં આવતા. અક્ષર જ્ઞાન પહેલા ગીતા જ્ઞાનનો અભ્યાસ અજાણપણે સૌભાગ્ય મળેલું જેનું સાચું મૂલ્ય જીવનના આ તબક્કે સમજાય છે. એ ગીતાના ગાયક શ્રીકૃષ્ણની ગીતા ૧૨ વર્ષમાં વણલખ્યો અભ્યાસક્રમ બની રહેલા. ગીતાના શ્લોકોનું ગાન અમારો શાળામાં દૈનિકક્રમ હતો. એ જ ગીતાના મહા ગાયક કૃષ્ણની જન્મભૂમિ ને શત શત પ્રણામ…..

1982માં ગોકુળ- વૃંદાવન – મથુરા એક પ્રવાસ દરમિયાન પહેલીવાર જોયેલું ત્યારે મથુરાના જેલના જન્મ મંદિરની કૃષ્ણની છબીથી અજબ આકર્ષણ થયું. એ આંખો અનન્ય લાગી. 2005 માં મારા પતિ અને દીકરી સાથે અહીં ના મંદિરમાં દર્શન કર્યા જોવાલાયક સ્થળોની જેમ. ઇસ્કોન ટેમ્પલ પણ નહોતું જોઈ શક્યા સમયના અભાવે અને દિલ્હી પરત ફરી ગયેલા. ઓગસ્ટ 2023 માં આધ્યાત્મની ટમટમ કરતી ચેતના સાથે શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર પગ મુકતા જ અલગ અનુભવ અનુભૂતિ થઈ રહી હતી. જન્માષ્ટમી બસ થોડા દિવસ પછી જ હતી અને ધોધમાર વરસાદ એ મેઘલી આઠમ ની યાદ અપાવતો હતો જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ઉતારો પણ સ્વામિનારાયણ મંદિરમાં હતો સ્વામિનારાયણ મંદિરની તમામ મૂર્તિઓ ખુબ સરસ હતી જમવાની વ્યવસ્થા પણ હતી. બપોરે વરસાદે વિરામ લીધો અને ત્યારબાદ મથુરા વિહાર માટે નીકળ્યા. એક ટોટો રિક્ષામાં છ સવારી.

પ્રથમ દર્શન શ્રી દ્વારકાધીશ મંદિરના કર્યા. પુરાતન મંદિરમાં પીળા રંગની આભા.. હવેલી જેવું નકશીકામ, બાંધકામ વાળા મંદિરમાં સુંદર દર્શન કરી બહાર નીકળતા ચશ્મા કાઢવાનું યાદ આવ્યું. આ યાત્રામાં ફક્ત મંદિરમાં ચશ્મા પહેરતી અને બહાર નહીં. પણ ખાસ વાંધો ન આવતો. મથુરાની નાની નાની ગલીઓમાં ભીડ નહોતી. યમુનાને કિનારે કિનારે ચાલ્યા કરવાનું રિક્ષામાં.

ત્યારબાદ શ્રીકૃષ્ણ જન્મ મંદિર પાસે ગયા. આ વખતે મથુરાના બૃહદ દર્શન કર્યા. ખૂબ વિશાળ અને વિકસિત છે પણ ગુજરાત જેવી આધુનિકતા ક્યાંય નથી છલકાતી. અહીં કચોરી સમોસાનો સવારનો નાસ્તો બધે મળે પણ બપોર પછી નહીં. પહેલા બીરલા મંદિર ગયા. સ્વચ્છ, વિશાળ અને સુંદર બાંધણી વાળા બીરલા મંદિર જોયું. અહીંથી શ્રીકૃષ્ણ જન્મભૂમિના રોડ પર ઉતર્યા. રીક્ષા બહાર ઊભી રહે. ગેટ નંબર એક પર ચંપલ, મોબાઇલ, પર્સ બધું જમા કરાવીને અંદર જવાનું. એક ગાઈડ સાથે લીધો. એટલું સરસ બાંધકામ કરેલું કે અભિભૂત થઈ જવાયું. લાગે જાણે અહીં કલાકોના કલાકો બેસી રહીએ. જવાનું મન ન થાય. આજુબાજુ નાની મોટી મૂર્તિઓ નિહાળતા અમે જન્મભૂમિ મંદિર જેલ તરફ પહોંચ્યા. અંદર પ્રવેશ કર્યો અને કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો. આ મજબૂત જેલમાં જન્મ સાથે લીલાઓ કરનાર કૃષ્ણની એ જ તસવીર હજી પણ છે. અને સાથે બીજી મૂર્તિઓ પણ. આંખો વરસે અનરાધાર. અસ્તિત્વ અને સ્વ ઓગળી જાય… હું ક્યાં છું એ ભુલાઈ ગયું…. કોણ છું એ વિસરાઈ ગયું… કૃષ્ણ જીવનના પ્રસંગો થી મન છલકાવા લાગ્યું. હવે અમે બહારના વિશાળ મંદિરના હોલમાં આવી પહોંચ્યા. આરતી જોઈ. હોલ ના બધા મંદિરમાં ગયા પણ મન માત્ર કૃષ્ણમૂર્તિમાં રમમાણ રહ્યું. પલાઠી વાળીને મૂર્તિ સામે બેઠેલા સમૂહમાં હું પણ ક્યાંય સુધી બેસી રહી. પ્રસાદ લીધો. કૃષ્ણ જન્મની મથુરાતો યુગો પાછળ રહી પણ ભૂમિ નથી બદલાઈ. હજી પાતાળમાંથી સ્પંદન થાય જ ત્યાં કે અહીં ગીતાજ્ઞાનના ગાયક નો જન્મ થયો હતો. જ્યાં જન્મતા સાથે જ માતા અને પિતાનો વિયોગ થઈ ગયેલો. એક પાલક માતા અને પિતાના હાથમાં બાળક બનીને ખેલવાનું હતું.

ધર્મ સંસ્થાપનાર્થય સંભવામિ યુગે યુગે…… અધર્મનો અંત આણવા મા દેવકીની કુખે જન્મ લઈને વસુદેવના કંડલામાં મેઘલી રાતે કાળી નાગની છત્ર છાયા નીચે છાતી સમાણા યમુના ના નીરને કાપતા ગોકુલ પહોંચવું……

આ વખતે યમુના નદી ભરપૂર હતી. પાંચ છ પગથિયાં પછી પણ પાણીનું વહેણ હતું. રાત્રે પાછા ફરીને રાત્રિ વિશ્રામ. પછી બીજા દિવસે ગોકુળ પ્રયાણ કરવાનું હતું. યમુનાને સામે પાર ગોકુળિયું ગામ હજી પ્રાચીનતાની ઝલક ઓઢીને બેઠું છે.

શ્રીનાથજી – શામળાજી

27/05/2023.

આખી રાત બસમાં પસાર કર્યા બાદ સવારે શ્રીનાથજી માં આવી પહોંચ્યા. એક હોટલમાં પહેલે માળે હારબંધ રૂમોમાંથી એક રૂમ અમને મળી ગયો. અહીં સવારે 5:30 ની મંગળા આરતીના દર્શન સાત વાગ્યા સુધી ખુલ્લા હોવાની ખબર પડી. ઝડપથી નાહી ધોઈને રીક્ષામાં મંદિર પહોંચ્યા. એ જ જૂની ગલીઓ પણ શહેરમાં આધુનિક રોડ બ્રિજ બધું થઈ ગયેલું હતું. સીનીયર સીટીઝન માટે અલગ લાઈન હોય છે. બધી સ્ટીલની રેલીંગો ધક્કા મૂક્કીનો ઇતિહાસને નવી વ્યવસ્થા હવે ઇતિહાસમાં મૂકી આવી છે. અહીં સિનિયર સિટીઝન શારીરિક રીતે સક્ષમ હોવા છતાં પણ લાઈનમાં બિનજરૂરી હતા એમ સીક્યુરીટી ની દાદાગીરી પરથી લાગ્યું. અમે અંદર જતાં રહ્યા. બસ થોડીવારમાં શ્રીનાથજીના મંગળાદર્શનથી હૃદય અને આંખ બેઉ પાવન થઇ ગયા. સૌથી પહેલી કતારમાં એ સમયસર ના દર્શન…. બસ એ પછી એ સ્થળ છોડતા પહેલા દ્વાર બંધ થઈ ગયા. હોટલ પર આવીને દસ વાગ્યામાં અમને જમાડી દેવામાં આવ્યા. પછી બસ ઉદયપુર થઈને ગુજરાત તરફ રવાના થઈ.

છેલ્લા બે દિવસથી સંચાલક તરફથી સારી એવી વેઠ ઉતારવામાં આવી હતી. જયપુરથી વળતાં એક જગ્યાએ માંડ એક ઢેબરું સાંજે હાથમાં આવ્યું. અને આજ સાંજે થોડા ભજીયા. થાળીમાંથી સલાડ પાપડ ક્યારના ગાયબ થઈ ગયેલા. પણ અમે જમવા નહીં ફરવા આવેલા એ વસ્તુ હંમેશા યાદ રાખી.

ઉદયપુર બાયપાસ થઈને અમે ગુજરાતમાં પુનઃ પ્રવેશ કર્યો. શામળાજીના ભવ્ય મંદિરના દર્શન કર્યા. બસના સ્ટાફને બક્ષીશ આપી. અમદાવાદ આવી ગયું. નિકોલ હાઇવે પર બસને બાય કર્યું અને એક પ્રાઇવેટ ઇકો ગાડીમાં અમને પાંચ જણને સામાન સાથે વડોદરા સંચાલક દ્વારા પહોંચાડવામાં આવ્યા. રાતે દસ વાગ્યે 25 મિનિટે ઘરમાં પુનઃ પ્રવેશ કરતા હવે યાદો વાગોળવાનો સમય શરૂ થઈ ગયો હતો…

જયપુર

26/05/2023

સવારે ત્રણેક વાગે નેચર કોલ આવતા હું ઉઠી ગઈ તો વરસાદ ચાલુ હોય એમ લાગ્યું. સડકો પલળેલી હતી. ચાલો રાજસ્થાનમાં ખૂબ ગરમીની જે બીક હતી એ આ વરસાદને લીધે ઓછી હશે એમ આશા બંધાઈ. કાલે વાવાઝોડા સાથે ખૂબ વરસાદ હતો એવું સાંભળવા મળ્યું. અમે ત્રણ વાગ્યે જયપુરમાં આવી ચૂક્યા હતા. અહીં પોણાચારે હોટલ પાસે બસ પાર્ક તો થઈ પણ રૂમ અમને છ વાગે મળી. સંચાલકના પત્ની સાથે ચૂપચાપ નેચરલ કોલ માટે નીકળી આવી. થોડી વિષમ પરિસ્થિતિ લાગી પણ ઓકે અમે સૌ પરવારવા માંડ્યા.

હવે ચા નાસ્તા માટે જવાનું હતું. આજે ઘરનો નાસ્તો ભાખરી ને ચા હતા.હિતેશનનુ દર્દ ખૂબ વધી ગયું હતું તેથી અમે બંને હોટલ પર રહ્યા. હિતેશ ખૂબ શાંતિથી સૂઈ ગયા. હોટેલ વાળા ભાઈ બાઈક પર હિતેશને સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયા અને દવા લઈ આવ્યા. બપોરે 1:00 વાગે બે જણે જમી લીધું અને હિતેશ ને આ દવા આપી દીધી. ત્યાં સુધીમાં બધા જયપુર સિટી ફરીને પાછા આવી ગયા અને જમવા બેઠા.

હવે આગળ શ્રીનાથજી જવા માટે સૌ નીકળશે. આવતીકાલે પ્રવાસનો છેલ્લો દિવસ છે. કેટલી બધી યાદો મૂકીને જશે!!! આ દિવસો અજાણ્યા ચહેરાઓ પોતીકા જેવા બનાવી જશે. પહેલા દિવસના અજાણ્યા હવે જાણીતા રહ્યા છે. ખુલીને હસે છે, બોલે છે, મજાક મશ્કરીઓ કરે છે. કુસુમબેન આ પ્રવાસમાં મને મળેલી કુદરતની એક અમૂલ્ય અનન્ય ભેટ સદાય હસતા રહેતા એકદમ થનગનાટથી ભરેલા ઉત્સાહથી ઉછાળતા. અમે આખરી દિવસ સુધી જોડે જ રૂમમાં રહીએ. અને ફરવામાં પણ જોડે બેવના હસબન્ડ પણ એક સરખા બેદરકાર અને થોડા ગુસ્સા વાળા પણ મોજીલા. મેં સવાર સાંજ ગજ્જર ભાઈની ચા પીધી અને અમારી ત્રણ ચા એનો સંગાથ છેવટ સુધી રહ્યો. કુસુમબેન ને તૈયાર થવાનો બહુ શોખ એકદમ ડિસન્ટ રીતે તૈયાર થાય. વેસ્ટર્ન ડ્રેસ પહેરે. અને એમને સૂટ પણ થાય અને હું એ જ લઘર વઘર.. એમની સાથેની સૌથી મધુરી યાદ અમે બેવે એકબીજાના પાડેલા ફોટા અને ફની પોઝ ના ફોટા.. એના વગર દિવસ પૂરો ન કરીએ. એ ફોટા અમારા ચહેરા પર એ દિવસની યાદ અક્ષરસ: લખી જશે એ ખાતરી છે. સાચું કહો સંબંધ એ આ પ્રવાસની કમાણી કુસુમબેન. કેન્સર હતું. ગ્રેટ ફાઈટર સ્મિતથી એમને કેન્સરને પણ હરાવી દીધું .અત્યારે એકદમ સ્વસ્થ છે એ નારી ને સલામ.

આગ્રા..

25/05/2023

સવારેસવારે આંખો ઉઘડી તો હોટલ ઇસ વિલાની સામે બસ ઊભેલી. અહીં અલગ અલગ રૂમોમાં ન્યાય જોઈને ફ્રેશ થવાની વ્યવસ્થા હતી. એક સરસ કહી શકાય એવી રૂમમાં અમે અને દંપતિ ફ્રેશ થયા અને ત્યારે ચા નાસ્તો તૈયાર હતો. ચા નાસ્તો કરીને અમે ફરી બસમાં તાજમહેલ ના દર્શન માટે બેઠા. અહીં 60 રૂપિયા ઓનલાઇન બુક કરાવી આપ તાજમહેલના પ્રાંગણમાં જઈ શકો પણ તાજમહેલ ની અંદર જવા માટે રૂપિયા 200 આપી શાહજહાં અને મમતાજ મહેલ ની કબર જોવા એ સંકુલમાં પ્રવેશી શકો. અમે કશ્ય પણ ના જઈને પાર્કિંગમાં બેસી રહેવાનું પસંદ કર્યું. થોડોક સમય કશું ન કરીને રિલેક્સ થવું હતું અને કદાચ આગળ પણ બે વાર તાજમહેલ ની મુલાકાત લઈ ચૂકેલ હતા એટલે હવે એટલો બધો આકર્ષણ નહોતું. હિતેશ મને ગુમાવવા માંગતા ન હતા એટલે તાજમહેલ એમના માટે આદર્શ નથી.

બસ હવે આગળ શું?? લગભગ બે કલાક સુધી અમે પાર્કિંગમાં બેસી રહ્યા. અહીં બેટરી ઓપરેટેડ ઓપન ગાડીમાં બધા પ્રવાસીઓ તાજ સુધી પહોંચતા હતા. ભારતના દરેક પ્રાંતના વતનીઓ અહીં સુધી આવતા હશે પણ અહીં આસપાસ માં ખાવા પીવાની કોઈ વ્યવસ્થા જ નહીં. કદાચ તાજ પાસે હોઈ શકે છે.

બધા બે કલાકે પાછા આવ્યા ત્યાં સુધી લીમડાના ઝાડની છાયામાં અમે અહીંયા બેસતા રહ્યા વિદેશીઓ પણ અહીં ખાસ પ્રમાણમાં જોવા મળે છે. વળતા જ્યાં ઉતરેલા એ હોટલમાં અમે જમવા ગયા. જમીને પાછુ યાત્રાનું આગલા સ્થળ માટેનું પ્રયાણ ચાલુ થયું.

લગભગ 18 વર્ષ પછી હું આગ્રા આવતી હતી. કદમ થી કદમ સમય પ્રમાણે મિલાવતુ આગ્રા પણ સારા એવા પ્રમાણમાં ફૂલી ફાલ્યું છે. અહીં સૌએ વિવિધ ફ્લેવરના બેઠા પણ લીધા. આગ્રા નું એક બીજું સુંદર સ્મારક સમયના અભાવે કોઈને જોવા ન મળ્યું. એ હતો એનો લાલ કિલ્લો. દિલ્હીની જેમ અહીંયા પણ એક સરસ લાલ કિલ્લો છે અને એ દિલ્હી કરતાં પણ સુંદર છે. ન એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અહીં રાધા કૃષ્ણનું આરસનું મંદિર છે જે જોવાલાયક છે પણ અહીં સાથે આવેલા પ્રવાસીઓ એ બાબતે સાવ અજાણ હતા.

ફોટા લેવા, ખરીદી કરવી એમાં જોવાલાયક સ્થળો જોવામાં રસ નો અભાવ ઊડીને આંખે વળગતો અને સંચાલકને આ અજ્ઞાન નો લાભ મળતો હતો. આજે જ્યારે પ્રવાસ પૂર્ણતાની આરે આવીને ઉભો છે ત્યારે જણાવું છું કે આ વખતે દરેક સ્થળે સ્થાનિક સાહિત્યના ભાવ સાચી રીતે એટલે લખ્યા છે એનું એક કારણ એ છે કે આપણે બસની પેકેજ ટૂરમાં જઈએ છે ત્યારે સૂચનાઓમાં એક સૂચના એવી પણ હોય છે જ્યાં બસ ન જાય ત્યાં પ્રવાસીએ સ્વખર્ચે જવાનું રહેશે. આ વાત બહુ મહત્વની છે. માત્ર બે કે ત્રણ મહિના કે ત્રણ વર્ષમાં આ સ્થાનિક વાહનોના લગભગ ડબલ ઉપર ભાવ અમારે ચૂકવવા પડેલા.

દરેક શહેરમાં પ્રવાસની બસ સાથે નહોતી આવતી અને સ્વખર્ચે સ્થળ દર્શન કરવું પડતું. આના કારણે લગભગ 7000 રૂપિયા ઉપરાંત વ્યક્તિદીઠ આ સ્વખર્ચે દર્શનનો ખર્ચ ટિકિટ ઉપરાંત આવ્યો. ગંગામાં નૌકા વિહાર ફેબ્રુઆરીમા અમે રૂપિયા 200 વ્યક્તિ દીઠ કરેલો. આ વખતે 370 માં કર્યો. ખાલી સીલીગુડી થી દાર્જિલિંગ જવાના અને પરત આવવાના, બીજે દિવસે ગંગટોક જવાનું અને પરત આવવાના વ્યક્તિ દીઠ 2600 રૂપિયા ચૂકવેલા. પ્રવાસ નેપાળમાં ભારતીય ચલણ ના સો રૂપિયાની સામે 160 રૂપિયા મળે એટલે એ ભાવ એ લોકો ભારતીય ચલણમાં કહે એનું નેપાળી ચલણ જાણવાનું, ભાવતાલ કરવાનો ..સાચું કહું તો બસ ભાડા ઉપરાંત સ્થાનિક સ્વખર્ચે ફરવાના ભાડામાં જ અમારા ખિસ્સા ખાલી થવા માંડેલા. હજી દાર્જીલિંગના વ્યક્તિદીઠ રૂપિયા 3,000 નો અંદાજ એટલે નેપાળમાં ખરીદી કરવાની શક્યતા જ ન બચી. ત્યાંના સાઈટ સીનમાં રૂપિયા 700 વ્યક્તિ દીઠ ખર્ચાઈ ગયા. નેપાળમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ તો વધારાનો ચાર્જ થાય એટલે બહુ નાની માળા જેવી નિશાનીઓ ખરીદી. દાર્જિલિંગ માં સિલીગુડીમા બસમાંથી જોતાં પણ એટીએમ મળે નહીં. છત્તે પૈસે પૈસા વગરના રહ્યા. અહીં ઇમરજન્સી ના હોય તો આ રીતે રહેવું પડે આ વખતે ખરીદી ન થઈ શકી પણ સ્થળો જોવાની ખૂબ મજા આવી.

જો તમે સ્લીપર બસમાં કે સાદી લક્ઝરી બસમાં જવાના હો. તો કેટલાક મુદ્દા ખરેખર ધ્યાન પર લેજો. પ્રવાસમાં નાઈટ લખ્યું હોય તો ચોખવટ કરવી કે એ નાઈટ જર્ની ની વાત છે કે નાઈટ હોલ્ટ ની વાત છે. અમારે પાંચ થી છ નાઇટ લખેલી એની ચોખવટ નહોતી કરી એટલે માત્ર એટલા જ વત્તા બે બીજા ત્રણ નાઈટ હતા બાકી બધી નાઈટ સ્લીપર્સની નાઈટ જર્નીમાં ગઈ. ખાસ ચર્ચા કરી લેવી કારણકે ગયા વખતે વારાણસીમાં સવારે સાતથી રાત્રે 10 સુધી એ રિક્ષામાં અમે ફરેલા તો એ રીક્ષા બધા હોય તો સાથે અમને પાંચ વ્યક્તિ વચ્ચે 800 થી હજાર રૂપિયામાં આરામથી ફેરવતી સાઈટ સીમ પણ કરાવે એટલે વ્યક્તિદીઠ 200 રૂપિયામાં પડે. આ બધા કચ્છની ગણતરી શોપિંગ નો ખર્ચ ગણવો શરૂઆતથી 17,500ની દૂર અત્યારે અમને વ્યક્તિ દીઠ પણ 28 થી 30,000 ઉપર પડવા જઈ રહી હતી એ પણ શોપિંગ વગર. જોકે આ ટુરમાં બે સ્થળો વચ્ચેનું અંતર 900 km 700 કિલોમીટર 400 કિલોમીટર એવું રહ્યું તો નાઈટ સ્વાભાવિક છે. પણ જો તમે ખાવા પીવામાં કંટ્રોલ ના રાખો તો બીમારીમાં ત્રણેક દિવસ તો ખર્ચાઈ જાય.

અમારી મુસાફરી ભર ઉનાળે ગરમ પ્રદેશમાં હતી. તો બારેક વાગ્યા પછી ચાર સાડા ચાર સુધી પુષ્કળ પાણી પીવાનું બને અને ત્રણ થી ચાર વાટકી છાશની પીને શક્ય એટલું અમે શરીરને ખૂબ જ ઠંડું રાખ્યું. અને ગરમી ઓછી લાગી. સાંજે ઠંડક થઈ જાય એટલે વાંધો ન આવે.

તો આગ્રાથી તાજ દર્શન કર્યા વગર બેઠા લીધા વગર અમે બપોર પછી જયપુર જવા રવાના થયા. થોડી આગળ રસ્તામાં આરટીઓ વાળા આવીને ડ્રાઇવર અને ગાડીના કાગળ લઈને જતા રહ્યા. એમાં દોઢ બે કલાક બસ ઊભી રહી. બધા ફ્રેશ થવા વારાફરતી જઈ આવ્યા. એક ભાઈ શેરડીનો રસ વેચવા માટે આવ્યા. દસ રૂપિયામાં સરસ મીઠો ઠંડો રસ પીતા જ સાંજ સુધીની પાણીની જરૂરિયાત પૂરી થઈ ગઈ. સાતેક વાગ્યા પછી એક જગ્યાએ બસ ઊભી રાખી રાત્રિના જમવા માટે તૈયારીઓ થઈ. આજે ચા કોફી સાથે થેપલા પીરસવામાં આવ્યા હિતેશને હાથ પાસે જીવડું કરડી જતાં આંખે સોજો આવેલો જે વધતો જતો હતો. આ જગ્યાએ ઠંડા પાણીની બોટલ વેચતા એક ભાઈની દુકાન હતી ત્યાં બે સ્ત્રીઓ હતી મેં મારી તકલીફ જણાવી તો એને પંદરેક મિનિટમાં બરફ જામી જશે એમ કહી અમારા માટે ફ્રિજમાં બરફ જામવા મૂક્યો. ત્યાં સુધીમાં સાથેના ગજ્જર ભાઈ કોઈ ફેરિયા પાસેથી થોડો બરફનો ચુરો લઈ આવ્યા નેપકીનમાં ભરી આંખ પર છેક કરતાં થોડીવારમાં સોજામાં ખાસ ખાસ્તા પ્રમાણમાં ફરક પડી ગયો. ચા અને ઢેબરા જરાય જમ્યા નહીં. આજે અડધા ભૂખ્યા જ રહ્યા એમ લાગી રહ્યું હતું. વળી ઢેબરા ગરમ બનતા હોઈ એક એક આપતા હતા અને બીજા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. સાથે થોડું અથાણું પણ મૂકેલું હતું. ખેર 11 વાગ્યા પછી બસ ચાલુ થઈ અને અમે નીદ્રાધીન થયા. રસ્તામાં વરસાદ હતો એમ બધાએ કહ્યું. હવે અમે જઈ રહ્યા છે રાજસ્થાનમાં જયપુર….

ફરી એકવાર વારાણસી

બહુ પ્રતિક્ષિત વારાણસી કાશીમાં આજે હોટલ બુદ્ધ ઇન્ટરનેશનલમાં સવારે આંખ ખુલી ગઈ. હજી ફેબ્રુઆરીમાં જ વારાણસીને ભરપુર માણ્યું હતું. મન નહોતું ભરાયું. ત્યાં ફરી મે મહિનામાં ઉજ્જૈન, ઓમકારેશ્વર, મમલેશ્વર, પશુપતિનાથ બાદ હવે વારાણસીના કાશી વિશ્વનાથ ફરી એકવાર. આને હું મારો અહોભાગ્ય સાથે ભગવાનના પરમ આશીર્વાદ સમજુ છું.

હજી નજર સામેથી કોઈ નજારો હટ્યો નથી. રાત્રે બસ શહેરમાં ફરતી હતી ત્યારે વડોદરા જેવી જ બહુ પરિચિત ફીલિંગ આવી રહી હતી. એ રસ્તા એ મોલ, બધું પરિચિત લાગે પણ પેકેજ ટૂર હતી એટલે એમાં ગંગા નદીના 84ઘાટ અને કાશી વિશ્વનાથનું મંદિર બે જ વસ્તુ સામેલ હતી.

બસ જ્યાં સુધી ગઈ ત્યાં સુધી ગયા અને ત્યાંથી જુના વારાણસીમાં જવા એ રિક્ષાઓ લીધી ફરી. જુના રામઘાટ પહોંચ્યા. છેક સુધી પગથિયા ઉતર્યા. નાવડી માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ ₹340 અ કેને 30 રૂપિયા ગાઈડના ઠરાવ્યા. લાઈફ જેકેટ પહેરી સૌ મોટી નાવમાં બેસી ગયા. ગયા વખતે બધે વોલ ટુ વોલ ચિત્રો હતા તેની જગ્યાએ આ વખતે બદામી રંગનો કલર કરી દેવામાં આવ્યો દેખાયો.ચિત્રો ગાયબ હતા. બધા ઘરોને પણ બદામી રંગ થઈ ગયેલો. હા સારનાથના દરેક દિવાલો પર ભગવાન બુદ્ધના જીવન પ્રસંગોના સુંદર ભીંત ચિત્રો દોરાયેલા હતા. શહેરના કેનવાસ પર બધા ધાર્મિક પ્રસંગો ચિતરાયેલા હોય એવું જોવા મળ્યું એટલે માત્ર પરિવર્તન જ સતત છે. ત્રણ મહિનામાં ઘાટનો ચરિત્ર ચિત્રણ પણ બદલાયેલું જોવા મળ્યું .આ વખતે નાવ પણ કિનારાથી નજીક ચાલી હતી એટલે નિરીક્ષણ થતું હતું.અસ્સી ઘાટ સુધી નૌકા યાત્રા કરી.

ત્યાં સુધીમાં આકાશમાં કાળા વાદળ અને વરસાદના છાંટાઓ પડવા માંડ્યાં. અચાનક તેજ પવન અને ગંગાની લહેરોમાં ઉછાળ જોવા મળ્યો. એ સાગર જેવી લહેરો થવા માંડી. નાવિકે સાવધ થઈ લાઈફ જેકેટ પહેરવાની સલાહ આપી. ત્યાં જ દૂરથી પોલીસની બોટ આવી. પરિસ્થિતિની નજાકત જોતાં બોટને તાત્કાલિક કિનારે લઈ જવા હુકમ કર્યો અને અમને સૌને દશાશ્વમેઘ ઘાટને કિનારે ઉતારવામાં આવ્યા. અહીંથી લલિતા ઘાટ જ્યાં શ્રી મોદીજી એ કોરિડોર બનાવી છે ત્યાં સુધી ચાલતા ગયા. મોજ આવી ગઈ. મારી એ ઘાટ પર ચાલતા ફરવાની ઈચ્છા પૂરી થઈ ગઈ.

હવે કોરિડોરના ભવ્ય પર પ્રવેશ દ્વારથી અમે મંદિરના પ્રાંગણ તરફ જવાનું શરૂ કર્યું. અમારા મોબાઈલ ગાઈડને આપી અમે પર્સ સાથે લાઈનમાં ગયા. આ વખતે ઘણી સરળતાથી દર્શન પતી ગયા. આ વખતે ગણપતિ મંદિરના પણ દર્શન કર્યા. બાજુમાં આવેલ અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં દર્શન કરવા હતા. એટલે ગેટ નંબર બેમાંથી બહાર નીકળી મંદિરમાં દર્શન કર્યા. એક નાનકડી ભૂલ એ થઈ કે અમે બધાને ગેટ નંબર એક પર જવાનો રસ્તો પૂછ્યો તો લોકોએ અમને જુના ગેટ નંબર એકનો રસ્તો બતાવ્યો. ચાર ફૂટ પહોળી કાશીની ગલીઓ ભૂલભુલામણી જેવી હતી. એમાં અમે ફસાયા. એક નંબરના ગેટ પર પહોંચી પણ ગયા તો પણ અમને ત્યાંથી બહાર કાઢ્યા. સાથે આવેલ ચારેય પ્રવાસીઓ ખીજાયા. છેવટે એક દુકાનદારે અમને કહ્યું કે કોરીડોરનો ગેટ નંબર એક જુદો છે અને તમે પૂછો છો એ પ્રમાણે લોકો તમને બીજો રસ્તો બતાવે છે. હેમખેમ સાચા રસ્તે થઈ કોરિડોરમાં પહોંચી ગયા. ત્યાંથી બીજું મિશન ચંપલ શોધવાનું પૂરું કર્યું. હવે બધા સાથે અમે પણ આગળ ચાલ્યા. અહીં અમને મણિ કર્ણિકા ઘાટ પર લઈ ગયા .અહીં લાકડાઓના જથ્થા વચ્ચે ચિતાઓ સળગતી હતી. મોતના નજારા થી એકવાર તો ખોફ આવી જાય. અહીંથી ચૂપચાપ શિવલિંગના દર્શન કરી હોડીમાં બેઠા. હોડીઓ 11:00 વાગે બંધ થાય પણ અમે સૌ કશું પણ ખાધા પીધા વગર બેસી ગયા. રામઘાટ પહોંચી ફરી રિક્ષામાં એ પુલ નીચે ગયા જ્યાં બસ હતી. અહીં એક મકાનમાં અમારા માટે ભોજન તૈયાર કરી દેવામાં આવેલું. ત્યાં સૌ ભોજન કરી હવે આગ્રા માટે રવાના થયા.

વારાણસીને વિદાય કરી ભારે હૈયે અમારી ઊંઘ પૂરી ન થતી હોવાથી બસમાં અમે ઊંઘ પૂરી કરતા રહ્યા. રાત્રે 10- 11 વાગ્યે સૂઈને રોજ આગળની યાત્રા માટે ચારેક વાગે ઉઠી જવું પડતું હતું. હવે થોડો થાક પણ વર્તાતો હતો. ચારેક વાગ્યે હોટલ પર સૌ ચા પાણી માટે રોકાયા. ફરી નિરંતર સફર ચાલુ થઈ. રાત્રે સાત વાગ્યા બાદ એક ઢાબા ટાઈપ હોટલ પર બસ ઉભી રહી. અહીં ખુલ્લામાં લીમડાના ઝાડ હતા. વાતાવરણમાં થોડી ઠંડક વર્તાતી હતી. અહીં રસોડું ચાલુ થયું અને પાથરેલા વિશાળ પાથરણાં પર રિલેક્સ થતાં બેઠા. અહીં મેં બધાનો નેચરલ જ બેઠેલા વાતો કરતા વિડીયો ઉતાર્યો અને ગીત રિમિક્સ કર્યું. પ્રવાસ નો મતલબ એ નથી કે ફક્ત નક્કી કરેલા શહેરોના જોવાલાયક સ્થળો પણ આવા અજાણ સ્થળોના વિસામાં પણ એનું એક અભિન્ન અંગ છે અને આ બધા અનુભવો પણ પ્રવાસ જ આપી શકે .જમીને સૌ બસમાં નિદ્રા ને શરણ થયા ઓવર ટુ આગરા..

બોધિગયા

રાત્રે સવારે સાડા પાંચ વાગે તૈયાર રહેવા સૂચના મળેલી. મચ્છરના કારણે સાડા ત્રણ વાગ્યે ઊંઘ ઊડી ગઈ. પણ કટકે કટકે આવી.

4:30 એ સૌને ઉઠાડ્યા તો કોઈ ઉઠે નહીં. સૌને સાડા છ નો ખ્યાલ. ખેર હું ના્હી ધોઈને વહેલી પરવારી ગઈ. ત્યાં સાડા પાંચે બોલાવવા આવ્યા. ખાલી ચા પીધી.

પછી વિધિ વાળા જલ્દી રીક્ષામાં ગયા અને અમે ચારેય ચાલતા નીકળ્યા. આગળ જતાં એ રીક્ષા મળી. તો વ્યક્તિ દીઠ રૂપિયા 100 માં ઠરાવીને વિષ્ણુપદ મંદિર દર્શન કરવા ગયા. ત્યાં મોબાઈલ મૂકી દેવામાં આવે છે. વિશાળ બહુ જૂનું વિશાળ મંદિર છે. કોતરણી કામ કોઈ ખાસ નથી. અહીં ગર્ભગૃહ તો વિશાળ પણ અંધારું મંદિર છે .વચ્ચે ગોળ કુંડાળું હતું. ત્યાં લોકો ફૂલ ચડાવતા હતા. આજુબાજુ બધા દેવોની મૂર્તિઓ નાની મોટી સાઈઝમાં હતી. થોડી વારે બહાર આવી પાછા રિક્ષામાં બેઠા.

હવે મંગલા ગૌરી મંદિરમાં ગયા. પણ ત્યાં તો એટલી લાંબી લાઈન કે ચાર પાંચ કલાકે નંબર આવે એમ હતું. બહારથી જ પ્રણામ કરી પાછા વળ્યા. હવે અમે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કો દ્વારા પ્રમાણિત થયેલ બુદ્ધ ટેમ્પલ જોવા ગયા. બહુ વિશાળ એરિયામાં શુદ્ધ બૌદ્ધ પરંપરા ને પ્રતિબિંબિત કરતું હતું. અહીં ગલગોટાના ફૂલના પડિયા મળતા.

એક ઉંચા ગુંબજ તળે બુદ્ધની સુવર્ણ પ્રતિમા.. એકદમ ભવ્ય અને એકદમ સુંદર. ત્યાંથી નજર કે મનને હટવાનુ મન જ નહોતું થતું. પાછળ વિશાળ પીપળાનું વૃક્ષ હતું. જ્યાં તેમણે પોતાનું જ્ઞાન મેળવ્યું હતું. જ્યારે તરફ એક નવા જ આર્કિટેક્ચરલ નમુના દ્રશ્યમાન થાય. ઠંડુ વાતાવરણ સમય ઓછો હતો. અમે સીધા હોટલ પર પહોંચ્યા. અને જવા માટેની તૈયારી કરી .

“મનનો ફોટોગ્રાફ” નામના મારા પુસ્તકનું બધા પ્રવાસીઓને ભેટ રૂપે વિતરણ કર્યું. બાલુશાહી, રસ પુરી અને બટાકાના શાકનું ભોજન લઈ સીધા રવાના થયા બનારસ.

ત્યાં સંધ્યા આરતી સુધી પહોંચાયું નહીં તેથી હોટલ બુદ્ધ પ્લાઝામાં સારનાથમાં ઉતારો કર્યો. રૂમ રાબેતા મુજબ ખુબ સરસ હતી. સેવ ટામેટાનું શાક પુરી છાશ કચુંબર ભોજન લઈને ગુડનાઈટ કહી દઉં???

બોધિગયા તરફની સફર

22/05/2023.

આજનો દિવસ સૌથી બોર દિવસ હતો એ ખબર હતી. રાજ્યો હતા ઝારખંડ અને બિહાર. થોડા સાવચેતી રાખવા પડે એવા.

ખેર.. સવારે પાંચેક વાગે બે ત્રણ યાત્રીઓના ઈમરજન્સી નેચરલ કોલ માટે બસ એક પેટ્રોલ પંપ પર ઉભી રાખવી પડી. પાણીની એક બોટલ સાથે ઘણા બધાએ નીલ ગગન કે તને … અને પછી બસ ઉભી રહી સીધી દેબુસરાય. એક મોટું શહેર છે. ત્યાં હનુમાનજીના મંદિર પાસે ચા અને ગાંઠિયાનો નાસ્તો થયો. હવે ધીરે ધીરે અમે ઘડિયાળ નહોતા જોતા. 2003માં બિહારને ટ્રેનની બારીમાંથી જોયેલી રાતના અંધકારમાં સ્ટેશન પર લાઈટો પણ નહીં. દાદાગીરીથી ડબ્બામાં ચઢી બેસતા લોકો.. બધું યાદ આવ્યું…

આ વખતે રોડ પરની સફર હતી. ગંદકી હતી. રોડ હવે થોડા વ્યવસ્થિત હતા.

વાંસની પટ્ટીઓ માંથી બનાવેલા ગોળ ઝૂંપડા પર ત્રિકોણ ઘાસ ની ફરાળી વાળી છત અથવા ચોરસ ઝૂંપડા પર પતરુ… જમીનના ચોરસ લંબચોરસ પ્લોટ પાડેલા. ક્યાંક મકાન, ક્યાંક ખેતી.

ગયા ખૂબ લાંબા અંતરે હતું. નાના નાના ગામ. કસબા તેની ચાર બાય ચારની કે પાંચ બાઈ પાંચ ની દુકાનો હતી. તેમાં બધો અસબાબ વેચાય. શાકભાજી થી માંડીને રીપેરીંગ અને મેડિકલ ની દુકાનો. અમારી બસ ત્યાં ટ્રાફિક જામ કરવા માટે સક્ષમ હતી.

આખરે હાંફતી હાંફતી બસમાં કંટાળેલા અમે ગયાની હોટલ બુધ્ધા ગ્રાન્ડ માં પહોંચ્યા. સરસ મજાના રૂમ હતા. એટેચ્ડ બાથરૂમની ગરમ ઠંડા પાણીની સુવિધા પણ હતી. બીજું શું જોઈએ?? એક હુંફાળું સ્નાન કરી બધા હોટલના રિસેપ્શનમાં ભેગા થઈ ગયા. ત્યાં સરાવવા માટેની શ્રાદ્ધ વિશેષ સ્થાનિક ગાઇડે સમજ આપી. હિંદુ શાસ્ત્ર પ્રમાણે અહીં જો તર્પણ વિધિ કરી દેવાય તો પછી પિતૃઓને શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ આજીવન ન નખાય. પુરુષોનું તર્પણ અહીં બોધિગયામા થાય અને સ્ત્રીઓ માટે સિધ્ધપુર. કોઈનું અપમૃત્યુ થયું હોય તો અહીં એ જીવનો મોક્ષ થાય. ઈચ્છા તો હતી પણ બીજા બેઉ ભાઈની અને સાસુ માની મંજૂરી માટે અવઢવ હતી એટલે માંડી વાળ્યું. જેવી હરી ઈચ્છા…

વઘારેલી ખીચડી, કઢી, ભાખરી અને સંભાર નું ભોજન લઈ પથારીને શરણે ગયા. એક દિવસ પૂરો થયો. હવે કાલે સવારે વિધિ માટે જવાનું હતું.. ગુડ નાઈટ…